અમદાવાદમાં જમીનના ભાવમાં ભારે ઉછાળાના કારણે રિયલ એસ્ટેટ ડેવલપર્સે મકાનના બાંધકામનો ટ્રેન્ડ પણ બદલવો પડ્યો છે. જમીન મોંઘી હોવાથી હવે એક બેડરૂમ હોલ કિચનના 1 BHK મકાનો બનાવવા પોસાય તેમ નથી. તેની સામે 3BHK અને 4BHKના મકાનો મોટી સંખ્યામાં બની રહ્યા છે. તાજેતરના એક અહેવાલ પ્રમાણે શહેરમાં 1BHKના મકાનોનો સપ્લાય 55 ટકા ઘટી ગયો છે જ્યારે 4BHKના મકાનો અગાઉ કરતા 75 ટકા વધ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં હાઉસિંગનું બદલાઈ રહેલું ચિત્ર રજુ થાય છે.
જાન્યુઆરીમાં AMCનો રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરાયો હતો. તે મુજબ 2016-17થી 2020-21 વચ્ચે વન BHKના મકાનોનું નિર્માણ 55 ટકા ઘટી ગયું હતું. જ્યારે ટુ, થ્રી અને ફોર BHKના મકાનોના સપ્લાયમાં વધારો થયો છે. ટુ BHKના મકાનોનો સપ્લાય 75 ટકા, થ્રી BHKનો સપ્લાય 40 ટકા અને 4BHK નો સપ્લાય 75 ટકા વધી ગયો છે.
અમદાવાદના વેસ્ટર્ન એરિયામાં આ ટ્રેન્ડ ખાસ જોવા મળે છે. ખાસ કરીને બોડકદેવ, ગોતા અને થલતેજમાં આ પ્રકારની સ્થિતિ છે. આ વિસ્તારોમાં જમીનના ભાવમાં જંગી વધારો થયો હોવાથી બિલ્ડરો થ્રી અથવા ફોર બીએચકેના મકાનો જ વધારે બનાવે છે. એફોર્ડેબલ સેગમેન્ટમાં પણ વન BHKની જગ્યાએ 2BHKનું વધારે બાંધકામ થાય છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં હજુ પણ 1BHKની વધારે ડિમાન્ડ છે. ખાસ કરીને લાંભા અને વટવા એરિયામાં 1BHKની માંગ વધી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે 2016-17માં 1BHKના 2923 યુનિટન બન્યા હતા જ્યારે ટુ BHKના 4999, 3 BHKના 5306 અને 4 BHKના 1719 યુનિટ બન્યા હતા.
અમદાવાદ શહેરમાં વર્ષ 2019-20માં ડેવલપમેન્ટ પરમિશનમાં મોટો વધારો થયો હતો. આ ગાળામાં વેસ્ટર્ન એરિયામાં ઢગલાબંધ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટનું કામકાજ ચાલુ હોવા છતાં 2290 મંજૂરીઓ આપવામાં આવી હતી. 2020-21માં ડેવલપમેન્ટ પરમિશનની સંખ્યા ઘટી હતી, પરંતુ ત્યાર પછી 2021-22માં ફરીથી પરમિશનમાં વધારો થયો હતો. આ ઉપરાંત રિડેવલપમેન્ટ માટે પણ ડિમાન્ડ વધી હતી. આગામી સમયમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વન બીએચકેના ફ્લેટનું બાંધકામ ઘટશે તેવું માનવામાં આવે છે.