Aapnu Gujarat
બ્લોગ

બકાના ગતકડાં

પહેલો મુદ્દો એ છે કે સરકારે ચાઈનાનો બહિષ્કાર કરવા કહ્યું છે તેથી ચાઇનીઝ ભાષા વિષે વિચારવું એ રાજકીય અપરાધ છે….બીજો મુદ્દો એ છે કે મને ચાઇનીઝ ક્યાં આવડે છે …..?!”
“ જબ સે તેરે નૈના ….મેરે નૈનો સે લાગે રે……
તબ સે દીવાના હુઆ…. સબ સે બેગાના હુઆ રબ ભી દીવાના લાગે રે …”
એફ એમ રેડોયો ઉપર સવાર સવારમાં રોમેન્ટિક ગીત ગુંજી રહ્યું હતું.સાંભળતા સાંભળતા બાથરૂમના અરીસામાં જોઈને બકો શેવિંગ કરવાની સાથે સાથે ગણગણવાની મઝા લઈ રહ્યો હતો.આમ તો ઘણીવાર સારો મૂડ હોય તો ઘરમાં ગીત વગાડતો. આજે શી ખબર જેમ જેમ ગીત આગળ વધ્યું , એમ શ્રીમતીજી અકળાવા માંડ્યા.
“ જબ સે મિલા હૈ તેરા ઈશારા….તબ સે જગી હૈ બેચૈનિયાં….” રેડિયોએ ગાયું.
“ કહું છું શું છે આ બધું …? ઘરમાં છોકરા જુવાન થવા આવ્યાં…ને તમને આવા પ્રેમલા પ્રેમલીના ગીતો સુઝે છે ? કૈક તો શરમ કરો…!” કહી શ્રીમતીજીએ રેડિયોની ચેનલ બદલી.
“ અપની બીવી ચાંદી , ઔરો કી બીવી સોના…
અપની ખાંસી ખાંસી ઔરો કી ખાંસી કોરોના…..!” રેડિયોએ ખતરનાક નવી કહેવત પ્રસારિત કરી,જે સાંભળીને શ્રીમતીજીનું નાકનું ટીચકું ચડી ગયું. છેવટે રહેવાયું નહી એટલે જે પૂછું પૂછું થતું હતું એ પૂછી જ લીધું.
“આ સીબીઆઇ વાળા સુશાંતસિંહ મર્ડર કેસમાં કઈ એપથી વર્ષો પહેલાંની વોટ્‌સપ ચેટ ડીલીટ કરી હોય તો પણ જોઈ લે છે ?” સાંભળીને બકાનું હ્રદય ઘડીક તો ધડકવાનું ય ભૂલી ગયું.
“કોક દા’ડો રોમેન્ટિક મૂડ પણ હોવો જોઈએ કે નહી ?ગીત ગણગણે એટલે કઈ મારે કોઈની સાથે અફેર છે એવો બ્લેમ કેમ કરી શકે તું ?” બકાએ થોથવાતા પૂછ્યું.
“ એવો કોઈ બ્લેમ મેં કર્યો નથી…સમજ્યા ?! આ તો કોઈની વોટ્‌સપ ચેટ જાણવી હોય તો …..એટલે કે જનરલ નોલેજ માટે ….” શ્રીમતીજીએ ખુલાસો કર્યો.
“એક કામ કર….હું પોલીસ ખાતામાં બદલી કરાવી લઉં…પછી તારા માટે આ ટેકનીક જાણી લઉં….પછી મને પૂછજે…..શું છે કે આ સીબીઆઇ વાળા તો એમની સિક્રેટ કહે એવું લાગતું નથી…”
“ઉંહ …..ના ખબર હોય તો ના પાડી દો ને…સીધેસીધા… ચાલો ઝટપટ જમી લો.પાછા મોડું થયું એમ બૂમો ના પાડતાં .”કહી શ્રીમતીજી રસોડા ભણી વળ્યાં.
એનું બાઈક ઉપડ્યું એવા જ મિરરમાં એના ઘર બાજુ આવતા રમાકાન્તાગૌરી દેખાયા.આમ તો એના પડોશી થાય.પણ એના સાસુમાના બહેનપણી…એટલે કુમાર કુમાર કરીને એનું બહુ માથું ખાય.બકાને થયું કે હાશ બચી ગયો.એ વિચારે એ થોડોક ખુશ થયો.
