Aapnu Gujarat
બ્લોગ

થિયેટરમાં એક ખુરશી ખાલી છોડીને બેઠા હોય અને તો ય વાતો ખૂટતી ના હોય ….! અલ્યા કોઈ પોતાની પત્ની સાથે આટલી બધી વાતો કરે ખરું …?? પારકી સ્ત્રીનો જ એકે એક શબ્દ ગઝલ જેવો લાગે વા’લા….બાકી પત્નીનો તો એકે એક શબ્દ ભાષણ જ લાગે

વળી પાછી નવી ગાઈડ લાઈન જાહેર થઈ.જેમાં પંદરમી ઓક્ટોબરથી સિનેમા હોલ અને બાગ બગીચા ખોલવા માટેના નિયમો જાહેર કરાયા હતાં.
છોકરાઓ આખો દિવસ ઘરમાં રહી રહીને કંટાળ્યા હતાં.બહાર તો ફરવા જવાય એમ નહોતું.ઘરમાં બઘડાટી કરી મૂકી.ચાલો પિક્ચર જોવા….ચાલો પિક્ચર જોવા…શ્રીમતીજીએ અને બકાએ પણ છોકરાઓને સમજાવ્યાં.પિક્ચર જોયે ઘણાં દિવસ થયાં એ વાત સાચી પણ આમ બહાર જવું ટાળીએ તો સારું.બેય છોકરાં મોંઢું ચડાવીને બેસી ગયાં. પંદરમીને હજી તો દસ દિવસની વાર હતી.એ તો માની જશે એમ વિચારીને બકો નોર્મલ રૂટીનમાં ગૂંથાઈ ગયો.
આ બાજુ ચીકુ અને એની ભાઈબંધ ટોળકી નવું પિક્ચર જોવાના મૂડમાં હતી.પંદરમીએ એક બાજુ વાલીની પરવાનગી હોય તો નવ થી બાર ધોરણના વિધાર્થીઓ માટે શાળા પણ ખુલી રહી હતી.એમાં એક પણ તોફાની બારક્સને જરાય રસ નહોતો.પણ…..છતાંય બધાએ પોતપોતાના મા-બાપ પાસેથી સ્કૂલે જવાની લેખિત સંમતિ લઈ લીધી.
પંદરમીએ સ્કૂલે જવાનું બહાનું કાઢી પહોચ્યા સીધા થિયેટર ઉપર. ચીકુની ટોળકીમાં પંદરેક જણા હતા.ટિકિટ આપનાર પણ ઘડીક હરખાઈ ગયો.સવાર સવારમાં બોણી સારી થઈ.શો શરુ થવાને હજી વાર હતી.ટોળકી નાસ્તો કરવા રેસ્ટોરન્ટમાં ગઈ.પીઝા,કચોરી,બર્ગરનો ઓર્ડર અપાયો.એવામાં એક ન્યુઝ ચેનલવાળા થિયેટર ખુલ્યા અંગેનો લોક્પ્રતિસાદ જોવા ત્યાં પધાર્યા.કેમેરો જોઈને આખી ગેંગ આઘીપાછી થઈ ગઈ.પણ માણસો જ ઓછા હોય ત્યાં છુપાવું કેવી રીતે ?
મંછા મહારાજ ગાંઠિયા વાળાની દુકાનમાં ઘરાકીની લાંબી લાઈનની સાથે સાથે ટીવી પણ ચાલુ રહેતું.મીઠડી એન્કરનો અવાજ સાંભળતા સાંભળતા કામ કરવાની ટેવ. એની તરફ જોવાની લાલચમાં સ્ક્રીન સામે જોયું….ને એજ વખતે આખી ગેંગ ટીવીના પડદે…ભલેને માસ્ક પહેરેલો હોય,પણ સૌથી પહેલા ઊભો થઈને ભાગ્યો એ પોતાનો છોકરો જ છે એમ મંછા મહારાજ બરાબર ઓળખી ગયાં.એમના પેટમાં જમાલગોટા લીધા હોયને થાય એવી ભયંકર ગરબડ થઈ ગઈ.એમણે બકાને ફોન જોડ્યો.
“ બકા…આ જો આજકાલના છોકરાઓ …..મારા બેટા કહ્યું માનતા નથી.ના પાડ્યા ઉપર થિયેટરમાં પિક્ચર જોવા ગયા છે…”
“અરે એવું કશું ના હોય….તમને આવું કોણે કહ્યું ?”
“કોણે શું….મેં સગ્ગી આંખે આ ટીવીના ન્યુઝમાં જોયું.પેલી માંજરી આંખોવાળી રૂપાળી એન્કર થિયેટરમાં જ હતી.એની પાછળ જ સ્કૂલના છોકરાઓનું ટોળું બેઠેલું હતું….અને સૌથી પહેલો મારો છોકરો જ ઊભો થઈને ભાગ્યો ….કપડા તો ઓળખી જઈએ કે નહી ?”
