Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં કર્યો બદલાવ

જમીન માલિકી અંગે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે, ખેડૂત ન હોય તો પણ વ્યક્તિ જમીનની ખરીદી કરી શકશે. ગુજરાત રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, મેડિકલ સહિતની શિક્ષણ હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી નહિ રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શૈક્ષણિક હેતુ માટે ખરીદાયેલી જમીન બાદ એક મહિનાની અંદર કલેકટરને જાણ કરવી પડશે. રાજ્ય સરકારે ગણોતધારામાં સુધારો કર્યો છે. આ અગાઉ જમીન ખરીદવા માટે બિનખેતી ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેક્ટરની પૂર્વમંજૂરી લેવી પડતી હતી તેના કારણે વિલંબ થતો હતો. ખેતી વિષયક જમીન અગાઉ ખેડૂત ખાતેદાર જ ખરીદી શકતા હતા, પણ નવા સુધારા બાદ હવે શૈક્ષણિક હેતુ માટે કોઈપણ વ્યક્તિ જમીનની ખરીદી કરી શકશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં ગણોત કાયદાઓની જોગવાઇઓમાં સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલશે. એટલું જ નહિ રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂડી રોકાણો પણ આકર્ષિત કરી શકાશે. રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિ લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓએ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હતું. જેને પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઈન્સ્પેક્શન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં વિલંબ આવતો હતો. ત્યારે આ સમસ્યાઓનો હવે અંતે આવ્યો છે. રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગ્રૂપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે.ડેટ રીકવરી-દેવા વસુલી,લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે. ઉદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે, તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે. એટલું જ નહિ, કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત મેડીકલ, ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં પણ વિકાસની ક્ષિતીજો ખૂલશે.

Related posts

બિટકોઇન : નલિન કોટડિયાને કોર્ટે ભાગેડુ જાહેર

aapnugujarat

ગુજરાતના રમખાણોના કેસમાં તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

aapnugujarat

કેરાળા ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1