Aapnu Gujarat
Uncategorized

ઉનાના પીડિત પરિવાર સહિત કેટલાકે સ્વીકારેલો બૌધ્ધ ધર્મ

ઉના કાંડના પીડિત દલિત પરિવારે પોતાના પરિવારના સભ્યોની સાથે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો છે. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. બંધારણમાં આપવામાં આવેલા અધિકાર હેઠળ ધર્મ બદલવાની પરંપરા હાથ ધરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૬માં ચાર દલિત પીડિતોને નિર્દયરીતે માર મારવામાં આવ્યા હતા. ચાર દલિત પીડિતો વસરામ, રમેશ, અશોક અને બેચર નામના યુવકોને અર્ધનગ્ન કરીને તેમને માર મારવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં દલિત આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે દોઢ વર્ષ પહેલા ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારોને ગૌરક્ષકોએ બેરહેમીથી જાહેરમાં ઢોર માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. પરંતુ હવે દોઢ વર્ષ બાદ ફરી ઉનાના સમઢિયાળા ગામ ચર્ચામાં આવ્યું છે. કારણ કે, ઉનાના પીડિત પરિવાર સહિત ૩૦૦ જેટલા લોકોએ વિધિવત્‌ રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો. ઉનાના દલિત પરિવાર સહિતના લોકો દ્વારા બૌધ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવતાં રાજયભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, આ સમગ્ર કાર્યક્રમમાં દલિત યુવા નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગેરહાજરી સૂચક અને ચર્ચાનો વિષય બની રહી હતી. ઉનાકાંડના પીડિત પરિવાર દ્વારા આજે રવિવારે પોતાના વતન સમઢીયાળા ખાતે બૌધ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવમાં જાહેરમાં સત્તાવાર રીતે બૌદ્ધ ધર્મ અપનાવાયો હતો. તેમની સાથે દલિત સમાજના ૩૦૦ જેટલા લોકોએ પણ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સમઢીયાળા ખાતે યોજાયેલા ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં દલિત સમાજની મહિલાઓ, યુવાનો સહિતના લોકો ખૂબ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. બૌધ્ધ ધર્મગુરૂઓએ તેમની બૌધ્ધ ધર્મની પ્રાચીન પરંપરા અને વિધિનુસાર કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને હિન્દુ ધર્મમાંથી બૌધ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. ઉનાનો પીડિત પરિવાર હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા હોવા અંગે જવાબદાર ગુજરાત સરકારને માની રહ્યો છે, કારણ કે, ઉનાકાંડના પીડિતોને આજદિન સુધી રાજય સરકાર તરફથી ન્યાય મળ્યો નથી. ઉલ્ટાનું એ પછી રાજયમાં દિન પ્રતિદિન દલિતો પર અત્યાચાર અને જુલ્મની ઘટનાઓ સતત વધી રહી છે, તેનાથી રાજયભરના દલિતસમાજમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે ઉનાના સમઢીયાળ ગામે એકસાથે ૩૦૦ દલિતો દ્વારા હિન્દુ ધર્મ ત્યાગી બૌધ્ધ ધર્મ અંગીકાર કરવાની ઘટનાને પગલે દલિત સમાજની ગુજરાત સરકાર સામેની સ્પષ્ટ નારાજગી ફરીવાર ઉજાગર થઇ છે.
ઉનાકાંડના પીડિત પરિવારે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી કે, દલિત હિંદુ તરીકે તેમની સાથે થઇ રહેલા સતત અને અસહ્ય અન્યાયથી ત્રસ્ત થઇ છેવટે તેમણે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

Related posts

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં

editor

કોંગ્રેસનું ખારવા સમાજને આશ્વાસન : માછીમારોના પ્રશ્નો તાત્કાલિક હલ કરશે

aapnugujarat

सोमनाथ मंदिर की सुरक्षा मजबूत करने के लिए शेरू नामक श्वान जुड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1