Aapnu Gujarat
રાષ્ટ્રીય

રામદેવના કારનામા સામે સરકારે આંખ મિંચામણા કર્યા, તેથી પતંજલિની હિંમત વધી ગઈ

યોગગુરુ તરીકે ઓળખાતા રામદેવ હવે દેશના મોટા બિઝનેસમેન પણ છે અને રાજકારણીઓ સાથે વર્ષોથી સારો એવો ઘરોબો ધરાવે છે. તાજેતરમાં રામદેવ વિવાદમાં છે કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને વારંવાર ફટકાર પડી રહી છે. સુપ્રીમ કોર્ટ એટલા માટે ગુસ્સે છે કારણ કે રામદેવની કંપની પતંજલિએ બોગસ દવાઓ વિશે ભ્રામક જાહેરખબરો આપી છે અને પછી સુપ્રીમ કોર્ટના હુકમને પણ ગણકારતી નથી. તેના કારણે રામદેવ અને તેમના સાથીદાર બાલક્રિષ્નાએ સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડ્યું છે અને હવે કદાચ કોર્ટની અવમાનના બદલ તેમની સામે એક્શન લેવાશે. રામદેવે પહેલાં તો દવાઓ વિશે ભ્રામક જાહેરખબરો આપી અને પછી સુપ્રીમ કોર્ટને પણ ગાંઠવાની ના પાડી દીધી. રામદેવમાં આટલી હિંમત આવી ક્યાંથી? આ કેસમાં અત્યાર સુધી લડત આપનાર એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ડો. કે. વી. બાબુનું કહેવું છે કે ઉત્તરાખંડ સરકારને રામદેવના ગોટાળાની જાણ હોવા છતાં તેની સામે એક પણ કેસ નથી કર્યો. આ ઉપરાંત સરકારનું આયુષ મંત્રાલય પણ વારંવાર વલણ બદલતું રહ્યું તેના કારણે પતંજલિ જોશમાં આવી ગઈ અને લોકોને ઉલ્લુ બનાવ્યા.

કે. વી. બાબુ એ કેરળ સ્થિત ડોક્ટર છે અને આંખના નિષ્ણાત છે. તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે. છેલ્લા બે વર્ષથી તેઓ રામદેવની ગેરમાર્ગે દોરતી જાહેરખબરોની પાછળ પડી ગયા હતા. અંતે સુપ્રીમ કોર્ટે રામદેવની ઝાટકણી કાઢી છે અને હવે તેમની સામે પગલાં લેવાશે.

રામદેવ સામે આ જંગની શરૂઆત કેવી રીતે થઈ, તે વિશે ડો. કે વી બાબુ કહે છે કે મારા એક મિત્રની વૃદ્ધ માતાને ગ્લુકોમાની બીમારી હતી. તેણે અચાનક કન્સલ્ટેશન માટે આવવાનું બંધ કરી દીધું. દોઢ વર્ષ પછી તે સારવાર માટે આવી ત્યારે લગભગ અંધ થઈ ગઈ હતી. ડોક્ટરે સવાલ કર્યા તો તેણે કહ્યું કે તે એક આયુર્વેદિક દવા લેતી હતી જેના કારણે તેમની હાલત આવી થઈ ગઈ હતી. ત્યારે મને સમજાયું કે દવાઓ વિશે ગેરમાર્ગે દોરતી જાહેરખબરોથી દર્દીઓને કેટલું નુકસાન થાય છે. પતંજલિ આવી જાહેરખબરો આપવામાં અગ્રેસર છે. તેના કારણે ફેબ્રુઆરી 2022માં મેં પહેલી ફરિયાદ દાખલ કરી.

ભારતમાં કાયદા એવા છે કે એલોપેથિક દવાઓની જાહેરખબરો તમને ક્યાંય જોવા નહીં મળે, પરંતુ પતંજલિને કોઈ કાયદાની પરવા નથી. તેથી તેણે તમામ કાયદાનો ભંગ કરીને જાહેરાતો આપી છે. આયુષ મંત્રાલયને ડો. કે વી બાબુ ઉપરાંત બીજા લોકોએ પણ ફરિયાદો કરી હતી. પરંતુ આયુષ મંત્રાલય આ ફરિયાદોને હંમેશા ઉત્તરાખંડ સરકારને ફોરવર્ડ કરી દેતું હતું. થોડા સમય માટે પતંજલિએ જાહેરખબરો બંધ કરી દીધી. પરંતુ પછી તરત પાંચ દવાઓની જાહેરખબર આપી જે ડાયાબિટિસ, ગ્લુકોમા, ગોઈટર, હાઈ-લો બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલનો ઇલાજ કરતી હોવાનો દાવો કરાયો હતો. સરકારી કાયદાની જરાર પરવા કર્યા વગર આ જાહેરખબરો અપાઈ હતી.

ઉત્તરાખંડની લાઈસન્સિંગ ઓથોરિટીએ ખરેખર તો રામદેવની કંપની સામે કેસ કરીને લાઈસન્સ રદ કરી દેવાની જરૂર હતી, પરંતુ તેમણે આમ કર્યું નહીં. આયુષ મંત્રાલયે માર્ચ 2023માં રાજ્ય સભામાં જણાવ્યું કે પતંજલિની જાહેરખબરો સામે 53 ફરિયાદો થયેલી છે. પતંજલિ સામે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને ફરિયાદ કરેલી હતી અને ત્યતાર પછી કંપનીને નોટિસ આપવામાં આવી હતી.

પતંજલિએ નવેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે તે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો નહીં આપે. છતાં તેણે 4 ડિસેમ્બર 2023ના રોજ અને ત્યાર પછી 22 જાન્યુઆરી 2024ના દિવસે એક જાહેરખબર આપી. પતંજલિને એવું હતું કે આયુષ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારની તેણે પરવા નથી કરી તેવી જ રીતે સુપ્રીમ કોર્ટને પણ મૂર્ખ બનાવી શકાશે. પરંતુ આ વખતે તેઓ થાપ ખાઈ ગયા. સુપ્રીમે હવે તેમની માફી ફગાવી દીધી છે અને કોર્ટના તિરસ્કાર બદલ એક્શન પણ લેવાશે. આ કેસ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે ભારતમાં તમામ પ્રકારના મીડિયામાં બોગસ દવાઓ અને સારવાર પદ્ધતિઓ વિશે ભ્રામક જાહેરખબરો આવે છે. છાપા અને ટીવી પણ આવા બોગસ ડોક્ટરોના નુસ્ખાથી ઉભરાય છે, પરંતુ સરકારને તેની સામે પગલાં લેવામાં રસ નથી. કોર્ટ હવે પતંજલિને દાખલારૂપ સજા કરે તો બીજા તત્વો પણ અંકુશમાં આવશે તેવું લાગે છે.

Related posts

બિહારમાં આરજેડી નીતિ બદલશે

aapnugujarat

डेरा प्रमुख को छुड़ाने के लिए पुलिस कमान्डो तैनात रहे थे

aapnugujarat

લોકસભા ચૂંટણી લડવાનો અમરસિંહે ઇનકાર કર્યો

aapnugujarat
UA-96247877-1