Aapnu Gujarat
ગુજરાત

અચ્છે દિનના બદલે હવે ચોકીદાર ચોર છે ના નારા લાગે છે : ધરમપુરમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંક્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું રણશિંગુ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતેથી ફુંકયું હતું. ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતાં વિશાળ જનમેદનીભરી જાહેરસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહના પુત્ર જય શાહ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી તેમને રીતસરના આડા હાથે લીધા હતા.
રાહુલે જણાવ્યું કે, દેશમાં પહેલા અચ્છે દિનના નારા લાગતા હતા પરંતુ હવે ચોકીદાર જ ચોર છે તેવા નારા લાગી રહ્યા છે. ગુજરાત સહિત દેશની જનતા મોદીની ભરમ અને ડરની રાજનીતિને સારી પેઠે જાણી ગઇ છે. મોદીના નોટબંધી અને જીએસટીના તખલઘી નિર્ણયે દેશને બરબાદ કરી નાંખ્યો છે. રાફેલ ડીલમાં મોદીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રૂ.૩૦ હજાર કરોડનો ફાયદો કરાવ્યો છે. એકબાજુ, ખેડૂતો દેવામાફીની રાહ જોઇ રહ્યા અને દેવામાફીની માંગ કરી રહ્યા છે પરંતુ મોદી સરકાર અને ભાજપ ખેડૂતોના દેવામાફીની વિરોધમાં છે. ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનથી રાહુલ ગાંધીએ પાંચ લોકસભા મત વિસ્તારને આવરી લેતી વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને રાફેલ મુદ્દે આડેહાથે લેતા જણાવ્યું કે, ચોકીદારની ચોરી પકડાઈ ગઈ છે. અનિલ અંબાણીને એક ઝાટકે ૩૦ હજાર કરોડ આપી વાયુસેના પાયલોટના ખિસ્સાના રૂપિયા છીનવી લીધા. ફાંસના રાષ્ટ્રપતિને પણ મોદીએ કહ્યુ એચએએલને હટાવાખ, અંબાણીને આપો એટલે હવે ચોકીદાર ચોર છેના નારા દેશ બહાર ફ્રાંસમાં પણ લાગે છે. બધાને ખબર છે પરંતુ આ ચોરી વિષે મોદી એક શબ્દ પણ બોલતા નથી. લોકસભામાં દોઢ કલાક ભાષણ આપ્યું તેમાં રાફેલનો ર પણ બોલ્યા નહીં અને કોઈ સાથે તેઓ નજર પણ મિલાવી શકતા નથી. રાહુલ ગાંધીએ આદિવાસીઓને સંબોધતા કહ્યું કે, અમારી લડાઈ જળ, જમીન અને જંગલના મુદ્દે છે. વિકાસના કામોનો વિરોધ નથી પણ ખેડૂતોની જમીનની ઓછા ભાવ આપીને આ કરવું યોગ્ય નથી. સાગરમાલા, ભારતમાલા, બુલેટટ્રેન, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરના નામે આદિવાસીઓની જમીનના ઓછા પૈસા આપો તે નહીં ચાલે. અમે ભૂમિ અધિગ્રહણ બીલ લાવ્યા હતા, તેમાં મોદીએ ફેરફાર કરીને તેની શક્તિ ઘટાડી નાખી છે. અમે ફરી એ બીલ લાવીશું. છત્તીસગઢમાં ટાટાએ પાંચ વર્ષમાં કામ ન શરૂ કરતાં જમીન ખેડૂતોને પરત કરી. રાહુલ ગાંધીએ દેવા માફીના વચન અંગે ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવતાં જણાવ્યું કે, કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ૧૦ દિવસમાં દેવા માફીની વાત કરી હતી. પરંતુ પાંચ કલાક અને ત્રણ દિવસમાં દેવા માફ કરી બતાવ્યા. ઉદ્યોગપતિઓના દેવા મોદી સરકાર માફ કરે તો, અમે ખેડૂતોના દેવા માફ કરીશું. મોદીએ રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાત કરીને દેશને લાઈનમાં લગાવી દીધો હતો. આ લાઈનમાં કોઈ કરોડપતિ જોવા નહોતો મળ્યો. અનિલ અંબાણી ક્યાંય દેખાય નહોતાં. જય શાહના ૭૦૦ કરોડ વ્હાઇટ થઈ ગયાં અને કરોડપતિઓના રૂપિયા પાછલા દરવાજે બેંકમાં જતાં હતાં. શું મોદી તમામ ગરીબો અને નાના કામદારોને ચોર સમજે છે. કાળું નાણું આવવાનું તો દૂર રહ્યું પરંતુ અર્થતંત્રની કમર નોટબંધીએ તોડી નાંખી. આટલું ઓછું હોય તેમ પડતા પર પાટુ મારવા જેવો ઘાટ કરી મોદીએ નોટબંધીના ઘા બાદ જીએસટીનો બીજો કુઠારાઘાત માર્યો અને નાના દુકાનદારો, નાના ઉદ્યોગો સહિતના વ્યાપારીતંત્રને તોડી નાંખ્યું.
ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફરિયાદ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમે મને ઓછો બોલાવો છો. મને અહીં બહુ ગમે છે અહીંના લોકો અહીંનું જમવાનું બહુ ભાવે છે. મને અહીં ખૂબ પ્રેમ મળ્યો છે મને વધારે બોલાવો અને જ્યારે પણ ગુજરાતીઓને મારી જરૂર હશે અડધી રાત્રે પણ આવવા તૈયાર છું. ગુજરાતે હંમેશા દેશને દિશા બતાવી છે. ફરી દેશને જોડવાનું કામ ગુજરાતમાંથી થાય તેવી આશા રાખતો હોવાનું રાહુલે વધુમાં ઉમેર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં છ હજાર રૂપિયા આપવા પર પાંચ મિનિટ બધાએ તાળીઓ પાડી. પરંતુ આ તાળીઓ નહોતી આ ગરીબ ખેડૂતોનું અપમાન કહેવાય. અમે સાડા ત્રણ કે સતર રૂપિયા નહીં પરંતુ અમે ડાયરેક્ટ ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરાવીશું. અમે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. મનકી બાત કરતા વડાપ્રધાનની જેમ અમે એવી વાતો નહી કરીએ અમે તમારા માટે કામ કરવાના છીએ. અમારા માટે તમે માલિક છો માટે તમારી વાત અમે સાંભળીશું અમે જ્યાં સરકારમાં છીએ ત્યાં લોકોના મનની વાત સાંભળીએ છીએ અમારી વાતો કરતાં નથી. અમારૂં કામ તમારા હુકમને પુરા કરવાનું છે તમને હુકમ આપવાનું કે લાઈનમાં લગાવવાનું નહીં. અમે જનતાનો હુકમ માથે ચઢાવીને કામ કરીશું.

Related posts

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે કોવિડ – ૧૯ એન્ટીજન ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

editor

વડોદરા જિલ્લામાં સાતમા ગુણોત્સવનું સારૂ પરિણામ : એ+ અને એ ગ્રેડની શાળાઓ વધી

aapnugujarat

બિસ્માર રસ્તાઓનું કામકાજ કન્સલ્ટન્ટ્‌સના લીધે અટવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1