રોહિત શર્માને આઈસીસી વન-ડે ક્રિકેટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં છ ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને મોહમ્મદ શમી તથા મોહમ્મદ સિરાજની ફાસ્ટ બોલિંગ જોડી અને વધુ બે ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિવેદન અનુસાર ટીમમાં સ્થાન મેળવનારા મોટાભાગના ખેલાડીઓ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પહોંચેલી રનર અપ ભારતીય ટીમ અને ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ ઉપરાંત સેમિફાઈનલમાં પહોંચનારી ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકન ટીમના છે. જ્યારે ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન બે જ ભારતીય ખેલાડીઓ સામેલ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.