Aapnu Gujarat
બ્લોગ

બકાના ગતકડા

“ કહું છું સાંભળો છો …? આ તમારો નવો શર્ટ વોશિંગ મશીનમાંથી કાઢીને લઈ આવી.જુઓ હવે સરસ ધોવાયો.હું પલળેલી છું તો જરાક તમારો શર્ટ અને ગંજી સુકવી દોને. ઝટ સુકાઈ જાય તો ઇસ્ત્રીમાં જતા રહે.” શ્રીમતીજીનું ‘કહું છું સાંભળો છો’ એટલે જાણે કલેક્ટરનો સહી કરેલો હુકમ. એને જે અવગણે એના ઘરમાં તો શાંતિનો ભંગ થાય થાય ને થાય જ.
‘આહા…..વાહ ક્યા સીન હૈ…!’
ઐયર બહારથી સોસાયટીમાં આવતો હતો. સામે જ કપડાં સુકવતા બકા ઉપર એની નજર પડી. એનો ચહેરો ખીલી ઉઠ્યો.બકો તો બિચારો ભોળો…….એ તો કપડાં સુકવીને અંદર જતો રહ્યો.ઐયરને વાત લીક કરવાની ચટપટી ઉપડી. ઘરેથી વાઈફનો ફોન આવ્યો.આવતીકાલે શરદપૂનમ છે તો પૌઆ ભૂલતા નહી.એની વાત સાંભળ્યા વગર હા હા કરી ડીસ્ક્નેક્ટ કર્યો.
પાનાચંદ પવાલી અને સલ્લુ સોસાયટીના બાંકડે બેસી ગપાટા મારતા હતા. ઐયર તો પહોચ્યો સીધો પાનાચંદ પવાલી પાસે. ઐયરને એમની તરફ આવતો જોઈ એમને પણ નવાઈ તો લાગી.
મકાનના છાંયડામાં એક કુતરું સુતેલું. હરખઘેલા ઐયરથી એની પૂંછડી ઉપર બૂટ પડી ગયો.કૂતરાએ પાડી ચીસ .ઐયર ગભરાયો. એણે હાથમાંથી સામાનની થેલી કૂતરા સામે ઉલાળી. કૂતરું કરડી લેવાના મૂડમાં હતું.ઐયરે થેલી ફરી ઉલાળી એવી જ થેલી છૂટી ગઈ.એમાંથી મગ,પૌઆ અને પૂજાના ફૂલો ચારેબાજુ વેરાયા.કૂતરું પાછળ અને ઐયર આગળ… આખી સોસાયટી દોડીને માપી લીધી..! છેવટે એક કાર ઉપર ચઢી ગયો. બે-ચાર જણાએ ભેગા થઈ કૂતરું ભગાડ્યું.એ પછી બીતો બીતો ઐયર નીચે આવ્યો.
“ શું વાત છે …આજે સવાર સવારમાં…” પાનાચંદે આંખો મોટી કરતાં કહ્યું.
“અરે આપણી સોસાયટીમાં કઈ નવાજૂની છે ?” ભલે ઐયર હજી ડીસ્ટર્બ હતો પણ બકાની વાત કરવા હરખઘેલો હતો.
“ વો તો આપ બતાઓ…જો બાત આપ જાનતે હો વો હમ કૈસે બતા સકતે હૈ ઐયરભાઈ ?”સલ્લુએ સ્ટ્રોક માર્યો.
“કોઈ કોરોનાના કેસ આવ્યા છે કે શું આપણી સોસાયટીમાં…?”કોરોનાનું નામ સાંભળતા જ બેયના કાન ચમક્યાં.
“એવું તો કશું જાણ્યું નથી…”
“ અરે તુમ હી બતા દો…કિસ કો કરોનાને કાટા હૈ…? ઇતની જોરદાર બાત હૈ ઇસી લિયે કુત્તે સે પંગા લે લિયા ક્યા …?!” સલ્લુએ મશ્કરી કરી.
“તુમ કો સચ મેં નહી પતા ?”
“ અરે નહી પતા યાર…..”
“ મુઝે લગતા હૈ કિ બકા ઈઝ કોરોના પોઝીટીવ …” ઐયરની વાત સાંભળીને બેય ઊભા થઈ ગયા.
“ક્યા બકવાસ કરતે હો ઐયર…ઐસા હોતા તો વો સબ કો બતાતા.સોસાયટી કે વોટ્‌સપ ગ્રુપ મેં ભી લિખતા.”
“તમે ક્યા આધારે આ વાત કરી ?” પાનાચંદે સવાલ કર્યો.
“હું અભી બહારથી આવતો હતો.તો…મેં શું જોયું …? બકો કપડાં સુક્વતો હતો…એ તો આવું કામ કરે જ નહી…તો વિચારો કપડાં કોણ સૂકવે…??? કોરોના પેશન્ટ હોય એ જ પોતાના કપડા જાતે ધોઈને સૂકવે. ધીસ ઇસ માય લોજીક.” પેટછૂટી વાત કર્યા પછી ઐયરને ઠંડક થઈ. પેલા બેય જબરા કન્ફયુઝ થઈ ગયાં.
