Aapnu Gujarat
બ્લોગ

કંગના રનૌત : સામા પ્રવાહે તરીને પાર ઉતરવાની હિમ્મત ધરાવતી અદાકારા

ફિલ્મ ’પદમાવત’ માં રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતાં દીપિકા પદુકોણે વધુ ફી મેળવી હતી. તેણે આ વાતની સ્પષ્ટતા પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન કરી હતી. તેણે સાથેસાથેએમ પણ કહ્યું હતું કે, તે વધુ ફી મેળવવા માટે લાયક છે. આ પછીથી તે બોલીવૂડની સૌથી વધુ ફી મેળવનારી અભિનેત્રી કહેવાઇ હતી. પરંતુ હવે દીપિકાનો આ રેકોર્ડ કંગના રનૌતે તોડયો હોવાની ચર્ચા છે.
કંગનાએ પોતાનીઆવનારી ફિલ્મ ’મણિકર્ણિકા’ માટે તેણે રૂા. ૧૪ કરોડ જેટલી ફી વસૂલી છે. આ ફિલ્મમાં તે કારકિર્દી દરમિયાન પ્રથમ વખથ એક યોદ્ધાના પાત્રમાં જોવા મળશે. ઉપરાંત તે સંપૂર્ણ ફિલ્મ દરમિયાન અલગ-અલગ પ્રકારના સ્ટંટ ભજવતી જોવા મળશે. પૂર્ણ થયેલા વર્ષમાં સલમાન ખાન, આમિર ખાન કે શાહરુખ ખાનમાંથી એકેય સુપરસ્ટાર બોક્સઓફિસ પર અપેક્ષા મુજબ દેખાવ કરવામાં સફળ રહ્યાં નથી. જેમાં અપવાદ તરીકે રણવીરસિંહનું નામ લેવું પડે. ગયા વર્ષની શરૂઆત ‘પદ્માવત’માં ખિલજી તરીકે કરી અને અંત ‘સિમ્બા’ જેવી સુપરહીટ ફિલ્મથી કર્યો. શો બિઝનેસમાં કશું પૂર્વાનુમાન મુજબ ચાલતું નથી. દરેક શુક્રવાર સરપ્રાઈઝ અને હાર્ટબ્રેક્સથી ભરેલો હોય છે.બિગ બજેટ ફિલ્મો અને સુપરસ્ટાર ધરાવતી ફિલ્મો તેમના ચાહકોને નિરાશ કરે છે જ્યારે નાનકડા સિતારા અને ‘બધાઈ હો’ જેવી લો બજેટ ફિલ્મ દર્શકોના હૃદય જીતી જાય છે. એક સમયે અફવા હતી કે ‘મણિકર્ણિકા’ ખોરંભે ચડી ગઈ છે. જો કે આ પ્રકારની વાતો ઐતિહાસિક ફિલ્મો માટે સામાન્ય ગણાય છે પછી તે ‘મુગલે આઝમ’ હોય કે ‘પદ્માવત’ હોય. આ પ્રકારની ઐતિહાસિક બેકડ્રોપ ધરાવતી ફિલ્મ બનાવવા માટે પેશન અનિવાર્ય છે. કારણ કે આવી ફિલ્મો માત્ર પૈસાના જોરે નહીં પણ પેશનના કારણે બનતી હોય છે.એકાદ વર્ષથી કંગના રનૌત પણ જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે. એરપોર્ટ પરથી આવતી કે જતી હોય ત્યારની તસવીરો આવે તે વાત અલગ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પાત્રને જીવંત કરવા માટે કંગના રનૌત આખુ વર્ષ વ્યસ્ત રહી. જ્યારે ફિલ્મની જાહેરાત થઈ ત્યારે કંગનાએ કહ્યું કે,‘આ ફિલ્મ સાથે મારું સોએ સો ટકા કમિટમેન્ટ રહેશે.’ અને તે બાબત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે જોવા મળી. ફિલ્મના નિર્માતાઓએ કંગનાના કામનું મહત્વ આંક્યું અને તેના વખાણ કરતા થાકતા નહોતા.ઝી સ્ટુડિયો અને કમલ જૈન કે જેઓ ફિલ્મના પ્રોડ્યુસર છે તેમનો દાવો છે કે, રાણી લક્ષ્મીબાઈ યુદ્ધમાં જે રીતે લડે છે તેવી વોર સિકવન્સ આજસુધી ભારતીય સિનેમાના પડદે જોવા મળી નહીં હોય.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત એક્શન ડિરેક્ટર નિક પોવેલે ફિલ્મની એક્શન સિકવન્સ માટે ૧૦૦૦ કરતાં વધુ ફાઈટરોનું ઓડિશન લીધું હતું. વળી ફિલ્મમાં ૧૮૫૭ વખતે જેવા શસ્ત્રો વપરાતા તેવા સાચુકલા શસ્ત્રો વપરાયા છે. આખી ક્રૂને યુદ્ધ દ્રશ્યો માટે ચાર મહિના તૈયારી કરાવી હતી.