સીટી મારતો મારતો બકો ઓફિસમાં દાખલ થયો.બધાનું અભિવાદન ઝીલ્યું.પાણી લઈને આવેલા પંચુને રોક્યો.
“ પંચુ આજના નવા સમાચાર સાંભળ. તારું કોઈ ખાસ કામ રોકાઈ ગયું હોય તો શું બોલવાનું ખબર છે ?” પંચુએ નકારમાં માથું ધુણાવ્યું.
“કોરોના…. મા…ત કી જય…..તારું કામ તરત થઈ જશે.” બકાએ હવામાં હાથ જોડીને નાટકીય ઢબે બોમ્બ ફોડ્યો.
એ…… આજે પાછું કૈક નવું ગતકડું બકો લઈ આવ્યો એમ બધાને ખબર પડી ગઈ.આંખો ઉલાળીને મૂંગા અભિનયથી ચોક્કસ કહીને પંચુ રવાના થયો.એને ખબર હતી બકો સારા મૂડમાં હોય ત્યારે આવું કાઈ પણ ધડમાથા વગરનું બોલી નાંખે.એને સિરિયસલી લેવાનું નહિ.એ બાબતે એની સાથે પંચાતમાં ઉતરે એની બકો બરાબરની ફીરકી લઈ જ નાંખે.
બોસે બકાને કેબીનમાં બોલાવ્યો.એમનો સાળો આવ્યો હતો.બોસે એમના સાળાને એમ.એ.ની પરિક્ષામાં હાયર સ્કોર કરવા માટે જરૂરી ટીપ્સ આપવા બકાને ભલામણ કરી.બકો તો એને સાથે લઈને આવ્યો પોતાના ટેબલ ઉપર.
“મારે કેટલા કલાક વાંચવું જોઈએ ? જનરલ નોલેજ માટે તમે શું રીફર કરો છો ?”બોસના સાળાએ પૂછ્યું.
“તું વાંચી શકે એટલા કલાક વાંચવાનું….બહુ સ્ટ્રેસ લઈશ તો યાદશક્તિ ઉપર અસર થશે. યાદ રહેતું હશે એય યાદ નહી રહે.”
“હમમમ……વોટ ઈઝ યોર સજેશન ફોર જનરલ નોલેજ?”
“ ટીવી ન્યુઝ જો…રેગ્યુલર….! સુશાંત મિસ્ટ્રી …. આઈપીએલની મેચો ……. કોરોના વિશે …..એકેએક અપડેટની ખબર હોવી જોઈએ. અને હા …બાકી બધા સમાચાર પણ જાણતો રહે.”
“મને એક્ઝામનું ટેન્શન છે…” બોસના સાળાએ નર્વસ અવાજે કહ્યું.
“ જો આ વર્ષે એક્ઝામ તો ઓનલાઈન જ લેવાશે…..મારી પાસે એક સોલ્લીડ આઇએમપી આવી છે.”
“ વાઉ…પ્લીઝ ટેલ મી …”
“નવી કહેવત માર્કેટમાં આવી છે.એનો વિચાર વિસ્તાર પૂછાવાની શક્યતા છે.”
“ એમ…..કઈ કહેવત ?”
“ અપની બીવી ચાંદી , ઔરો કી બીવી સોના… અપની ખાંસી ખાંસી ઔરો કી ખાંસી કોરોના – આ કહેવતનો મતલબ વિસ્તારથી સમજાવો.” બોસનો સાળો ઊંધું ઘાલીને આઇએમપી લખવામાં પડ્યો એટલે બકો પાન ખાવા બહાર નીકળ્યો.
સામે જ મિસ માલિની મળી.એણે હંમેશની જેમ આંખ ઉલાળીને ગુડ મોર્નિંગ કર્યું. બકાએ રાજેશ ખન્નાની અદામાં આંખો બંધ કરીને ડોકું જમણી બાજુ જરાક ઝુકાવીને વળતું ગુડ મોર્નિંગ કર્યું.લીફ્ટમાં સાથે એન્ટર થયા.
