Aapnu Gujarat
બ્લોગ

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ રાજકારણ પ્રેરિત ભાષણ કેટલું યોગ્ય…!!?

આપણો વધુ એક સ્વાતંત્ર્ય દિન આવ્યો ને પસાર થઈ ગયો. કોઈ પણ દેશ માટે પોતાનો સ્વાતંત્ર્ય દિન વિશેષ હોય છે ને એ દિવસે દેશના નાગરિકોમાં દેશભક્તિનો જુવાળ આવતો હોય છે, એક ગૌરવની લાગણી પેદા થતી હોય છે. લોકો સ્વયંભૂ જ દેશભક્તિના રંગે રંગાતા હોય છે ને સ્વાતંત્ર્ય દિન ઉજવતા હોય છે. આપણે ત્યાં પણ સામાન્ય લોકો સ્વયંભૂ જ સ્વાતંત્ર્ય દિન ઉજવે છે. લોકો સ્વયંભૂ જ એકબીજાને શુભેચ્છા આપે છે ને તેમાં પણ કોઈ ભેદભાવની વાત નથી હોતી. અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે તેથી સોશિયલ મીડિયા પર લોકો દેશભક્તિનો જુવાળ પેદા કરી દે છે. તેમાં કશું ખોટું નથી કેમ કે જે ટ્રેન્ડ હોય એ પ્રમાણે લોકો વર્તે. જે રીતે પણ ઉજવણી થાય પણ આ ઉજવણી કોઈ વાદ કે વિવાદથી પ્રેરિત નથી હોતી ને લોકો સાચા દિલથી ઉજવણી કરે છે એ મહત્ત્વનું છે.
કમનસીબે આપણા રાજકારણીઓ એટલા ખુલ્લા મનના નથી ને એટલે જ છેલ્લાં કેટલાંક વરસોથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રાજકીય રંગે રંગાતી જાય છે. આપણા રાજકારણીઓ એ દિવસે પણ હલકી રાજકીય વાતોથી ઉપર ઊઠીને એક રાષ્ટ્ર તરીકે વિચારી શકતા નથી. આ વખતે પણ એવું જ થયું ને ભાજપ ને કૉંગ્રેસ એ બંને મુખ્ય પક્ષોએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાજકારણ ઘુસાડી દીધું. સ્વતંત્રતા દિવસે આપણા વડા પ્રધાન લાલ કિલ્લા પરથી લોકોને સંબોધન કરે ને તિરંગો ફરકાવીને રાષ્ટ્રીય સ્તરની ઉજવણી કરાવે એ પરંપરા છે.
આ પરંપરા અનુસાર આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે પણ તિરંગો ફરકાવ્યો ને પછી જે પ્રવચન કર્યું તે રાજકીય વાતોથી પ્રચુર હતું. મોદી પોતાની સરકારે છેલ્લાં ચાર વર્ષમાં શું કર્યું તેની વાત લાલ કિલ્લા પરથી કરે તેમાં કશું ખોટું નથી. આ દેશના વડા પ્રધાન તરીકે તેમની કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવી. આ દેશે કરેલી પ્રગતિની વાત લોકોને કરીને તેમનામાં રાષ્ટ્રાભિમાન પેદા કરવું તે પણ સારું જ છે. મોદીએ એ બધું કર્યું તેમાં કશું ખોટું નથી પણ તેની સાથે સાથે કૉંગ્રેસને ગાળો દેવાનો જે કાર્યક્રમ ચલાવ્યો એ કઠે એવો છે.
કેન્દ્રની અત્યાર લગીની સરકારોએ દેશમાં કશું ના કર્યું તેમાં દેશ સાવ ખાડે ગયેલો ને આપણને કોઈ ગણતરીમાં જ નહોતું લેતું એવી વાતોનો તેમણે મારો ચલાવ્યો. અગાઉની સરકારોએ ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન આપેલું ને સત્તાના દલાલો બધે ચડી બેસેલા ત્યાંથી માંડીને અગાઉની મનમોહનસિંહ સરકાર પાંગળી અને બિનકાર્યક્ષમ હતી ત્યાં સુધીના આક્ષેપો તેમણે કર્યા. આગામી વરસે લોકસભાની ચૂંટણી છે ને એ પહેલાં મોદી માટે લાલ કિલ્લા પરથી ભાષણ દેવાનો આ છેલ્લો અવસર હતો. મોદીએ આ અવસરને ચૂંટણીપ્રચારમાં ફેરવી નાંખ્યો એમ કહીએ તો ચાલે.
