ભારતીય સ્ટુડન્ટ માટે હાલમાં વિદેશ જવું વધારે મુશ્કેલ બને તેવી શક્યતા છે. કેનેડા, યુકેની જેમ ઓસ્ટ્રેલિયાએ પણ ઈમિગ્રેશનના નિયમો કડક બનાવ્યા છે. તેના કારણે ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજીઓ રિજેક્ટ થાય તેવા કેસ વધી રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી છે કે છેલ્લા છ મહિનામાં સ્ટડી વિઝાની દર 5માંથી એક અરજી રિજેક્ટ થાય છે. એટલે કે 20 ટકા અરજીઓને ઓસ્ટ્રેલિયા દ્વારા એપ્રૂવ કરવામાં આવતી નથી. છેલ્લા ત્રણ વર્ષનો દેખાવ જોવામાં આવે તો હાલમાં રિફ્યુજલ રેટ વધી ગયો છે.
ઓસ્ટ્રેલિયામાં આ રેટ પર જ અરજીઓ ફગાવવામાં આવશે તો ચાલુ એકેડેમિક વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં અગાઉ કરતા 90,000 ઓછા સ્ટુડન્ટ આવી શકશે. ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન અધિકારીઓ હવે કોઈ પણ સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન જેન્યુઈન છે કે નહીં તે ચકાસે છે. જે સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયામાં ખરેખર ભણવા માટે સિરિયસ લાગતા ન હોય તેમની અરજીઓ નકારી કાઢે છે. 2019ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એજ્યુકેશન સેક્ટર તેની ટોચ પર હતું. તે સમયે એજ્યુકેશન એ એવી એક્સપોર્ટ હતી જેની વેલ્યૂ 41 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. ત્યાર પછી 2024 સુધીમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.
ખરેખર ભણવું હોય તેમને જ એન્ટ્રી
વર્ષ 2023ના છેલ્લા છ મહિનામાં ઓસ્ટ્રેલિયા સરકારે નોન-જેન્યુઈન સ્ટુડન્ટને દૂર રાખવા માટે કડક નિયમો બનાવ્યા. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ઈમિગ્રેશન સિસ્ટમમાં જે છીંડા હતા તે દૂર કરાયા છે. ઘણા યુવાનો ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટના નામે આવતા હતા, પરંતુ હકીકતમાં તેમનો ઈરાદો ગમે ત્યાં નોકરી કરવાનો અને ઓસ્ટ્રેલિયામાં જ ટકી જવાનો હતો. ઓસ્ટ્રેલિયન સરકારે આવા લોકોને આવવા ન દેવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં હમણાં મોંઘવારી બહુ વધી ગઈ છે અને કેનેડાની જેમ જ અહીં મકાનોની પણ અછત છે.
રિજેક્શન રેટમાં ઉછાળો
છેલ્લા કેટલાક વર્ષોનો ડેટા જોવામાં આવે તો સમજાશે કે અત્યારે વિઝા રિજેક્ટ થવાનો દર સૌથી ઉંચો છે. 2018-19માં ઓસ્ટ્રેલિયા માત્ર 10 ટકા સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનને રિજેક્ટ કરતું હતું. 2021-22માં આ દર 8.5 ટકા હતો. 2022-23માં 14 ટકા અરજીઓ રિજેક્ટ થવા લાગી હતી અને હવે તો આ દર વધીને 20 ટકા થઈ ગયો છે.
સ્ટુડન્ટ પર નવો બોજ
કોઈ પણ સ્ટુડન્ટ હવે ઓસ્ટ્રેલિયાના વિઝાની અરજી કરે તો તેણે સાબિત કરવું પડશે કે તે અહીં કામ કરવા માટે નહીં પરંતુ ભણવાના હેતુ સાથે આવે છે. તથા તે ઓસ્ટ્રેલિયન ઈકોનોમીમાં નવી સ્કીલનો ઉમેરો કરી શકે છે. જે સ્ટુડન્ટનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ નબળું હોય તેમની અરજીઓ રદ થવાની શક્યતા વધારે રહે છે. ખાસ કરીને ડિપ્લોમા લેવલના ઘણા કોર્સમાં એડમિશન લેવાયું હોય ત્યારે તેની અરજીઓ રિજેક્ટ કરવામાં આવે છે. તેના બદલે મેડિસિન, એન્જિનિયરિંગ અથવા સાયન્સમાં ડિગ્રી લેવા માગતા હોય તેમને પ્રાથમિકતા અપાય છે.