Aapnu Gujarat
બ્લોગ

બોલીવુડમાં હવે ખાન ત્રિપુટીની ચમક ઝંખવાઇ

આમિર, સલમાન અને શાહરૂખને બોલિવુડમાં ખાન ત્રિપુટીનાં નામથી ઓળખવામાં આવે છે જેમાં આમિરે આમ તો નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો આરંભ કર્યો હતો અને કાકા નાસિર હુસૈનની યાદોકી બારાતમાં બાળ કલાકાર તરીકે ચમક્યો હતો.જો કે ત્યારબાદ તેણે પ્રયોગાત્મક ફિલ્મ હોલી કરી હતી જે ૧૯૮૪માં આવી હતી પણ તેનો ખરો આરંભ તો ૧૯૮૮માં આવેલી કયામત સે કયામત દ્વારા થયો હતો.તો શાહરૂખે પણ ૧૯૮૦નાં પાછલા ગાળામાં ટેલિવિઝનમાં સિરિયલો દ્વારા અભિનયનાં ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો હતો પણ તેને ખરી ઓળખ તો ૧૯૯૨માં આવેલી દિવાનાથી મળી હતી.
સલમાને પોતાની કારકિર્દીનો આરંભ બીવી હો તો ઐસીમાં સપોર્ટિંગ રોલ દ્વારા કર્યો હતો પણ તેની પ્રથમ સુપર ડુપર હીટ ફિલ્મ ૧૯૮૯માં આવેલી મૈને પ્યાર કિયા હતી.આમ કહી શકાય કે ત્રણેય ખાને લગભગ સાથે જ અભિનયનો આરંભ કર્યો હતો અને ત્યારથી તેઓ બોલિવુડને સુપરહીટ ફિલ્મો આપી રહ્યાં છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તો તેઓની ફિલ્મો જ બોલિવુડ અને બોકસ ઓફિસ માટે તારણહાર રહી છે.
આ ત્રણેયની ત્રિપુટીને આમ તો દેવઆનંદ, દિલિપ અને રાજ કપુરની ત્રિપુટી સાથે સરખાવાય છે પણ એ હકીકત છે કે તેમણે એટલી મહાન ફિલ્મો આપી નથી પણ સફળ ફિલ્મો દ્વારા પોતાનો દબદબો જમાવી રાખ્યો છે.સલમાન, આમિર અને શાહરૂખનાં નામે ફિલ્મો સુપરહીટ જતી હોવાનાં દાખલા જોવા મળ્યા છે અને સો બસો કરોડની ફિલ્મોનો આરંભ તેમનાથી જ થયો છે પણ હાલમાં આવેલી આમિરની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જે રીતે સુપર ફલોપ થઇ છે તે અને સલમાન અને શાહરૂખની પણ છેલ્લી પાંચ ફિલ્મો જોઇએ તો જણાય છે કે આ ત્રિપુટી પોતાની ચમક ગુમાવી રહી છે.
એક સમય એવો હતો કે તેમનાં નામને સફળતાની ગેરંટી માનવામાં આવતું હતું પણ હવે એવું રહ્યું નથી.તેમને પણ સારી સ્ક્રીપ્ટ, સારા નિર્દેશક અને સેટઅપની જરૂરત વર્તાય છે.તેમના સ્ટારડમનાં બળે જ તેઓ નબળી ફિલ્મને પણ સુપરહીટ કરાવી જાય તે દિવસો હવે રહ્યાં નથી.જો કે એ વાત છે કે આ કલાકારોની ફિલ્મો માટે દર્શકોને ઉત્સુકતા રહેતી હોવાને કારણે તેમની ફિલ્મોને બંપર ઓપનિંગ મળી રહે છે પણ જો ફિલ્મ ખરાબ હોય તો તેને સફળ બનાવવાની શક્તિ તેમનામાં રહી નથી.જો સારી ફિલ્મ હોય તો તેમનાં નામે ત્રણસો કરોડનો વકરો થઇ શકે છે.
