બ્રિટનમાં ફરી એકવાર આતંકવાદીઓ ત્રાટક્યા છે. ૨૨મી મેના દિવસે ભીષણ હુમલો કરવામાં આવ્યાના બે સપ્તાહ બાદ જ આતંકવાદીઓ ફરી ત્રાટક્યા છે. આતંકવાદીઓએ આ વખતે લંડનબ્રિજ અને બરો માર્કેટને ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા હતા. ૮મી જૂનના દિવસે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આતંકવાદીઓ આ હુમલો કર્યો છે. હુમલાખોરોએ હથિયાર તરીકે તેમના વાહનનો ઉપયોગ કર્યો હતો અને લોકોને કચડી માર્યા હતા. લંડનબ્રિજ અને નજીકના બરો માર્કેટમાં આતંક મચાવવામાં આવ્યો હતો. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. આઠ મિનિટના ગાળામાં જ સશસ્ત્ર પોલીસ પહોંચી હતી અને ત્રણેય હુમલાખોરોને ઠાર માર્યા હતા. બ્રિટનમાં હુમલાનો દોર જારી રહ્યા બાદ વિશ્વના દેશોમાં એલર્ટની જાહેરાત યથાવત રાખવામાં આવી છે. નવેસરના હુમલા બાદ અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન સહિતના દેશોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. બીજી બાજુ બ્રિટનમાં ચારેબાજુ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. તમામ શકમંદ લોકોની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર લંડનમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ૨૨મી મે ૨૦૧૭ના દિવસે જ માનચેસ્ટર અરિનામાં જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૨ ઉપર પહોંચી ગઇ હતી. બીજી બાજુ બ્રિટનમાં કરવામાં આવેલા હુમલાને વિશ્વના દેશોએ વખોડી કાઢીને તેની નિંદા કરી છે. સાથે સાથે ત્રાસવાદ સામેની લડાઇમાં સાથે હોવાની વાત પણ કરવામાં આવી છે. આ હુમલા બાદ વિશ્વના દેશ સંગઠિત થાય તેવી શક્યતા પ્રબળ બની છે.