“ ઓહ…તો તો મારેય ઘેર તપાસ કરવી પડશે….પિક્ચર જોવાની ડિમાન્ડ તો અમારેય હતી.”
બકાએ ઘરે ફોન કર્યો.આજે બેય છોકરાઓ સ્કૂલે તો ગયા હતાં.પણ પછી ગટુને ઘરે ઉતારીને ચીકુ એકલો ખાસ કામ છે હમણાં આવું છું એમ કહીને ગયો છે.એમ જાણવા મળ્યું. બકાએ શ્રીમતીજીને ન્યુઝ ચેનલ વાળી વાત કહી.
“હાય…હાય…..આ કોરોનાના કેસ કેટલા વધતા જાય છે….ને ચીકુ ભાઈબંધો સાથે પિક્ચર જોવા ગયો છે…..આવવા દો ઘેર….આજે તો એના ટાંટીયા ભાંગી નાંખું….ના ના ….સમજે છે શું…?આપણે કઈ એના દુશ્મન છીએ ?”
“ છોકરાં છે…..શાંતિ રાખ….જરાક તપાસ કર.કોણ કોણ બીજું જોડે ગયું છે ?”
એ કામ તો ગટુએ જ કરી આપ્યું.સ્કૂલની બહાર ટોળામાં ઊભા રહી એની સાથે વાત કરનાર બધાના નામ એણે આપ્યા.એમાંથી એકેય પોતાના ઘરે નહોતા.મતલબ કે બધા સ્કૂલેથી સીધા થિયેટરમાં …!
બકો, જગો અને ચંપકને લઈને મંછા મહારાજ થિયેટર ઉપર પહોચ્યા.અંદરથી દોડમદોડ બહાર આવી રહેલો એક માણસ રીતસર ભટકાઈ ગયો. એની સાથે વાત કરવા જાય …એ પહેલાં એ બહાર દોડી ગયો.એ કોઈને ફોનમાં કહી રહ્યો હતો કે બસ ભાવનગરમાં છું.થોડું કામ પતાવીને અમદાવાદ આવવા નીકળીશ. સાંભળીને ચારેય મૂછમાં હસ્યાં…બિચારો માંડ ઘરમાંથી છૂટ્યો લાગે છે.પેલાએ પણ બિચારાએ પાછા આવીને સોરી કીધું.હવે પાક્કી ખાતરી થઈ ગઈ કે એની બાયડીનો જ ફોન હશે.
અંદર જવું કેવી રીતે ? ઓળખીતા પોલીસવાળાની મદદ લીધી. થિયેટરના મેનેજરને સમજાવ્યું કે બકાનો દીકરો સવારનો રિસાઈને ઘરમાંથી જતો રહયો છે. બાતમી મળી છે કે અહી છે , તો પ્લીઝ કઈંક મદદ કરો.
થિયેટરમાં કેમેરા તો હોય જ. એ પાછા નાઈટ વિઝન કેમેરા હોય.પબ્લિકની એકે એક હરકત એમાં કેદ થઈ જતી હોય.મેનેજરે કેમેરાનું લાઈવ શુટિંગ બતાવ્યું.આખા થિયેટરમાં કુલ સીટની માંડ પચીસ ટકા પબ્લિક હતી.બધા છૂટાછવાયા અને માસ્કમાં જ બેઠેલા હતાં.
ચીકુના મિત્રો દેખાયાં. એક બાજુ બોયઝ અને એક બાજુ ગર્લ્સ અલગ અલગ બેઠા હતાં.કેમેરામાં તો બીજું પણ ઘણું ઘણું દેખાતું હતું.
ત્રીજી રોની કોર્નર સીટમાં એક લેડીઝ બેઠી હતી.એનાથી એક ખુરશી છોડીને બેઠેલો માણસ થિયેટરની સ્ક્રીન સામે જોવાના બદલે પેલી લેડીઝની સામે સતત જોઈ રહ્યો હતો.બેય જણાની આછી ગુસપુસ પણ ચાલી રહી હતી.પાછળની રોમાં વચ્ચે બેઠેલું કપલ પિક્ચર જોવાના બદલે આટલા અંધારામાં ય સેલ્ફી લઈ રહ્યું હતું.રાઈટ સાઈડની સાતમી રોમાં બેઠેલા કાકા વારે ઘડીએ માસ્ક ઉતારીને એમનાથી દૂર બેઠેલી પત્નીની સામું જોવે.વરદ મુદ્રામાં હાથ ઊંચો કરીને ઈશારામાં પૂછે…બરાબર છે ને ?હવે જો પેલા કાકીનું ધ્યાન ન હોય તો સિસકારા બોલાવીને ય પૂછી લે…..! એમાં આજુબાજુવાળા ડીસ્ટર્બ થઈ જાય…એનો એમને વાંધો નહોતો.
