અમદાવાદ અને મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેન ક્યારે દોડવાનું શરૂ કરશે તે અંગે ભારતીયોના મનમાં ઘણા સમયથી ઇંતજારી છે પરંતુ હાલમાં તો આ પ્રોજેક્ટને અવરોધ નડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને બીજે ક્યાંય નહીં પણ ગુજરાતમાં અમદાવાદમાં અવરોધ નડી રહ્યો છે. તેના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કામકાજને ભારે અસર થઈ છે. બૂલેટ ટ્રેન માટે અમદાવાદ સેક્શનમાં કામ ચાલુ હતું પરંતુ નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલવે વચ્ચે મતભેદના કારણે કામ અટકી ગયું છે. બૂલેટ ટ્રેન માટે વાયાડક્ટ બનાવવા જરૂરી છે પરંતુ વેસ્ટર્ન રેલવેએ તેની મંજૂરી આપી ન હોવાથી ઓક્ટોબર 2023થી કામ અટકી ગયું છે.
નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પ.ના સૂત્રોએ કહ્યું કે અમદાવાદમાં સાબરમતી સ્ટેશનથી કાલુપુર વચ્ચે બે કિમીના પટ્ટામાં ત્રીજી લાઈનને બ્લોક કરવા માટે વેસ્ટર્ન રેલવેએ મંજૂરી આપવી પડે જે હજુ આપી નથી. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સાથે આ વિશે વાતચીત થઈ છે. આ ત્રીજી લાઈન હાઈ સ્પીડ લાઈનથી બહુ નજીક હોવાના કારણે બ્લોક જરૂરી છે. જોકે, હજુ સુધી જરૂરી મંજૂરી નથી મળી.
નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીએ જણાવ્યું કે અમદાવાદમાં આઠ જગ્યા પર બૂલેટ ટ્રેનનું એલાઈનમેન્ટ બહુ નજીક છે. તેમાં પણ કાલુપુર અને શાહીબાગ કેબિન વચ્ચે બૂલેટ ટ્રેનની લાઈન અને રેલવેની લાઈન બહુ નજીક આવી જાય છે. બૂલેટ ટ્રેનના એલિવેટેડ કોરિડોરની એક તરફ રેલવે લાઈન છે અને બીજી તરફ લોકો રહે છે. આ જગ્યા પર 290 પાઈલ્સ, 58 પાઈલ કેપ્સ, 58 પાયર અને 58 પાયર કેપ બાંધવા માટે 2.2 કિમીના પટ્ટામાં કામ કાજ કરવું પડશે અને તેમાં બે વર્ષનો બ્લોક જરૂરી છે. એટલે કે ત્રીજી લાઈન પરથી કોઈ ટ્રેન વ્યવહાર નહીં થઈ શકે.
નેશનલ હાઈ સ્પીડ રેલવેના પ્રવક્તાએ કહ્યું કે તેમણે રેલવેને પત્ર લખ્યા છે અને આ અંગે ઝડપથી મંજૂરી મળી જશે તેવી આશા છે. આ પ્રોજેક્ટમાં કાલુપુર સ્ટેશન માટે બહુ ઝડપથી મંજૂરી મળી ગઈ હતી. પરંતુ હવે એક બ્લોકની જરૂર છે જેના કારણે તમામ ટ્રેનની મુવમેન્ટને અસર થઈ શકે છે. ઓથોરિટીઝ હવે એવું વિચારે છે કે ઉત્તર ભારતથી આવતી ટ્રેનોને આખા અમદાવાદમાંથી પસાર કરવાના બદલે સાબરમતી સ્ટેશને જ ટર્મિનેટ કરવામાં આવે. તેથી માત્ર મુંબઈ અથવા વડોદરા જતી ટ્રેનોએ જ આ એરિયામાંથી પસાર થવું પડશે.