કંગના રનૌતે ફિલ્મમાં કેપ-લોક પિસ્તોલ (વન શોટ પિસ્તોલ) અને તે સમયની રાયફલો ચલાવી છે. એ વિશે વાત કરતાં કંગના રનૌત કહે છે કે,‘તે સમયે લોકો માટે રાયફલ બહુ નવી હતી અને માત્ર ગણતરીના લોકો તેને વાપરતા હતા. જ્યારે બ્રિટિશ આર્મી એનફિલ્ડ રાયફલો વાપરતી ત્યારે રાણી લક્ષ્મીબાઈ તલવારથી લડવાનું પસંદ કરતા હતા. યુદ્ધના દૃશ્યોમાં મારી જે ઢાલ છે તેનું વજન પાંચ કિલો હતું. અમારે જે પોશાક પહેરવાનો હતો તેનું પણ પોતાનું વજન હતું. આખી પ્રક્રિયા આમ તો કંટાળાજનક અને લાંબી હતી.જેમ કે અમારી આખી ટીમ રાતે ૨ વાગ્યે જાગી જતી અને ૩ વાગ્યે સેટ પર આવી જતી. પછી મેકઅપ, હેરડ્રેસિંગ, કોશ્ચ્યુમ અને રીહર્સલમાં છ કલાક જતા. આ બધુ થયા પછી અમે ૧૦ કે ૧૧ વાગ્યે શૂટિંગ શરૂ કરી શકતા હતા. બધા યોદ્ધાઓ અને પ્રાણીઓ સાથે જે શૂટિંગ કરવાનું થતું પરિણામે માંડ ક્યારેક દિવસમાં એક સીન કમ્પ્લીટ કરી શકતા હતા.’ અને આવું ચાલ્યા કર્યું અને આખું વર્ષ પસાર થઈ ગયું. આખુ વર્ષ આકરી મહેનત કરી છે અને હવે જ્યારે ફિલ્મ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે લાંબા અને આરામદાયક હોલીડે પર જવાની છું એટલું નક્કી છે.’ આમ કહીને કંગના સ્મિત કરે છે.છેલ્લાં થોડાં સમયથી અભિનેત્રી કંગના રનૌત ફરી વખત ચર્ચામાં છે. આ આખાબોલી અદાકારાનું મનોબળ ગજબનું મક્કમ છે. તે જે કરવા ચાહે તે કરીને જ જંપે છે. પોતાના કામ પ્રત્યેની લગ્ન અને પ્રતિબધ્ધતાને પગલે તેની લોકપ્રિયતા ટોચ સર કરી રહી છે. ચીલો ચાતરીને ચાલવાની ટેવને કારણે એકલી પડી જતી હોવાથી જ તે નોખી તરી આવે છે.થોડા સમયથી પોતાની આગામી ફિલ્મ ’મણીકર્ણિકા’ ધ ક્વીન ઓફ ઝાંસી’નું શૂટીંગ કરી રહેલી કંગનાને ચહેરા પર જોરથી તલવારનો ઘા વાગ્યો હતો. આ ઘા હવે રૂઝાઈ ગયો છે. પણ તેની નિશાની હજી દેખાઈ રહી છે. અભિનેત્રી કહે છે કે હું ત્રણ પુરુષો સાથે તલવારબાજીનું દ્રશ્ય આપી રહી હતી તે વખતે ’રાવ સાહેબ’નું પાત્ર ભજવતો નિહાર પંડયા તેને આપવામાં આવેલી સૂચના વિસરી ગયો અને તેની તલવાર મને વાગી ગઈ. કોેરિયોગ્રાફીને લગતાં આવાં દ્રશ્યોમાં જો કોઈ કલાકાર જરાસરખી ચૂક કરી બેસે તો આવું પરિણામ આવે.કોઈપણ કલાકારના ચહેરા પર ઈજા થાય એટલે તે એકદમ ટેન્શનમાં આવી જાય. પ્રત્યેક અભિનેતા કે અભિનેત્રી માટે તેનો સુંદર ચહેરો સૌથી વધુ મહત્ત્વનો હોય છે. પરંતુ કંગનાને આ ઈજાને પગલે રહી ગયેલી નિશાનીની જરાય ચિંતા નથી.વાસ્તવમાં તે તેને કારણે ખુશ છે.
