Aapnu Gujarat
ગુજરાત

આશા ફાઉન્ડેશને તરછોડાયેલા વિદેશી શ્વાનોને આશરો આપ્યો

માણસનો સૌથી વફાદાર મિત્ર શ્વાન(કૂતરું) કહેવાયો છે, શ્વાન જીવે ત્યાં સુધી તેના માલિક કે તેને એક રોટલીનું બટકું ખવડાવનાર માણસનું ઋણ જીવનભર ભૂલતો નથી અને તેને છેક સુધી પ્રેમ-વ્હાલ કરી વફાદારી નિભાવે છે પરંતુ એક માણસ જ જાણે વફાદારીનો ગુણ ભલો ગયો લાગે છે. શહેરમાં તાજેતરમાં જ આઠથી વધુ વિદેશી પ્રજાતિના કૂતરાઓને તેમના માલિકોએ રોગ કે બિમારી થતાં અથવા તો ઉમંર થઇ ગઇ હોવાના જુદા જુદા કારણસર ઘરમાંથી કાઢી મૂકી રસ્તે રઝળતા મૂકી દીધા હતા…કોઇએ આ કૂતરાઓની લાવરિસ અને લાચારીભરી સ્થિતિ જોઇ શહેરની એનીમલ હેલ્પલાઇન આશા ફાઉન્ડેશનને ફોન કરતાં પ્રાણીઓ અને અબોલ પશુ-પક્ષી માટે સમર્પિત એવી આ સંસ્થાએ વિદેશી પ્રજાતિના આ કૂતરાઓને તાત્કાલિક તેની સંસ્થામાં આશરો આપ્યો…જો કે,હજુય જાણે આ વિદેશી કૂતરાઓની આંખોમાં તો પોતાના માલિકની રાહ જ દેખાઇ રહી છે….કે કયારે મારા માલિક આવે..જો કે, આ બિચારા કૂતરાઓને કયાં ખબર છે કે, માણસ એવું પ્રાણી છે કે, કે જે ઘડપણમાં પોતાના સગા મા-બાપને ઘરમાંથી તગેડી મૂકે છે..તો આ તો વળી કૂતરાઓ છે. છેલ્લા એક વર્ષમાં ૨૨૩ વિદેશી કૂતરાઓ, ૫૮ બિલાડીઓ, ૩૦૦ માછલીઘરો, ૩૦થી વધુ કાચબાઓ તેમના માલિકોએ એક યા બીજા કારણોસર તરછોડયા છે અથવા તો આ સંસ્થાને સોંપી રવાના થઇ ગયા છે. સમાજની સ્વાર્થી માનસિકતા અને વાસ્તવિક ચહેરો રજૂ કરતા આ પ્રકરણની વિગતો કંઇક એવી છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં શ્વાન પાળવાનો શોખ ધરાવતા કેટલાક લોકો તેમની મોજ અને શોખ પૂરો કરવા જેવી તેવી નહી પરંતુ જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પોમેરિયન, ગ્રેટ ડેન, બુલ ડોગ, ડે શાઉન્ડ જેવી ઉંચી વિદેશી પ્રજાતિઓના શ્વાન પોતાના ઘરમાં લાવ્યા હશે પરંતુ સમય જતાં આમાંના કેટલાકની ઉમંર થઇ તો,કેટલાકને વત્તા ઓછા અંશે બિમારી થઇ…રોજ રોજ હવે આવા શ્વાનને વેટરનરી ડોકટરો પાસે લઇ જઇ સારવાર કરાવવી કદાચ આ શ્વાન માલિકોને પોષાતુ નહી હોય.કારણ કે, એક વખત વેટરનરી ડોકટર પાસે જાઓ એટલે હજાર-પંદરસો રૂપિયાનો ખર્ચ ગણી લેવાનો. આ ખર્ચા ઉપરાંત, રોજેરોજ તેમની સારવાર અને જાળવણીનો બોજો ઉઠાવી શકવાની માનસિકતા નહી હોવાથી કહેવાતા સભ્ય સમાજના આ સજ્જનોએ જર્મન શેફર્ડ, લેબ્રાડોર, બુલ ડોગ,ડે શાઉન્ડ સહિતની ઉંચી વિદેશી પ્રજાતિના આ કૂતરાઓને કોઇપણ વાંક ગુના વગર ઘરમાંથી કાઢી મૂકી રસ્તે રઝળતા કરી દીધા. આ તમામ કૂતરાઓને આશરો અને સારવાર આપનાર આશા ફાઉન્ડેશનના સંચાલક હર્મેશ ભટ્ટે જણાવ્યું હતું કે, રસ્તે રઝળતા અને લાચારીભર્યુ જીવન જીવવા મજબૂર બનેલા આ વિદેશી કૂતરાઓ વિશે કોઇ શ્વાનપ્રેમી નાગરિકે અમારી સંસ્થાને ફોન કર્યો હતો અને અમે આ તમામ કૂતરાઓને લઇ અમારે ત્યાં લઇ આવ્યા છે. તેઓની યોગ્ય સારવાર અને જાળવણી કરવામાં આવી રહી છે. તેમણે ચોંકાવનારી હકીકત જણાવી કે, માત્ર શ્વાન જ નહી,લોકો બિલાડી, કાચબા, પોપટ સહિતના અન્ય પશુ-પક્ષીઓ પણ તેમનું મન ભરાઇ જાય કે અન્ય કોઇક કારણથી રસ્તે રઝળતા કરી મૂકે છે પરંતુ આવા લોકોએ એ સમજવું જોઇએ કે, કોઇપણ પશુ-પક્ષીને પાળવું એ નૈતિક જવાબદારી છે અને તે નિભાવવાની શકિત હોય તો જ તેને ઘરમાં લાવવા જોઇએ.તમારા મોજશોખ કે મનોરંજન માટે પશુ-પક્ષીઓને લાવી તે નકામા કે બિમાર થાય અને તમે કાઢી મૂકો એ કુદરતની દ્રષ્ટિએ પણ ચાલે નહી. શહેરમાં દિન-પ્રતિદિન પાળેલા કૂતરા, બિલાડી, પોપટ સહિતના પશુ-પક્ષીને તરછોડવાની વધી રહેલી ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે.

Related posts

ઇસુદાન ગઢવીની લીબંડી મોટા મંદિર ખાતે મુલાકાત

editor

કૃષિ અને પશુપાલનમાં રોજગારીની ઉજળી તકો રહેલી છે : બાબુભાઇ બોખરીયા

aapnugujarat

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવનું કરાયેલુ સમાપન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1