ઓક્ટોબર ૨૦૨૨માં નવરાત્રી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના બાદ ખેડા જિલ્લાના ઊંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલે બાંધીને ફટકારવાના મામલે સુપ્રીમ કોર્ટે આરોપી પોલીસકર્મીના આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે આરોપી પોલીસકર્મીઓને ૧૪ દિવસની જેલની સજા ફટકારી હતી, જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
લાઈવ લૉના એક રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટમાં આ મામલે આજે થયેલી સુનાવણીમાં જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ હાઈકોર્ટે આપેલા ચુકાદા પર સ્ટે આપ્યો હતો. જોકે, મુસ્લિમ યુવકોને થાંભલે બાંધીને તેમને બેરહેમીથી ફટકારવા ઉપરાંત તે ઘટનાનો વિડીયો લેવાના આરોપનો સામનો કરી રહેલા આરોપી પોલીસકર્મીની કોર્ટે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
આ મામલામાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલામાંથી પાંચ લોકોએ હાઈકોર્ટમાં કેસ કરી આરોપી પોલીસકર્મી પર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. મેટર હાઈકોર્ટમાં જતાં આરોપી પોલીસકર્મીઓએ કોર્ટની બિનશરતી માફી માગવાની સાથે પીડિતો સાથે સમાધાન કરવાની પણ ઓફર કરી હતી, પરંતુ પીડિતાએ સમાધાનનો સ્પષ્ટ ઈનકાર કરી દઈ આરોપીઓને સજા થાય તેવી માગ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર ૨૦૨૩માં પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધાના હોદ્દા ધરાવતા એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, લક્ષ્મણસિંહ ડાભી અને રાજુ ડાભીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ્સ એક્ટના સેક્શન ૧૯ હેઠળ ૧૪ દિવસની જેલની સજા ફટકારી હતી, જોકે આરોપીઓને સુપ્રીમમાં જવાની મંજૂરી આપતા હાઈકોર્ટે તે વખતે પોતાના જ ઓર્ડર પર ત્રણ મહિનાનો સ્ટે મૂકતા આરોપી પોલીસકર્મીઓને જેલમાં જવાનો વારો નહોતો આવ્યો.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ બચાવ પક્ષના વકીલને એવો સવાલ કર્યો હતો કે પોલીસને કયા કાયદા હેઠળ લોકોને થાંભલે બાંધીને તેમને ફટકારવાની સત્તા મળી છે? ત્યારે જસ્ટિસ મહેતાએ પણ એવો સવાલ કર્યો હતો કે પોલીસ એક તો લોકોને ફટકારે છે, અને પાછી તેના વિડીયો પણ ઉતારે છે!
જસ્ટિસ ગવઈએ આજે થયેલી સુનાવણીમાં એવું પણ કહ્યું હતું કે ડી.કે. બાસુ કેસમાં સુપ્રીમ કોર્ટે શું નિર્દેશ આપ્યા હતા તે જાણવા દરેક પોલીસ અધિકારીની ફરજ છે.
ફરિયાદ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે બચાવ પક્ષ બસ એ જ કહી રહ્યો છે કે આરોપી પોલીસકર્મીઓએ જે કંઈ કર્યું તે જાણી-જોઈને નથી કર્યું, તેનાથી આગળ તેમની પાસે બીજું કશુંય કહેવા માટે નથી.
૦૩ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ખેડા જિલ્લાના ઊંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી, અને ત્યારબાદ પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી તેમજ બીજા દિવસે તેમને ગામમાં લાવીને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષનો દાવો છે કે પોલીસે જ આ ઘટનાનો વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો હતો.
પોલીસે જે લોકોને માર્યા હતા તે તમામ મુસ્લિમ યુવકો હતા, જેમણે શરૂઆતમાં કુલ ૧૩ પોલીસકર્મીઓ સામે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. નડિયાદના મેજિસ્ટ્રેટના તપાસ રિપોર્ટના આધારે હાઈકોર્ટે ચાર પોલીસકર્મી સામે સુપ્રીમ કોર્ટના નિર્દેશની અવમાનના કરવાના ગુનામાં સુનાવણી હાથ ધરી તેમને દોષિત ઠેરવીને ૧૪ દિવસની જેલની સજા કરી હતી.