કંગના કહે છે કે હું એક યોધ્ધાની ભૂમિકા ભજવી રહી છું જેણે પોતાની યુવાનીમાં જ સંખ્યાબંધ યુદ્ધો લડી લીધાં હોય તેના શરીર પર કોઈ ઈજાની નિશાનીઓ ન હોય એવું બને ખરુ? વળી બચપણથી જ હું એટલી તોફાની હતી કે મારા શરીર પર ઈજાની અન્ય ઘણી નિશાનીઓ છે.જો કે કંગનાના હૃદય પર પણ ઘણાં ઘા પડયા છે. ભલે તે બહાર દેખાતા નથી. તેથી જ જ્યારે તેને તેના સંબંધો વિશે કાંઈ પૂછવામાં આવે ત્યારે તેના હૈયા પર પડેલા ઘામાંથી ફરીથી લોહી ઝરવા લાગે છે. જો કે અભિનેત્રી આ બાબતે ફિલોસોફિકલ થતાં કહે છે કે દરેક મનુષ્યના દિલ પર કોઈને કોઈ ઘા તો થયો હોય છે.પરંતુ જીવનમાં થયેલા કડવા અનુભવો સામે જે તે વ્યક્તિએ કઈ રીતે ઝીંક ઝીલી તે બહુ મહત્ત્વનુ છે. કંગના માને છે કે હૃદયને વાગેલા ઘાને ક્યારેય રૂઝાવા ન દેવા. પ્રત્યેક મનુષ્યને મળેલી આ કિંમતી ભેટ છે. તે તેમને ઘણું શીખવી જાય છે. સાથે સાથે સાવધાન પણ રાખે છે. સમય તમારી જેટલી વધુ કસોટી કરે, તમે એટલા વધુ સખત બનો.
કંગનાને હમેશાંથી અસાધારણ કામો કરવાનું ગમ્યું છે. તે કહે છે કે હમણાં હું ૩૦ વર્ષની છું. હું ઈચ્છું છું કે હવે હું મારો સઘળો સમય અસાધારણ કામો કરવામાં વિતાવું. સગીરાવસ્થામાં મેં ઘણાં ક્ષુલ્લક કામ કર્યાં છે. હજી પણ જાણ્યેઅજાણ્યે તે કરતી રહીશ. હું એક કલાકાર છું અને લોકોનું મનોરંજન કરવું એ મારું કામ છે. અને જ્યારે તમે પડકારજનક કામ કરો ત્યારે જ લોકોનું ખરું મનોરંજન કરી શકો. હવે હું એવું કામ કરવા માગું છું જેમાં મને ભલે નાણાંકીય વળતર ઓછું મળે, પણ દર્શકો પર તે છાપ છોડી જાય. જેમ કે ’સિમરન’ આ ફિલ્મ એક મહત્ત્વકાંક્ષી મહિલા વિશે હતી અને તે દરેકને સ્પર્શી હતી. આ એક ’સેક્સલેસ’ સિનેમા છે. તે માત્ર એક સ્ત્રીની કહાણી નથી. બલ્કે યુવાનો અને તેમની મહત્ત્વાકાંક્ષાની કથા છે.
એક સમય એવો હતો જ્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહેલી કંગનાએ માત્ર અને માત્ર પૈસા માટે જ ફિલ્મો કરી હતી અને આ વાત કબૂલવામાં પણ તેને જરાય સંકોચ નહોતો થતો. જોકે તે આજે પણ પૈસા કમાવવા માટે જ ફિલ્મો કરે છે. પરંતુ ફક્ત નાણાં રળવા માટે નહીં કંગના કહે છે કે જો હું કહું કે હું પૈસા કમાવવા ફિલ્મો નથી કરતી તો તે ખોટું ગણાશે.જો તમે આર્થિક રીતે સલામત ન હો તો માત્ર નામ અને કીર્તિને શું કરવા? જો મને નાણાં ન રળવા હોય તો હું ઘરમાં બેસીને ચૂલોચોકો ન સંભાળું. કે પછી મારા ગમતાં લોકો સાથેં સમય ન વિતાવું. કંગના કહે છે કે અહીં આવ્યા પછી મેં લોકલ ટ્રેન અને ઓટોમાં પ્રવાસ કર્યો છે. અહીં લોકોને હૈયે હૈયુ દબાય એવી ભીડમાં પ્રવાસ કરવો પડે છે. હું ધીમે ધીમે આગળ વધી. કામ મળતું થતા મેં નાની કાર વસાવી. આજે મારી પાસે ઘણી વૈભવી મોટરો છે.
અભિનેત્રીને લાગે છે સે તમારા જીવનમાં એવો પુરુષ હોવો જોઈએ જેની સાથે તમે હસી શકો, રડી શકો, તમારી પ્રત્યેક વાત મોકળા મને કરી શકો, તે તમારો પરિવાર આગળ વધારે અને તમને ખુશ રાખે. આવો પુરુષ જ તમારો ખરો જીવનસાથી ગણાય.

Related posts

चलिये, मानसूनी मौसम में “ममता चाय” की चुस्कियां लेते है, आमार बंग्ला..!

aapnugujarat

ટુંકી વાર્તા

aapnugujarat

દિવાળી પર્વનું પારંપરિક મહત્વ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1