જો આ ત્રિપુટીની છેલ્લી પાંચ ફિલ્મોની વાત કરવામાં આવે તો જણાય છે કે આ ત્રિપુટીની ચમક ફિક્કી પડી રહી છે.ત્રણેય ખાનમાં કિંગખાન સૌથી નબળો રહ્યો છે.તેની છેલ્લી પાંચ ફિલ્મો જોઇએ તો માત્ર એક સુપરહીટ છે અને તે પણ ૨૦૧૪માં આવેલી હૈપ્પી ન્યુ યર છે તે સિવાય ૨૦૧૫માં આવેલી દિલવાલે જેમાં કાજોલ અને વરૂણ હોવા છતાં ફિલ્મ સરેરાશ રહી હતી, ૨૦૧૬માં આવેલી ફેન તો શાહરૂખની કેરિયરની સૌથી નબળી ફિલ્મ માનવામાં આવે છે, લતીફનાં જીવન પર બનેલી ફિલ્મ રઇશ માટે લોકોને આશા હતી પણ તે ફિલ્મ પણ સરેરાશ રહી હતી અને છેલ્લે ૨૦૧૭માં આવેલી જબ હૈરી મેટ સેજલ પણ સુપર ફ્લોપ રહી હતી.
ફેન અને જબ હેરી મેટ સેજલ તો સો કરોડનાં આંકડા પાસે પણ પહોંચી શકી ન હતી હવે તેની ઝીરો આવવાની છે આ ફિલ્મ પણ પ્રયોગાત્મક ફિલ્મ છે જેમાં શાહરૂખે ઠિંગુજીની ભૂમિકા નિભાવી છે જો આ દાવ અસફળ રહ્યો તો કિંગખાનનો કિલ્લો ધ્વસ્ત થઇ જશે તેમાં કોઇ શંકા નથી.
એક સમય એવો હતો જ્યારે એવું કહેવાતું હતું કે સલમાન ફિલ્મમાં માત્ર અઢી કલાક ઉભો રહે તો પણ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે પણ છેલ્લી પાંચ ફિલ્મોની વાત કરીએ તો જણાય છે કે સલમાને પણ તેની ચમક ગુમાવી દીધી છે જો કે છેલ્લી પાંચમાં બે બ્લોકબસ્ટર રહી હતી અને એક હીટ હતી પણ બે ફિલ્મો જેના પર તેને સૌથી વધારે વિશ્વાસ હતો તે સુપર ફલોપ રહી હતી.
૨૦૧૫માં આવેલી પ્રેમ રતન ધન પાયો હીટ રહી હતી તો ૨૦૧૬માં આવેલી સુલ્તાન બ્લોકબસ્ટર સાબિત થઇ હતી જો કે ૨૦૧૭માં આવેલી ટયુબલાઇટે તેને સાથ આપ્યો ન હતો અને તે ફિલ્મ સુપર ફલોપ રહી હતી પણ ૨૦૧૭માં ટાઇગર જિંદા હૈ બ્લોકબસ્ટર રહી હતી સલમાનને રેસ ૩ પર વધારે ભરોસો હતો પણ આ ફિલ્મ ફલોપ રહેતા ઇન્ડસ્ટ્રી પણ ચોકી ઉઠી હતી.તેની નિષ્ફળતાને કારણે બોલિવુડમાં હલચલ મચી જવા પામી છે.
આમિરખાન વધારે ફિલ્મો કરતો નથી તે બહુ વિચારીને ફિલ્મો સાઇન કરતો હોય છે પણ ઠગ્સ ઓફ હિંદુસ્તાને તેની સાથે જ ઠગાઇ કરી છે.સારૂ બેનર, સારો નિર્માતા હોવા છતાં આ ફિલ્મે દર્શકોની દિવાળી ખરાબ કરી છે કદાચ પહેલીવાર બન્યું છે કે આમિરની ફિલ્મ પહેલા વીકમાં જ થિયેટરોમાંથી ઉતરી હોય.આવી વાહિયાત ફિલ્મ આમિરે સાઇન કેવી રીતે કરી તે પણ એક સવાલ લોકોનાં મનમાં ઉઠી રહ્યો છે.
સતત સફળ ફિલ્મો આપનાર આમિરને ઠગ્સની નિષ્ફળતાએ ઝાટકો આપ્યો છે.તેની પાંચ ફિલ્મોમાંથી બે ફિલ્મો ફલોપ રહી છે જો કે ત્રણ ફિલ્મોએ ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.૨૦૧૨માં આવેલી તલાશ સુપર ફલોપ રહી હતી તો ૨૦૧૩માં આવેલી ધુમ ૩, ૨૦૧૪ની પીકે અને ૨૦૧૬ની દંગલ બ્લોકબસ્ટર રહી હતી જો કે ૨૦૧૮ની દિવાળીએ આવેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સુપર ફલોપ રહી છે.
જો કે શાહરૂખ અને સલમાનની તુલનાએ આમિરનું પલ્લુ ભારે છે.આ ત્રિપુટીને હાલમાં રણવીર, રણબીર અને વરૂણ જેવા નવા કલાકારો તરફથી પડકાર મળી રહ્યો છે.
