કેનેડામાં રવિવારે ટોરંટો ખાતે ખાલસા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ખાલિસ્તાન તરફી નારા પોકારવામાં આવ્યા હતા. ખાલિસ્તાનના મુદ્દે તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે વિવાદ થયો છે. ભારતે કેનેડા પર ખાલિસ્તાન તરફી તત્ત્વોને શરણ આપવાનો આરોપ મૂક્યો છે. આ કાર્યક્રમમાં ટ્રુડોએ જાહેરાત કરી કે તેઓ શીખોના હિત અને સ્વતંત્રતાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે તેઓ શીખ સમુદાયના રક્ષણ માટે હંમેશા હાજર રહેશે.
આ પ્રસંગે જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ‘શીખોના જે મૂલ્યો છે તે કેનેડિયન મૂલ્યો છે’ એટલે કે કેનેડા પણ શીખોના મૂલ્યોને માન આપે છે. આ દરમિયાન કેનેડાની સરકાર કોમ્યુનિટી સેન્ટરો અને ગુરુદ્વારા ખાતે વધારે સુરક્ષા બંદોબસ્ત કરી રહી છે. ટ્રુડોએ ખાતરી આપી છે કે શીખ સમુદાયના હિતોનું કોઈ પણ ભોગે રક્ષણ કરવામાં આવશે.
ખાલસા દિવસના કાર્યક્રમમાં કેનેડાના બીજા કેટલાક પક્ષોના નેતાઓ પણ હાજર હતા. ખાલસા દિવસને વૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે જે શીખોનું નવું વર્ષ છે. જસ્ટિન ટ્રુડો લોકોને સંબોધન કરવા માટે મંચ તરફ આગળ વધ્યા કે તરત ખાલિસ્તાન તરફી સૂત્રો પોકારવામાં આવ્યા હતા.
ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સૌથી વધુ શક્તિ તેના વૈવિધ્યમાં છે. આપણે વિવિઘતા હોવા છતાં મજબૂત છીએ. કેનેડામાં દર વર્ષે યોજાતો આ પ્રસંગ બહુ ભવ્ય હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. કેનેડામાં શીખ ધર્મનું પાલન કરતા 8,00,000 લોકો વસે છે. અમે તમારા અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવા હંમેશા હાજર છીએ. અમે તમામ નફરત અને ભેદભાવ સામે તમારું રક્ષણ કરીશું.