Aapnu Gujarat
ગુજરાત

એટ્રોસીટી એક્ટ અંગે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુધ્ધ અપીલ કરવા વડોદરા ધારાસભ્યને રજુઆત

ડૉ. આંબેડકરે સ્વતંત્ર ભારતના ભાવિનું ઘડતર કરતા રચેલ બંધારણમાં દરેક નાગરિકને સમાન ગણવામાં આવ્યા છે જ્યાં સ્ત્રી – પુરુષ – રંગ – જાતિ – ધર્મ ના ભેદભાવ વગર દરેકને એક્સરખા અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ આપણાં આ જ ભારત દેશમાં હજારો વર્ષોથી જડ બનેલ જાતિ પ્રથાએ લોકોને જાતિગત રીતે ઉંચ-નીચના ભેદમાં વહેંચી દેશની અખંડતાને નિર્બળ બનાવી છે. મનુવાદી પ્રથાને વળગેલા કેટલાક રુઢિવાદી લોકો દરેકને એક્સમાન ગણવાને બદલે જન્મજાત જાતિગત ઓળખના આધારે બીજાને પોતાનાથી નીચા માની તેઓને દબાવવાના પ્રયત્નોે કરે છે. આઝાદી બાદ આ જાતિગત પ્રણાલીમાં નીચલા સ્તરે ગણાતા અનુસુચિત જાતિના લોકોમાં શિક્ષણનો પ્રસાર થતા જાગૃતિ આવી અને તેઓ આ જાતિગત વર્ચસ્વને પડકારતા થયા જેના પગલે કહેવાતા ઉચ્ચ વર્ગના લોકોએ અનુસુચિત જાતિના લોકોનુ હિંસાત્મક દમન કરતા ઠેર – ઠેર અત્યાચારના બનાવો બનવા લાગ્યા. ફ્કત ગુજરાતની વાત કરીએ તો ત્રણ-ચાર દાયકા જુના ખંભાત તાલુકાના ગોલાણા અને પાલનપુર પાસેના સાંબરડા ગામના બનાવોની બિહામણી યાદો આજે પણ લોકમાનસના સ્મૃતિપટલ પર જીવંત છે.
આવા બનાવોને અંકુશમાં લાવવા અને જાતિગત અત્યાચારોને ડામવા હેતુ ૧૯૮૯ માં પ્રથમ વાર અનુસુચિત જાતિ – જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો અમલમાં આવ્યો જેને વધુ અસરકારક બનાવવા ૧૯૯૫, ૨૦૧૫ અને છેલ્લે ૨૦૧૮માં વિવિધ બદલાવો કરવામાં આવ્યા પરંતુ અવારનવાર આ કાયદાઓને યેન કેન પ્રકારે નબળા પાડવાનું અને એટ્રોસીટી કાયદાના આરોપીઓને પ્રોત્સાહિત કરતા ચુકાદાઓ આપવાનું ભુતકાળમાં બનતું આવ્યું છે તે રીતે તાજેતરમાં ૦૬-૦૮-૨૦૨૦ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા એટ્રોસીટી કાયદાની જોગવાઇઓ અને આ કાયદાની ઉમદા ભાવનાને ઉપરવટ જઇ ફરિયાદીને સાંભળ્યા વગર આરોપીઓને જામીન આપવાનો ચુકાદો આપ્યો છે.
સ્વાભાવિક રીતે આ ચુકાદાથી એટ્રોસીટી કાયદો તો નબળો પડે જ છે સાથે આવા ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓને આડકતરુ પ્રોત્સાહન પણ મળે છે. એટ્રોસીટી એક્ટ અંગેના આ ચુકાદાની વિરુધ્ધ ગુજરાત સરકાર રીવ્યુ પીટીશન દાખલ કરી આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારે તેમજ વિશેષ અધ્યાદેશ લાવી છાશવારે ઉચ્ચ વર્ગના હિંસાત્મક વલણનો ભોગ બની જીવ ગુમાવતા – હિજરત કરવા મજબુર બનતા અનુસુચિત જાતિના ગરીબ – પછાત અને નબળા વર્ગના હિતનુ રક્ષણ કરે તેવી માંગણી સાથે એસસી-એસટી હિત રક્ષક સમિતિ – વડોદરાના શ્રી મણિભાઈ પરમાર, શ્રી મુકેશભાઇ હેલૈયા અને શ્રી ભરતભાઈ ડાભી દ્વારા ૧૪-૦૯-૨૦૨૦ના રોજ વડોદરાના ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલને આવેદન પત્ર આપવામાં આવ્યું જ્યાં ધારાસભ્યશ્રીએ વિષયની ગંભીરતાપુર્વક નોંધ લેતા તે અંગે તેઓ સત્વરે ગુજરાત સરકારના કાયદામંત્રી તેમજ સમાજ કલ્યાણ મંત્રી સાથે મળીને ઘટતુ કરવા ખાતરી આપી હતી.

Related posts

સાધ્વી જયશ્રીગીરી બે દિન માટે પોલીસ રિમાન્ડ ઉપર

aapnugujarat

નર્મદા જિલ્લામાં અંદાજે રૂા.૧૪૦.૧૦ લાખના ખર્ચે ૨૪ જેટલી પાણી પુરવઠા યોજના મંજૂર

aapnugujarat

રાજ્યમાં 10 હજાર ડૉક્ટરોની હડતાલ પર જવાને લઈને આ છે મુખ્ય 7 માંગણીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1