Aapnu Gujarat
બ્લોગ

સાપ ગયાં ને લિસોટા રહી ગયાં

આપણો દેશ વર્ષો સુધી અંગ્રેજોનાં તાબે રહ્યો એટલે કે આપણે ગુલામ રહ્યાં. રાજા-મહારાજાઓ કે જેની પોતાનાં રાજ્યમાં હાક વાગતી હતી, માથે પાઘડીઓ અને તાજ હતાં મરદ મૂછાળા હતાં કેડે તલવારો લટકતી હતી અને મોજડીઓનો ચય્યડ ચય્યડ અવાજ આવતો હતો તેવા રાજા અને રજવાડા મોટા મોટા તાજ પહેરનારા બાદશાહાઓ અંગ્રેજોની જીહજુરી કરતાં હતાં ત્યારે ધીરે ધીરે આપણાં દેશમાં અંગ્રેજોની પ્રથા આપણાં લોકોનાં લોહીમાં આવવા લાગી અને અંગ્રેજોનાં સમયમાં જ ઘણાં લોકો તો સવાયા અંગ્રેજ બની ગયા હતાં અને નાનાં – મોટાં પ્રસંગોમાં સુટ-બુટ-ટાઈ અને હેટ પહેરતાં થઈ ગયા હતાં અને એ વખતની પોલીસ નીચે મોટો ચડ્ડો, ખમીસ અને માથે મોટી હેટ પહેરીને જ્યારે ગામડાં કે શહેરોમાં નીકળતાં ત્યારે તેમની એક જ મોટી ઓળખ હતી ‘ટોપાવાળા સાહેબ આવ્યાં છે’ પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયાં તેમ સુટ-બુટ-ટાઈ અને હેટ ઓછાં થવા લાગ્યાં અને હવે ક્યાંક ક્યાંક સરકારી બાબુઓમાં સુટ-બુટ જોવા મળે છે પરંતુ જે લોહીમાં પ્રવેશી ચૂકેલા અંગ્રેજોનાં સંસ્કાર હજુપણ ગયાં નથી પણ દિવસે–દિવસે વધતાં જતાં હોય એમ નથી લાગતું ? જેમ કે આપણે જન્મ આપનારને ‘માં’, ‘બા’, ‘માતાજી’ કહેતાં હતાં અને હવે એ શબ્દો તો વિસરાઈ ગયાં પરંતુ ચૌરે અને ચૌટે જ્યાં પણ જઈએ ત્યાં ‘મમ્મી, મમ્મી’નાં અવાજ સંભળાય છે, અરે એટલું જ નહીં ટીવીમાં પણ બાળકને લગતી કોઈ જાહેરાત આવતી હોય ત્યારે બાળકનાં મોંઢે ‘મમ્મી’ શબ્દનો ઉચ્ચાર કરાવવામાં આવે છે, જેનાં લોહીથી આપણે જન્મ્યાં હોય એનેે ‘બાપા, પિતા, પિતાશ્રી’ કેટલાં હુલામણા નામે બોલાવતા હતાં. આ શબ્દો બોલતાં પ્રેમથી મોંઢુ આખું ભરાઈ જાતું અનેે હવે ‘ડેડ’ શબ્દ આપણે સાંભળીએ છીએ.

આ શબ્દોમાં કોઈ આત્મીયતા કે પ્રેમ દેખાતો નથી અને ‘ડેડ’નો બીજો અર્થ મૃત્યુ થાય એટલે પિતા – પુત્ર વચ્ચેનાં સંબંધોનું જ્યારે મૃત્યુ થઈ ગયું હોય એવો અહેસાસ થાય છે. આવા જ અન્ય સંબંધોમાં કાકા, કાકી, માસા, માસી, ફુઆ, ફોઈ, ભાઈ – બહેન જેવાં અનેક સંબંધોનાં નામ ભુલાવા લાગ્યાં છે અને તેની જગ્યા અંગ્રેજી શબ્દોએ લઈ લીધાં છે, તેટલું જ નહીં આપણે ત્યાં દીકરી કે દીકરી જન્મે ત્યારે ઉત્સાહ અને આનંદ તો હોય. દીકરીનાં જન્મ વખતે ઘરમાં લક્ષ્મી આવી અને દીકરાના જન્મ વખતે ઘરમાં કનૈયો આવ્યો તેવું કહેતાં. આજે લક્ષ્મી અને કનૈયો ભુલાઈ ગયાં છે અને બેબી આવી એમ બોલવા લાગ્યાં છે, તેની સાથે સાથે મારી જાણ મુજબ રાજકુંવરનો કે રાજકુંવરીનો જન્મ થાય ત્યારે સમગ્ર રાજ્ય આનંદ અનુભવતું હતું, નાચ-ગાન થતાં હતાં અને સમગ્ર રાજ્ય ખુશી મનાવતું હતું અને પરંતુ ત્યારપછી રાજકુંવર કે રાજકુંવરીનો જન્મ દિવસ દર વર્ષે ઉજવાતો હોય એવું કોઈ ઈતિહામાં જાણવા નથી મળ્યું પરંતુ અત્યારે તો દર વર્ષે દીકરા કે દીકરીનો બર્થ ડે ઉજવવામાં આવે છે. નાનાં બાળકોને ખુશી થાય તે માટે માતા-પિતા ઉજવે એ સમજી શકાય છે પણ માતા-પિતાનાં પણ કબરમાં પગ લટકતા હોય ત્યારે એમનો પણ જન્મદિવસ ઉજવવાનો અને જવાનિયા પણ દર વર્ષે બર્થ ડે પાર્ટી અવનવા પ્રકારે ઉજવીને મોટાં મોટાં કાર્યક્રમો રાખીને જે પૈસાદાર લોકો પોતાની ધનાઢ્યતા જે દેખાડવાનો પ્રયત્ન કરે છે તે કેટલો વ્યાજબી છે તે એક પ્રશ્ન થાય છે. આપણો દેશ ગરીબ છે, ગરીબોથી ભરેલો છે અનેક બાળકોને બે ટંકનું ભોજન મળતું નથી, રમવા માટે રમકડા નથી, પહેરવા માટે કપડાં નથી અને ફરવા માટે કોઈ લઈ જાય એ તો પ્રશ્ન જ ઉભો થતો નથી ત્યારે જન્મદિવસની પાછળ વપરાતાં રૂપિયા શું આવી જગ્યાએ વાપરીને આપણે જન્મ લીધો છે એનું સત્કર્મ ના થાય ? માટે કહેવું પડે છે કે સાપ ગયાં ને લિસોટા રહી ગયાં.

Related posts

કર્ણાટકમાં ભાજપને ઝળહળતી સફળતા

aapnugujarat

परिसीमन बाद में, पहले धारा 370 हटाइयेजी, 303 सीटें है अब डर काहेका..?

aapnugujarat

ટૂંકી વાર્તા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1