એવામાં એક કપલ ઊઠીને નાસ્તાના કાઉન્ટર ઉપર ગયું. ઠંડાની એક બોટલ અને પોપકોર્ન લઈ પાછા આવ્યાં.સીડીમાં વચ્ચો વચ બેસીને એક જ બોટલમાંથી ઠંડુ પીવાના બહાને નજીક નજીક બેઠાં.મેનેજરની સુચના થવાથી ગેટકીપર ટોર્ચ લઈને ત્યાં પહોચ્યો અને રંગમાં ભંગ પાડીને બેયને સીટ ઉપર અથવા બહાર જવા કહ્યું.ડીસ્ટન્સ તો જાળવવું જ પડશે સાંભળીને બિચારા સીટ ભેગા થઈ ગયાં.
ડાબી સાઈડમાં સેકન્ડ લાસ્ટ રોમાં એકબીજાથી દૂર બેઠેલું કપલ એકબીજાને ઈશારા કરતું હતું. એકાદ રોમેન્ટિક સીન આવતાં પેલા ભાઈએ પેલીને ઈશારો કર્યો…જો…જો… જવાબમાં પેલીએ ચૂપ…શાંતિથી જોવા દે એમ ઈશારો કર્યો…આવું તો ઈશારા ઇશારામાં ક્યાંય સુધી ચાલ્યું.આ લોકોને હસવાની મઝા પડી ગઈ.
પિક્ચર શરુ થયે ખાસી વાર થઈ હશે.એક હેન્ડસમ માણસ એક લેડીઝ સાથે આવી સીટ ઉપર ગોઠવાયો.એ કપલ જોકે ડીસ્ટન્સ જાળવીને બેઠું હતું,પણ જે રીતે એ લોકો સતત વાતો કરી રહ્યા હતાં એ ઉપરથી જ ખબર પડી જતી હતી કે આ પતિ-પત્ની તો નથી જ.
“આ પતિ-પત્ની હોય એવું લાગતું નથી….શું કહેવું ?” ચંપકથી ના રહેવાયું.
“અમારે એ ક્યાં ચેક કરવાનું હોય છે ?”મેનેજરે મૂછમાં હસતાં કહ્યું.
“ ચંપક ….પોતાની પત્ની સાથે કોઈ આટલી બધી વાતો કરે ??? સીધી વાત છે યાર….” બકો બોલ્યો.
“પારકી સ્ત્રીનો જ એકે એક શબ્દ ગઝલ જેવો લાગે વા’લા….બાકી પત્નીનો તો એકે એક શબ્દ ભાષણ જ લાગે.” જગાએ નિઃસાસો નાખીએ કહ્યું.
“હવે આ છોકરાઓને કેવી રીતે બહાર લાવવા ?” મંછા મહારાજે અકળામણ ઠાલવી.ા્‌“તમારા બાબો -બેબી જ છે ,એ તમે કન્ફોર્મ કરી લીધું હોય તો ચિંતા ન કરતાં.અત્યારે સિનેમા હોલમાં જઈ બધા પ્રેક્ષકોને ડીસ્ટર્બ નથી કરવા.હજી આજે જ અમારા ધંધાના શ્રી ગણેશ થયા છે.” થિયેટરના સ્ટાફે વિનતી કરી.એમની વાત સાચી હતી.અહીંથી ક્યાં જવાના હતા ?હવે શો પતે ત્યાં સુધી રાહ જોવાની હતી.
રીસેસ પડી.નાસ્તાના કાઉન્ટર પરથી નાસ્તો લઈ ખાવા માટે માસ્ક તો હટાવવો જ પડે …! અને જે લોકો ઓળખાયા,એમને જોઈને બકો,ચંપક ,જગો અને મંછા મહારાજ બબૂચક જેવા થઈ ગયાં. છોકરાઓ એમની નિર્દોષ મસ્તીમાં હતાં.
બકાએ મેનેજરને એક સૂચન કર્યું.એક ફોર્મ તૈયાર કરો. પબ્લિકનો ઓપીનીયન લઈ એના નામ સાથે સોશિયલ મીડિયા ઉપર મૂકો.એ વાંચીને બીજા જે લોકો થિયેટરમાં આવતા અચકાતા હશે એનો ડર દૂર થશે.અને તમારો બિઝનેસ વધશે.મેનેજરને પણ આ વાત ગમી.
