મોટે ભાગે શહેરોની વિશાળ બિલ્ડીંગોના ખૂણે ખાંચરે ધમધમતા ફ્રોડ કોલ સેન્ટર ઝડપાતા હોવાના સમાચારો સામે આવતા હોય છે. ત્યારે માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામેથી બુધવારે ગેરકાયદે ધમધમતું એક કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટરમાં કામ કરતા એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી પાડી તમામનો કોવિડ ૧૯ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે કોરોના રિપોર્ટ આવી ગયા બાદ તમામની વિધિવત ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે એવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.માળીયા મીયાણા પોલીસ મથક પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામ નજીક આવેલા એક પેટ્રોલપંપની બાજુના બિલ્ડીંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમી મળતા માળીયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. આ દરમ્યાન વિકાસ સુરેન્દ્ર ત્યાગી ઉં.વ. ૩૪, મિરેશ જયેશ શાહ ઉં.વ. ૩૬, જીતુ સબાસ્ટીન જ્યોર્જ ઉં.વ. ૩૭, નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ ઉં.વ. ૩૫, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની ઉં.વ. ૩૪, રાજેશ રૂબન ટોપનો ઉં.વ. ૩૩, આકાશ યશવંતકુમાર રાવલ ઉં.વ. ૨૭, કૌશલ કિરીટ પટેલ ઉં.વ. ૩૧ તથા રિમા દિનેશ સોલંકી ઉં.વ. ૨૮ રહે. તમામ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંની અટકાયત કરી તમામનો કોવિડ ૧૯ ટેસ્ટ કરાવવા તજવીજ આદરી છે. તમામ આરોપીઓના રિપોર્ટ આવી ગયા બાદ આરોપીઓની ધરપકડ કરી માળીયા પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા આરોપીઓના રિમાન્ડ મેળવશે.આ કોલ સેન્ટર મૂળ અમદાવાદના રહેવાસી વિકાસ સુરેન્દ્ર ત્યાગીનું હોવાનું ખુલ્યું હતું. ઉપરોક્ત સ્થળે વિવિધ પ્રકારના મોબાઇલ ફોન તેમજ ૯ લેપટોપ, સર્વર સહિતના સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત આશરે રૂપિયા ૧,૭૬,૦૦૦ ગણી મુદ્દામાલ તરીકે ઝપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા લેપટોપમાં જાન્યુઆરી મહિના દરમ્યાન થયેલી લેતીદેતીનો હિસાબ પણ મળ્યો છે.ઝડપાયેલા આરોપીની મોડેસ ઓપરેન્ડી જોતા સ્પષ્ટ થયું હતું કે, બ્રિટનના નાગરિકોને મેસેજ કરી તમારો ટેક્ષ બાકી છે જે ભરી આપશો, નહીં તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી બ્રિટન સ્થિત બેન્કોના અલગ-અલગ એકાઉન્ટ નંબર આપી ટેક્સ પેટે બ્રિટનના ચલણ પાઉન્ડ જે તે એકાઉન્ટમાં જમા કરાવી લેતા હતા. બનાવની તપાસ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એચ. ચુડાસમા ચલાવી રહ્યા છે.
મોરબીમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા યુવતી સહિત ૯ની ધરપકડ
Font Size