દીપિકા પાદુકોણ અને હૃતિક રોશન સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મ એરફોર્સ ઓફિસરોની આસપાસ ફરે છે. ફિલ્મના એક સીનમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ એરફોર્સનો યુનિફોર્મ પહેરીને એકબીજાને કિસ કરતાં જોવા મળે છે. ત્યારે ઈન્ડિયન એરફોર્સના એક ઓફિસરે આ સીન સામે વાંધો ઉઠાવતાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટરને નોટિસ પાઠવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈન્ડિયન એરફોર્સના અસમમાં ફરજ બજાવી રહેલા વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આ સીન સામે વાંધો ઉઠાવ્યો છે અને નોટિસ મોકલી છે.રિપોર્ટ પ્રમાણે, વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસનું કહેવું છે કે, કિસિંગ સીન વખતે દીપિકા પાદુકોણ અને હૃતિક રોશન એરફોર્સના યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે, જે યુનિફોર્મના અપમાન સમાન છે. એરફોર્સનો યુનિફોર્મ માત્ર કાપડનો ટુકડો નથી પરંતુ આપણા દેશની રક્ષા માટે ત્યાગ, અતૂટ સમર્પણ અને અનુશાસનની નિશાની છે. સીનમાં એક્ટર્સને ઈન્ડિયન એરફોર્સના સભ્યો તરીકે બતાવાયા છે.