Aapnu Gujarat
બ્લોગ

અનિલ માધવ દવે : મંત્રી જેઓ પર્યાવરણને સમજતા હતા

પર્યાવરણવાદી, ખાસ કરીને નદી સંરક્ષણ કાર્યકર્તા, લેખક, તાલીમબદ્ધ પાયલોટ અને સાંસદ. અનિલ માધવ દવે જુલાઈ, ૨૦૧૬માં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન માટે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી બન્યા એ અગાઉ ઘણા ક્ષેત્રોમાં પોતાનો પ્રકાશ ફેલાવ્યો હતો.૬૧ વર્ષીય દવેનું ૧૮ મે, ૨૦૧૭ને ગુરુવારે નવી દિલ્હીમાં હૃદયરોગનાં હુમલામાં અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને દવેના મૃત્યુ પર આઘાતની લાગણી વ્યક્ત કરી હતી અને “અંગત નુકસાન” ગણાવ્યું હતું.હજુ એક વર્ષ અગાઉ મધ્યપ્રદેશ સરકારે સિંહસ્થ કુંભમેળા ૨૦૧૬ સાથે ‘આંતરરાષ્ટ્રીય વિચાર મહાકુંભ’નું આયોજન કર્યું હતું. ‘જીવનની સાચી શૈલી’ થીમ પર આયોજિત વિચાર મહાકુંભમાં ધાર્મિક સંતો, લગભગ તમામ રાજકીય પક્ષોના રાજકારણીઓ, વિચારકો તથા ભારત અને વિદેશ એમ બંનેમાંથી વિચારકો અને કાર્યકર્તાઓ હાજર હતા તથા તેમાં દરેક કુંભમેળાની પૌરાણિક ગાથા પર બૌદ્ધિક વિચાર કરવા સહભાગી થયા હતા, જેના પરિપાકરૂપે પછીથી ૫૧ મુદ્દાનું ‘સિંહસ્થનું સાર્વત્રિક જાહેરનામું’ જાહેર થયું હતું.મે, ૨૦૧૬માં વિચાર મહાકુંભ સમાજ માટે પ્રસ્તુત અને પડકારજનક મુદ્દા પર વિચાર કરવાની સદીઓ જૂની પરંપરાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ હતો, જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાપન સમારંભ દરમિયાન કર્યો હતો. આ સફળ મેળાના આયોજનનો શ્રેય મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બંનેએ અનિલ દવેને આપ્યો હતો, જેઓ એ સમયે મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા.આ મેળાના મુખ્ય આયોજક દવેએ આ વિશાળ કાર્યક્રમના આયોજન સાથે સંબંધિત દરેક પાસાનું ધ્યાન રાખ્યું હતું. વિવિધ વાનગી ખાવાના શોખીન દવેએ તમામ માટે ફળફળાદી, મીઠાઈ અને આઇસક્રીમ/કુલ્ફીની સાથે વિવિધ પ્રકારની વાનગીઓના સ્ટોલની ગોઠવણી કરી હતી. પોતાની ટેવ અનુસાર દવેએ મેળામાં સહભાગી થયેલા દરેકને “૨૦૦ કિલોગ્રામ ભોજનનો બગાડ” કરવા બદલ ઠપકો આપ્યો હતો અને હાથ જોડીને દરેકને “જરૂર પૂરતું જ ભોજન” પ્લેટમાં લેવા વિનંતી કરી હતી. તમામ માટે પુષ્કળ ભોજન હતું, પણ બગાડ માટે નહોતું. તેમણે અનાજ કે ભોજનના બગાડથી પર્યાવરણને નુકસાન થાય છે એ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું.આ દવે હતા, જેમણે કાર્યક્રમના શ્રેષ્ઠ આયોજન માટે જ ચીવટ રાખવાની સાથે ભોજનનો બગાડ ન થવો જોઈએ એનું પણ ધ્યાન રાખ્યું હતું. જ્યારે સાર્વત્રિક જાહેરનામું જાહેર થયું હતું ત્યારે પણ તેમણે આ જ વાત કરી હતીઃ “આ સાર્વત્રિક જાહેરનામું કાગળ પર ન રહેવું જોઈએ, પણ તેનો ખરા અર્થમાં અમલ થવો જોઈએ. અન્ય રાજ્યોમાં જ નહીં, પણ આ સંદેશ સંયુક્ત રાષ્ટ્રમાં પણ પહોંચશે.”તેના બે મહિના પછી તેઓ કેન્દ્રમાં પર્યાવરણ મંત્રી બન્યા હતા. તેમણે નવેમ્બર, ૨૦૧૬માં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્ત પરની વાટાઘાટમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે ભારતીય વિચારધારાને પ્રસ્તુત કરી હતી.
સંઘના પ્રચારકથી ભાજપના રાજકારણી અને મંત્રી સુધીની સફર
