Aapnu Gujarat
ગુજરાત

૧ મેથી જળ અભિયાન ચલાવવાનો કરાયેલ નિર્ણય

આગામી તા.૧લી મેના રોજ ગુજરાત રાજયના સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજય સરકાર દ્વારા આજે પાણી અને પાણી સંબંધિત મહત્વની યોજનાઓ અંગેની બહુ મોટી જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવ દિવસથી શરૂ થઇ રહેલાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ની વિગતો આપતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં તા.૧લીમેથી યોજાઇ રહલા સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાનમાં રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર સહિતના મહાનગરોમાં જળસંગ્રહ શકિતને વધારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ જળસંગ્રહ અભિયાન સમગ્ર રાજ્યની જનશક્તિને જોડીને જળશક્તિ વધારવાનો વિરાટ પુરૂષાર્થ ઉત્સવ બની રહેશે. પાણીદાર ગુજરાતના નિર્માણ માટે જનશક્તિની મદદથી ગુજરાતનું આ ગૌરવપ્રદ અભિયાન સમગ્ર દેશને રાહ ચીંધશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન ૧ મે ૨૦૧૮થી શરૂ કરીને સમગ્ર માસ દરમિયાન સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને આ કાર્યમાં જોડીને જનશક્તિના પ્રચંડ પુરૂષાર્થથી રાજ્યમાં ચોમાસા પહેલાં જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ખારીકટ કેનાલની સફાઇનું મહાઅભિયાન આ મહિનામાં હાથ ધરાશે. જે અંતર્ગત ખારીકટ કેનાલમાં ત્રણ ઝોનમાં ૨૨ કિલોમીટર વિસ્તારમાં સફાઇ કરવામાં આવશે. ઉત્તર ઝોનમાં નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, પૂર્વ ઝોનમાં ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન અને દક્ષિણ ઝોનમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ સફાઇ અભિયાનમાં જોડાશે. સાથે સાથે અમદાવાદ અને તેની આસપાસના ૧૨ તળાવો વધુ ઉંડા કરવામાં આવશે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નદીનું શુધ્ધિકરણ, વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમો પણ યોજાશે. દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી રૂપાણી તા.૧ મેના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તળાવને ઉંડું કરવાની કામગીરી સાથે જળસંચયના આ મહાઅભિયાનનો શુભારંભ કરાવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ મંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો રાજ્યભરમાં જુદા જુદા જિલ્લામાં જળ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાનમાં રાજ્યભરની સેવાભાવી સંસ્થાઓને જોડવામાં આવશે અને જિલ્લા-તાલુકાની જળ સંચય પ્રવૃત્તિ સાથે આ સંસ્થાઓ જોડાશે. આ ઉપરાંત આ જળ અભિયાનમાં ધાર્મિક સંસ્થાનો, લોક પ્રતિનિધિઓ, ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ સહિતની સંસ્થાઓ-અગ્રણીઓને જોડવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, કચ્છ જિલ્લો તેમજ મધ્ય ગુજરાત વિસ્તારના પાણીની અછતવાળા જિલ્લામાં આ કામગીરી હાથ ધરાશે.

Related posts

મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક

editor

शाहीबाग में हिट एंड रन में विद्यार्थी की मौत हुई

aapnugujarat

વઢવાણમાં પોષણ માસ અંતર્ગત રસીકરણ જનજાગૃતિ શિબિર યોજી

editor

Leave a Comment

UA-96247877-1