“ કેવો લાગે છે આ કલર ? આજે જ નવો ડ્રેસ ટ્રાય કર્યો છે…”પેલીએ મલકાતા મલકાતા ભાઈબંધને પૂછી લીધું.
“ એટલે…….. આજે રોજ કરતા વધારે ચમકો છો….! હું ક્યારનો વિચારું છું કે આજે કૈક નવું છે પણ શું એ સમજાતું નહોતું.તમારી સ્કીન ઉપર તો બધાય કલર મસ્ત જ લાગે છે.” કહી એક આછેરી નજર માલિનીના આખા શરીર ઉપર ફેરવી લીધી. આગળ શું વાત વધારવી એ મૂંઝવણ હતી, એટલામાં ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો.લીફ્ટ ખુલી. બરાબર એ જ વખતે શ્રીમતીજીનો ફોન આવ્યો.
“ક્યા છો ? હું તમારી ઓફિસે આવી છું તમને લેવા.” કસમથી બકાનું હાર્ટ ફેઈલ થતાં થતાં રહી ગયું.બાપ રે….. અહી લીફ્ટની આજુબાજુમાં તો નથી ને ? એણે ઝડપથી આમતેમ ડાફોળિયાં મારી લીધાં. “શું વાત કરે છે ? બોલને ક્યા છે ? હું તને સામે લેવા આવું…..” બકાએ વિવેક દાખવ્યો.મનમાં ગણપતિ દાદાની બાધા રાખી.
“મને ખબર છે તમારો પાન ખાવાનો ટાઈમ થયો છે.એટલે નીચે ઝાંપા પાસે તમારી રાહ જોઉં છું.” આ સાંભળીને બકાને મોટી રાહત થઈ. હજી એ ઓફિસમાં આવી નથી એટલે વાંધો નહી.
આજે બકાની સાસુની બર્થ ડે હતી.બકાને તો ક્યાંથી યાદ હોય ? સાસુમાની બર્થ ડે ગિફ્ટ ખરીદવા જવા માટેની સરપ્રાઈઝ વિઝીટ હતી.બોસને જાણ કરી બંને ખરીદી કરવા ગયા.બકાને શ્રીમતીજીના સવારના ઉખડેલા મૂડનું કારણ મળી ગયું.એણે તરત ફોનથી સાસુમાને બર્થ ડેની શુભેચ્છાઓ આપી.સાંજે બર્થ ડે પાર્ટીમાં સાસરિયાઓની વચ્ચે મૂંઝાતા બકાને શ્રીમતીજીએ ઇશારાથી પૂછ્યું ધ્યાન ક્યાં છે ?
“આ તો વિચારતો હતો કે જો ટાઈટેનિક ફિલ્મને ચાઇનીઝ ભાષામાં બનાવી હોત તો એનું નામ શું રાખ્યું હોત ?”
“ હેં …..?!!!!! શું રાખ્યું હોત ?” એક સાથે બધાને રસ પડ્યો.
“અલ્યા….એમાં બે મુદ્દા છે.પહેલો – સરકારે ચાઈનાનો બહિષ્કાર કરવા કહ્યું છે.તેથી ચાઇનીઝ ભાષા વિષે વિચારવું એ રાજકીય અપરાધ છે….બીજો મુદ્દો – મને ચાઇનીઝ ક્યાં આવડે છે .?!”
“લો બોલો કરો વાત….!” બકાની વાત સાંભળીને ચારેબાજુ હસાહસ થઈ ગઈ.

Related posts

મહાભારત ના યુઘ્ઘ માં કૃષ્ણ-અજુઁન વચ્ચે નો સંવાદ

aapnugujarat

બોલીવુડમાં હવે ખાન ત્રિપુટીની ચમક ઝંખવાઇ

aapnugujarat

દામ્પત્ય જીવનની વાસ્તવિકતાના..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1