કૉંગ્રેસે પણ સામે એ જ કર્યું ને મોદીના ભાષણમાં આ નહોતું ને તે નહોતું એવી વાતો કરીને રાજકારણ ઘુસાડી દીધું. મોદીનું પ્રવચન પત્યું કે તરત જ કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદ કરી નાંખી અને એ મોદીની વાટવા બેસી ગયા. મોદીએ તેમના ભાષણમાં રાફેલ સોદા ને વ્યાપમ જેવાં કૌભાંડોની તો વાત જ ના કરી એમ કહીને તેમણે મોદીના ભાષણને સાવ છીછરું ને દમ વિનાનું ગણાવ્યું. છત્તીસગઢના પીડીએસ કૌભાંડથી માંડીને ડોકલામમાં ચીનની ઘૂસણખોરી લગીના મામલે મોદીએ કશું કહ્યું જ નહીં એવો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. કૉંગ્રેસના કહેવા પ્રમાણે મોદી લોકોના મનની વાત તો નથી કરી શકતા પણ કમ સે કમ દેશના હિતની વાત કરે તો પણ લોકોને સંતોષ થાય એ પણ તેમનાથી ના થયું. સૂરજેવાલાએ બીજું ઘણું કહ્યું ને એ બધાની વાત માંડી શકાય તેમ નથી પણ તેમણે મોદીના શાસનનું ખોદવામાં કોઈ કસર છોડી નહીં. મોદી લાલ કિલ્લા પરના પ્રવચનને રાજકારણથી અલિપ્ત નહીં રાખીને એક વિવેક ચૂક્યા તો સામે કૉંગ્રેસ પણ તેની સામે એ જ પ્રકારનું રિએક્શન આપીને વિવેક ચૂકી. રાજકારણમાં જેવા સાથે તેવા થવામાં કશું ખોટું નથી પણ કમ સે કમ સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય અવસરે તો એ બધું બાજુ પર મૂકવું જોઈએ, કમનસીબે ના મોદી એ કરી શક્યા કે ના કૉંગ્રેસ એ ગૌરવ બતાવી શકી.
મોદીનું પ્રવચન અને કૉંગ્રેસનું રિએક્શન બંને એ વાતનો પુરાવો છે કે આ દેશમાં સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય દિવસો પણ રાજકારણથી દૂષિત થઈ ગયા છે ને આપણે એક રાષ્ટ્ર તરીકે ઊભા રહીએ તેવો માહોલ જ રહ્યો નથી. સ્વાતંત્ર્ય દિન રાજકીય વાતો કરવાનો દિવસ નથી પણ એક રાષ્ટ્ર તરીકે આપણે એક છીએ તેનું પ્રદર્શન કરવાનો દિવસ છે. લોકશાહીમાં અલગ અલગ રાજકીય વિચારધારાઓ રહેવાની જ. રાજકીય મતભેદ પણ રહેવાના ને રાજકીય સંઘર્ષ પણ રહેવાના. લોકો એકબીજા સાથે સહમત ના થાય એ બહુ સ્વાભાવિક છે. રાજકીય પક્ષો પણ એકબીજા સાથે સહમત ન થાય એ તો વધારે સ્વાભાવિક છે. એક જ રાજકીય પક્ષના બે લોકો પણ એકબીજા સાથે સહમત ના હોય ને તેમની વચ્ચે મતભેદ હોય એ પણ સ્વાભાવિક છે. વાસ્તવમાં આ બધું લોકશાહીમાં જ હોય ને એટલે જ એ લોકશાહી છે.
સ્વાતંત્ર્ય દિન જેવા અવસરો પર આ બધું બાજુ પર મૂકવાનું હોય. આ બધા મતભેદો ને અસહમતી છતાં આપણે એક છીએ ને તેને બહુ સહજતાથી સ્વીકારવા જેટલા સભ્ય છીએ એ દુનિયાને બતાવવાનો આ અવસર છે ત્યારે આપણા રાજકારણીઓ એ કરવાના બદલે હલકટાઈ પર ઉતરી આવે છે.