પિક્ચર છૂટવાના સમયે મેનેજર સાથે સંતલસ કરીને ખાસ વ્યૂહ ગોઠવ્યો.સિનેમા હોલમાંથી બહાર નીકળતી પબ્લિક એક સાથે નહી પણ બે-બે કરીને નીકળે.દરેકને પેલું ફોર્મ ભરીને આપવાનું હતું.બધાએ હોંશે હોંશે ફોર્મ ભરીને આપ્યું.જેમાં દરેકે નામ,ઉંમર,કામ-ધંધો,પરિણીત કે અપરિણીત ,તારીખ,વાર સિનેમા સ્ટાફ અને વ્યવસ્થા માટેનો અભિપ્રાય પોતાના સ્વ હસ્તાક્ષરે લખ્યું હતું.
બહાર નીકળવાના સ્થાને બકા એન્ડ પાર્ટી પોલીસની સાથે એવી રીતે ઊભી હતી કે દરેકની નજર એમની ઉપર અચૂક પડે. બકાએ મેનેજરને એમના બાળકોના અભિપ્રાયના ફોર્મની ઝેરોક્ષ આપવાની રીક્વેસ્ટ કરી.
છોકરાઓ તો શરમના માર્યા કશું બોલી જ ના શક્યાં.એમને ઘરે રવાના કર્યા.અસાધારણ ઝડપથી પાર્કિંગ તરફ જઈ રહેલા પેલા હેન્ડસમ પુરુષને પાછળથી બકાએ સંબોધ્યો.
“ કેમ છો ભાઈ ? વટ છે તમારો તો ફર્સ્ટ ડે….ફર્સ્ટ શો…..”
ગૂંચવાઈ ગયેલા પેલા માણસ માટે જવાબ આપવાનું સરળ નહોતું.એ શું બોલવું એ અવઢવમાં હતો.
“ પછી મળીએ….ભાભીજી તમારી રાહ જોવે છે…” કહી બકાએ માસ્કમાં પણ જેની સુંદરતા છતી થઈ જતી હતી એવી પેલી સ્લીવલેસ ટોપ અને જીન્સવાળી સ્ત્રી તરફ ઈશારો કર્યો.જગાએ તરત જ ઇશારાથી પૂછ્યું કોણ છે ?બકાએ ટાઢા કોઠે જવાબ આપ્યો મારા સાઢુ ભાઈ…
ચારે જણાએ બહાર નીકળીને મંછા મહારાજની દુકાને નાસ્તો કર્યો.ચા આવે ત્યાં સુધી વાતે વળગ્યાં.
“તમારામાંથી કોઈને ઇલેક્ટ્રોનીક્સ વસ્તુ ખરીદવાની હોય તો કહેજો.સસ્તા ભાવે મળશે.”
“મારે જ નવી દુકાન માટે મોટું ટીવી, ફ્રિજ,બે એ.સી.અને મ્યુઝિક સિસ્ટમ જોઈએ છે.બજાર કરતા ભાવ ઓછો હોવો જોઈએ …”
“ કોઈ સવાલ જ નથી બજાર કરતા ભાવ ઓછો જ હોય….તમારે જોઈ લેવાનું…”
“તો તારે માટે મારી દુકાને ગમે ત્યારે નાસ્તો ફ્રી.”
ખરેખર મંછા મહારાજને ટીવી, ફ્રિજ,બે એ.સી.અને મ્યુઝિક સિસ્ટમ સાવ સસ્તામાં પડ્યાં.હજી મંછા મહારાજને આ ચમત્કાર સમજાતો નથી.બહુ પૂછી પૂછીને જીવ ખાઈ ગયાં ત્યારે બકાએ એટલું જ કહ્યું કે પહેલો આભાર સરકારનો માનો.થિયેટર ખોલવાની છૂટ આપી.બીજો આભાર તમારી પેલી માંજરી આંખોવાળી રૂપાળી એન્કરનો માનો.એમના લીધે આપણે થિયેટરમાં ગયાં.ત્રીજો અને ખાસ આભાર થિયેટરનાં મેનેજરનો કે એમણે અભિપ્રાયના ફોર્મ ઝેરોક્ષ કરવા મને જ આપ્યાં.
બાકી ચારેયને એક વાતની ખબર પડી.પિક્ચર જોવા જાવ તો સખણા બેસવાનું.નહિતર તમારું જ પિક્ચર બની જાય તો કહેવાય નહી હોં…!

Related posts

MORNING TWEET

aapnugujarat

ટ્રીપલ તલાક બિલ : ભાજપની લાંબાગાળાની વ્યુહરચના

aapnugujarat

અનિલ માધવ દવે : મંત્રી જેઓ પર્યાવરણને સમજતા હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1