“ ચાલો હું જાઉ.ઘરે મારી રાહ જોતા હશે.” કહી ઐયર રવાના થયો.એના ઘરે પહોચીને સોફામાં બેઠા બેઠા મગજમાં અવનવા વિચારો આવવા લાગ્યા.હવે સલ્લુ અને પાનાચંદ ચુનીકાકા અને પટેલના ઘરે જશે.એમાંથી ચુનીકાકા સિનીયર સીટીઝનોને આ વાત કહેશે.પટેલ સોસાયટી મેમ્બરને આ વાત કરશે.એમની પત્નીઓ આખી સોસાયટીમાં વાત કરશે.આંમ આખી સોસાયટીમાં બકો કપડાં સુક્વતો હતો એ વાત ફેલાઈ જશે.પછી જો બકાની ઈજ્જતના કેવા ધજાગરા થાય છે…!
બીજા દિવસે સવારે એના ઘરની ડોરબેલ રણકી.
વાઈફે બારણું ખોલ્યું.પીપીઈ કીટ પહેરેલા ત્રણ જણા ઊભા હતાં.એકના હાથમાં લખવાનું પેડ હતું.એણે પૂછપરછ શરુ કરી.
“ મિ.સહસ્ત્રઅર્જુન ઐયરનું ઘર આ જ છે ?”
“હા આ જ છે.પણ તમે કોણ ?”
“ઘરમાં કોણ કોણ રહે છે ?નામ લખાવો.” બોલતા બોલતા એક માણસે લાલ કલરનું સ્ટીકર ઘરની બહાર લગાડી દીધું.જેની ઉપર લખ્યું હતું – નોવેલ કોરોના વાયરસ આ ઘરની મુલાકાત લેવી નહી.પેશન્ટનું નામ સહસ્ત્રઅર્જુન ઐયર.
“હું, મારા પતિ અને મારી બે દીકરીઓ છે.” ઐયરની પત્નીને કશું સમજાતું નહોતું.
“મિ.ઐયરને બોલાવો.”
“એ તો જોબ ઉપર ગયા છે…”
“ વોટ….???કોરોના પેશન્ટને ઘરની બહાર જવાનું નથી હોતું.તમને ખબર નથી ?”
“ કોરોના પેશન્ટ ? કોણ ???”
“તમારા પતિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.” પીપીઈ કીટ પહેરેલા એક જણાએ કહ્યું.
“અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમમાંથી એમને ચેક કરવા આવ્યા છીએ.અને આ રીતે રોજ આવીશું.” બીજો બોલ્યો.
ઐયર સવારે નોકરી જવા નીકળ્યો ત્યારે જ એની કાર પાછળ કોઈએ કોરોના પેશન્ટ લખેલું કમ્પ્યુટરાઈઝ્‌ડ સ્ટીકર ચોંટાડી દીધેલું. બે-ત્રણ ચાર રસ્તા ક્રોસ કર્યા પછી એને પોલીસે સામેથી રોક્યો. ગાડી સાઈડમાં લેવડાવી.પૂછપરછ શરૂ કરી.નામ પૂછ્યું.પછી પોલીસે એનો ફોટો પાડીને કોઈને સેન્ડ કર્યો.બધી વિગતો પૂછી. અકળાયેલા ઐયરે પોલીસને આનું કારણ પૂછ્યું.જવાબમાં પોલીસે કારની પાછળ લગાડેલું સ્ટીકર બતાવ્યું.એ જોઇને ઐયર ડઘાઈ ગયો.શું બોલવું એ એને સુઝ્યું નહી.એની ગમે તેટલી ના છતાં પોલીસ એને કોરોના નથી એ માનવા તૈયાર નહોતી.પોલીસનું કહેવું હતું કે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના ટેસ્ટીંગ માટે ઠેર ઠેર બનાવેલા ડોમ પૈકીના એસ.જી.હાઈવે ઉપરના ડોમમાં એક વ્યક્તિએ ગઈકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝીટીવ હતો.એણે ફોર્મમાં લખાવેલી વિગતો બધી ઐયરની જ હતી. એને કવોરન્ટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો. પોલીસે કવોરન્ટાઈનના નિયમ ભંગ બદલ ઐયર ઉપર પોલીસ કેસ કર્યો. કવોરન્ટાઈન સેન્ટરમાં મૂકીને જઈ રહેલી પોલીસને હાથ જોડીને ઐયર કહી રહ્યો હતો કે આ કોઈનું કાવતરું છે, મને ખરેખર કોરોના નથી. મારો ટેસ્ટ કરાવો. અહી રહીશ તો સાચેસાચ મને કોરોના થઈ જશે. મને બચાવો પ્લીઝ…પણ એનું સાંભળે કોણ ?