આ દિવસ રાજકીય વાતો કરવાનો નથી પણ એક રાષ્ટ્ર તરીકે આપણે જે કંઈ હાંસલ કર્યું તેનું ગૌરવ લેવાનો છે. રાષ્ટ્રનું નિર્માણ રાતોરાત નથી થતું. એ બહુ લાંબી ને પીડાદાયક પ્રક્રિયા હોય છે. ભારત જેવા વિશાળ રાષ્ટ્રનું નિર્માણ તો વધારે કષ્ટદાયક પ્રક્રિયા હતી. હજારો વર્ષોની વેદનાઓ ને કરોડો લોકોના સંઘર્ષ પછી આ રાષ્ટ્રનું નિર્માણ થયું છે. કરોડો લોકોએ પોતાનો લોહી-પરસેવો વહાવ્યો છે, બલિદાન આપ્યાં છે ત્યારે આ રાષ્ટ્રનું નિર્માણ થયું છે. સેંકડો આક્રમણો અને ગુલામીના દૌર સામે ઝઝૂમીને આપણે આપણું સત્ત્વ જાળવી રાખ્યું તેમાંથી આ રાષ્ટ્ર નિર્માણ પામ્યું છે. સ્વાતંત્ર્ય દિન એ બધું યાદ કરીને ગૌરવ અનુભવવાનો દિવસ છે ત્યારે આપણા રાજકારણીઓ હલકી વાતો કરીને ને એકબીજાને હલકા ચિતરવાની જે કોશિશો કરે છે તે જોઈ ખરેખર આઘાત લાગે છે.
જો કે રાજકારણીઓ આ બધી વાતો નહીં સમજે કેમ કે એ લોકો સ્વાર્થમાં આંધળા છે. તેમના માટે સત્તા સર્વસ્વ છે ને સત્તા માટે એ લોકો ગમે તે હદે જઈ શકે એ જોતાં તેમની આવી વાતોથી નવાઈ નથી લાગતી પણ લોકોએ એક વાત સમજવી જરૂરી છે. રાજકારણીઓ ભલે મેં કર્યું, મેં કર્યું એવા અહમ્માં રાચતા પણ આ દેશે જે કંઈ પ્રગતિ કરી છે એ રાજકારણીઓના કારણે નહીં પણ લોકોના પોતાના પરિશ્રમથી કરી છે. આ દેશમાં અત્યાર લગી આવેલી બધી સરકારોનો રેકોર્ડ જુઓ ને સામે દુનિયાના બીજા મોટા દેશોની સરકારો શું કરે છે તે જોશો તો ખબર પડશે કે આ દેશમાં સત્તામાં આવેલા લોકો દાડા કાઢવા સિવાય કશું કરતા જ નથી. સોશિયલ સિક્યુરિટીથી માંડીને સ્પોટ્‌ર્સ કે સાયન્સ-ટેકનોલોજીના ક્ષેત્રે દુનિયાના બીજા દેશોમાં જે થાય છે તેની સરખામણીમાં આપણે તો સાવ પછાત જ છીએ, ભઈ.
આ વાત અગાઉની કૉંગ્રેસની સરકારોને પણ લાગુ પડે છે ને અત્યારની ભાજપ સરકારને પણ લાગુ પડે છે. ગણાવવા બેસીશું તો પાર જ નહીં આવે પણ તમે એક ક્ષેત્ર તો એવું બતાવો કે જેમાં આ દેશનો ડંકો વાગતો હોય? એ ડંકો ચાર વર્ષ પહેલાં લગી પણ નહોતો વાગતો ને અત્યારે પણ નથી વાગતો. વાતો કરવા માટે ગમે તે કરી શકાય પણ ચાર વર્ષમાં એવું કશું થયું નથી કે આ દેશના નામના દુનિયામાં સિક્કા પડવા માંડ્યા હોય ને આખી દુનિયા આપણી પ્રગતિને મોં વકાસીને જોતી હોય. બીજું બધું તો છોડો પણ આ દેશના સામાન્ય લોકોની તકલીફો હજુ પણ ચાર વર્ષ જેટલી જ છે ને તેમાં કશો ફરક પડ્યો નથી. લાલ કિલ્લા પરથી તમે જોરશોરથી બોલો એટલે કશું બદલાઈ જતું નથી. આ વાસ્તવિકતા છે ને એ વાસ્તવિકતા લોકોએ સ્વીકારવી પડે.(જી.એન.એસ)

Related posts

પર્યાપરણનું સંતુલન જરૂરી બન્યું

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

क्या अमेरिका चीन से युद्ध के लिए भारत को जरीया बनाना चाहता है….?

editor

Leave a Comment

UA-96247877-1