જાહેર જીવનમાં તેમની સફર આરએસએસના પ્રચારક તરીકે થઈ હતી અને ભોપાલમાં તેમને મૂકવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૦૩માં ઉમા ભારતી મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી બન્યાં હતાં, ત્યારે દવેએ એક વ્યૂહરચનાકાર તરીકે ચૂંટણીના અભિયાનનું આયોજન કર્યું હતું, જેના પગલે કોંગ્રેસના દિગ્વિજય સિંહના ૧૦ વર્ષના શાસનનો અંત આવ્યો હતો.પછી દવે ભારતીના સલાહકાર બન્યા હતા અને ઉમા ભારતીએ રાજીનામું આપ્યું પછી રાજકીય ક્ષેત્રે પ્રમાણમાં નિષ્ક્રિય થઈ ગયા હતા. તેમને વર્ષ ૨૦૦૯માં મધ્યપ્રદેશમાં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા એ અગાઉ તેમણે અનેક હોદ્દા સંભાળ્યા હતા. જોકે તેમણે આ ટર્મ પૂર્ણ કરી હતી. પછી વર્ષ ૨૦૧૦માં છ વર્ષ રાજ્યસભાની ટર્મ પૂર્ણ કરી હતી. સાંસદ બન્યા પછી જુલાઈ, ૨૦૧૬માં તેઓ રાજ્ય કક્ષાના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા અને એ અગાઉ તેઓ વિવિધ સંસદીય સમિતિનો ભાગ રહ્યા હતા.જ્યારે જુલાઈ, ૨૦૧૬માં દવેની નિમણૂક પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના મંત્રી તરીકે થઈ હતી, ત્યારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ તેમની વિવિધ ભૂમિકા વિશે માહિતી આપતી પ્રોફાઇલ બહાર પાડી હતી.મંત્રી દવેને અનેક જટિલ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેમાં જળવાયુ પરિવર્તન સામે વૈશ્વિક વાટાઘાટ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ભારતનું વલણ, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ માટે ઝડપી મંજૂરી અને વધતા મૃત્યુ માટે હવાના પ્રદૂષણને જવાબદાર ઠેરવતા વિદેશી મેડિકલ અભ્યાસોથી લઈને તાજેતરમાં દેશમાં જીએમ મસ્ટાર્ડને આપવામાં આવેલી મંજૂરી વગેરે સામેલ છે. નદીના સંરક્ષણ વિશે તેમનો અંગત વિચાર કેન્દ્રીય મંત્રી તરીકેની ભૂમિકા સાથે ટકરાતો હતો (ડેમ કે મોટા ડેમ નહીં અને નદીને જોડતો પ્રોજેક્ટ).પણ આ તમામ સ્થિતિમાં તેમણે નદી સંરક્ષણ કાર્યકર્તાઓ, અન્ય વિચારધારા ધરાવતા પર્યાવરણવાદીઓ સાથે વાટાઘાટ જાળવી રાખી હતી. આવો જ એક કિસ્સો ગાંધીવાદી વિચારધારાને વરેલા પર્યાવરણવાદી અનુપમ મિશ્રાએ નોંધ્યો છે, જેમનું નવેમ્બર, ૨૦૧૬માં લાંબી બિમારી પછી મૃત્યુ થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પોતાના જોડાણને લઈને સ્પષ્ટ દવેએ મિશ્રાને મળવાની અને તેમની પાસેથી કશુંક શીખવાની તક ક્યારેય ગુમાવી નહોતી. મિશ્રાના મૃત્યુના થોડા અઠવાડિયા અગાઉ કેબિનેટ મંત્રી હોવા છતા દવેએ એક કલાકથી વધારે સમય તેમની સાથે હોસ્પિટલમાં પસાર કર્યો હતો.
દવે સમગ્ર મધ્યપ્રદેશમાં તેમના નદી સંરક્ષણ કાર્ય માટે જાણીતા હતા, જે તેમણે તેમની બિનસરકારી સંસ્થા ‘નર્મદા સમગ્ર’ના નેજા હેઠળ કર્યું હતું. તેઓ દર બે વર્ષે નર્મદા નદીના કિનારાઓ પર ‘આંતરરાષ્ટ્રીય નદી મહોત્સવ’નું આયોજન કરતા હતા તથા ભારત અને અન્ય થોડા દેશોમાંથી સામાજિક કાર્યકર્તાઓને બોલાવતા હતા.નર્મદાના કિનારાઓને સમાંતર વાંસનું વાવેતર કરવાથી લઈને ખેડૂતોને સજીવ ખેતી માટે પ્રોત્સાહન આપવું, સરદાર સરોવર જળાશયના અંતરિયાળ વિસ્તારોમાં રિવર એમ્બ્યુલન્સ દોડાવવાથી લઈને નર્મદાના ઘાટો પર સ્વચ્છતા જાળવવા સક્રિય કાર્ય કરવું – આ તમામ દવેનો નર્મદા મૈયા પ્રત્યેનો પ્રેમ હતો. અગાઉ તેમણે સેસના ૧૭૩ ફ્લાઇટમાં નર્મદાનું સર્ક્યુમ્બ્યુલેશન કર્યું હતું અને પછી ભારતીય નદીના ૧,૩૧૨ કિમીના મધ્ય દ્વીપકલ્પને સમાંતર રાફ્ટમાં સફર કરી હતી. તેમણે કોફી ટેબલ બુક પણ બહાર પાડી હતી, જેમાં નર્મદા અને તેના કિનારે વસતા લોકોના જીવન સાથે સંબંધિત સુંદર ફોટોગ્રાફ હતા.તેમણે ‘વસિયત’માં ઉલ્લેખ કર્યો હતો કે, તેમના નામે કોઈ સ્મારક કે એવોર્ડ ન હોવો જોઈએ અને જો કોઈને તેમની યાદમાં કશું કરવું હોય, તો તેમણે વધારે વૃક્ષોનું વાવેતર કરવું, જળાશયો બચાવવા અને નદીનું સંરક્ષણ કરવું. તેઓ નર્મદા સમગ્રમાં તેમના સાથીદારોને હંમેશા કહેતા કે તેમના અગ્નિસંસ્કાર નર્મદાને કિનારે કરવા.

Related posts

વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતું દારૂનું પ્રમાણ

aapnugujarat

अब कश्मीर में बंदूक नहीं, बात चले

editor

‘આપણે અત્યારે ‘મેઘાલય યુગ’માં જીવી રહ્યા છીએ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1