આ ત્રણેય કલાકારો એક પછી એક સુપરહીટ ફિલ્મો આપ રહ્યાં છે હિરાની સાથે આમિરે ૩૦૦ કરોડની ફિલ્મ આપી છે તો રણબીરે પણ એ કમાલ કરી બતાવ્યો છે તેમ છતાં એ કહી શકાય કે હજી પણ આ ખાન ત્રિપુટી અન્ય કલાકારોની તુલનાએ આગળ છે પણ હવે લાગે છે કે તેમની કારકિર્દી ઢાળ પર આવી પહોંચી છે.
હાલમાં ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ઝાટકો ઠગ્સ ઓફ હિન્દુસ્તાને આપ્યો છે.દિવાળી પર રજુ થયેલી આ ફિલ્મ સાથે ઘણી આશાઓ સંકળાયેલી હતી અને એ આશા રાખવાનાં મજબૂત કારણો પણ હતા. પહેલીવાર આમિર અને અમિતાભ પરદા પર નજરે પડવાનાં હતા, યશરાજનું બેનર હતું, દિવાળીનો મોકો હતો પણ દર્શકોની દિવાળી બગડી હતી.
ફિલ્મની નિષ્ફળતા માટે જે કારણો જવાબદાર છે તેમાં પહેલું તો તેની સ્ક્રીપ્ટ વાહિયાત હતી.પ્રચારનાં સમયે જે દર્શાવાયું હતું તેનાથી લાગતું હતું કે અંગ્રેજો સાથે સંઘર્ષની વાત હશે પણ ફિલ્મ જોયા બાદ તે પિતાની હત્યાની વાત રજુ કરતી હોવાનું જણાતા દર્શકોને ઠગાયાની લાગણી જન્મી હતી.આ પ્રકારની વાર્તા પર કરોડોનો ખર્ચ કેવી રીતે કરાયો તે પણ એક સવાલ છે.નબળી સ્ક્રીપ્ટને કારણે દર્શકો ફિલ્મ સાથે જોડાઇ જ શક્યા ન હતા.ફિલ્મનાં પોસ્ટર્સ અને ટીઝર જોઇને લાગતું હતું કે કેટરીના ફિલ્મની મુખ્ય અભિનેત્રી હશે પણ ફિલ્મમાં તે માત્ર બે ગીતો અને ત્રણ દૃશ્યોમાં જ નજરે પડી હતી તે માત્ર ટુંકી ભૂમિકામાં હતી.આ વાતે પણ દર્શકોને ઠગાયાની લાગણી થઇ હતી.ફિલ્મને ભવ્ય બનાવવાનાં ચક્કરમાં પાત્રોનાં આલેખન પર કોઇ ધ્યાન જ અપાયું નથી.સૌથી વધારે અન્યાય અમિતાભ સાથે થયો છે.જે એકટર તેની ડાયલોગ ડિલિવરી માટે જાણીતો હોય તેને પ્રારંભમાં કોઇ સંવાદ જ ન અપાય તે વિચિત્ર વાત છે.ફાતિમા સના શેખ પર ભાર અપાયો પણ તે સારો અભિનય આપવામાં નિષ્ફળ નિવડી છે.
ફિલ્મની નિષ્ફળતા માટે વિજય કૃષ્ણ આચાર્ય જ વધારે જવાબદાર ગણાવી શકાય કારણ કે તેમણે ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી અને દિગ્દર્શન પણ કર્યુ છે.તેમની પાસે કરોડોનું બજેટ હતું, પ્રતિષ્ઠિત બેનર હતું, શાનદાર કલાકારો હતા અને દિવાળી જેવો અવસર હતો પણ તે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહી.ફિલ્મમાં સૌથી વધારે નબળાઇ એ હતી કે તે દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ નિવડી હતી.આદિત્ય ચોપડા માટે કહેવાય છે કે તે વિચારીને જ ફિલ્મો બનાવે છે પણ આ ફિલ્મ તેમની કારકિર્દી પર એવો ડાઘ સાબિત થઇ છે જેને ધોઇ શકાય તેમ નથી.

Related posts

કંગના રનૌત : સામા પ્રવાહે તરીને પાર ઉતરવાની હિમ્મત ધરાવતી અદાકારા

aapnugujarat

भारतीय मुसलमान सर्वश्रेष्ठ

editor

સરકારની રૂા. ૧ લાખની કેટલ શેડ સહાય થકી ગંભીરપુરાના ઇમરાનખાન રાઠોડ દુધ ઉત્પાદનમાં વધારા સાથે આર્થિક રીતે સધ્ધર બન્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1