“અરે…તમને શું કામ કોરોના થઈ જાશે એમ બૂમો પાડો છો…? ક્યારના અષ્ટમ પષ્ટમ શું બબડ બબડ કરો છો….” ઐયરની પત્નીએ એને ઢંઢોળ્યો.પરસેવે રેબઝેબ ઐયરે આંખ ઊઘાડી.એણે પત્નીને આખું સપનું કહ્યું.એટલામાં જ ડોરબેલ વાગી.બકો,પાનાચંદ,પટેલ,જીગો અને સલ્લુ શરદપૂનમની રાત્રે ગરબા માટે ફાળો ઉઘરાવવા આવ્યા હતાં.
“પણ કોરોનાના કારણે બધા ભેગા તો થવાનું નથી.તો ગરબા કેવી રીતે કરીશું ?” ઐયરની પત્નીએ સવાલ કર્યો.
“વિજયાલક્ષ્મી તું ફાળો લઈ આવ અને આપી દે.” ઐયર હજુ ડરેલો હતો.એને આ લોકોને ઝટ ભગાડવા હતા.
“ સોસાયટીના ચોગાનમાં ડીજે હશે.એ બધાને ઘરે સંભળાશે. નીચેના મકાનવાળાએ પોતાના આંગણામાં ગરબા કરવાના. અને તમારી જેમ ઉપર રહેતા હોય એ બધાએ પોતાની અગાશીમાં ગરબા કરવાના છે.ટૂંકમાં સહુ સહુના ઘરે જ ગરબા કરશે.ગરમ ગરમ નાસ્તો સહુના ઘરે જ પહોચાડી દેવામાં આવશે.”
“બોલો કિતના લીખું ?પાંચસો લીખ દુ ?”સલ્લુએ ફાળાનું પૂછ્યું.
“હા લખો.” વિજયાલક્ષ્મીએ કહ્યું.
“નહી…પાંચસો એકાવન લખો.” ઐયરે બધાને આશ્ચર્ય પમાડતા કહ્યું.
“બકા…મેં તારા વિશે કોઈને કશું કહ્યું નથી. તું કપડાં સૂકવે કે ના સૂકવે….તને કે મને કોરોના થયો નથી.” ઐયરે કેમ આવું કહ્યું એ કોઈ સમજ્યું નહી.
“ઐયર સપના ય મારા જુએ છે કે શું ?! “ કહી બકો હસ્યો.
આખી મંડળી રવાના થઈ.ઐયરે ઘરની બહાર જઈને ચેક કર્યું – ક્યાંક સાચે સાચ કવોરન્ટાઈનનું લાલ બોર્ડ નથી મારી ગયાને ! બકાને કેવી રીતે ખબર પડી કે એ મારા સપનામાં આવેલો ?આ વાત ઐયરને સમજાઈ નહી. શરદપુનમના ગરબામાં બધાને મઝા આવી. જ્યારે ઐયરે એજ વિચાર્યા કર્યું કે એ કોરોના પોઝીટીવ કોણ હશે જેને મારી વિગતો આપીને ટેસ્ટ કરવા મોકલ્યો હશે…? ત્યાં તો એના મોબાઈલની રીંગ વાગી.
“ હલ્લો…”
“હા…કેમ છો ?”
“ મને કોરોના થયો છે…” વિચારમગ્ન ઐયરથી બફાઈ ગયું.
“કાંઈ વાંધો નહી…મારા ઓળખીતાની છોકરીને પણ કોરોના થયો છે.તમે કહેતા હોવ તો હું તમારી વાત ચલાવું…બોલો છે વિચાર ?”
ઐયર ચક્કર ખાઈને નીચે પડ્યો…. લોકો હજી સુધી પૂછે છે કે આને થયું શું …?
એકવાર પરણીને……ત્યાં બીજીવાર…..ની ઓફર…! પછી તો બિચારો બેભાન જ થઈ જાય ને !!!

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

Related posts

અમેરિકામાં ‘શટડાઉન’

aapnugujarat

शिवसेना की भाजपा को ललकार : हिम्मत है तो आओ सामने

aapnugujarat

’ભાઇજાન’ માટે લકી છે ઇદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1