Aapnu Gujarat
ગુજરાત

ખાનગી સ્વનિર્ભર સ્કુલોને અમદાવાદ શહેર ડીઇઓનું અલ્ટીમેટમ

ખાનગી સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદા અંતર્ગત રાજય સરકાર દ્વારા રચાયેલી ફી કમીટી સમક્ષ ફી અંગેની દરખાસ્ત અને એફિડેવીટ રજૂૂ કરવા તા.૨૪મી મે સુધીની મુદત ખાનગી સ્કૂલોને આપવામાં આવી છે પરંતુ હજુ સુધી અનેક ખાનગી સ્વનિર્ભર સ્કૂલો તરફથી દરખાસ્ત કે એફિડેટવીટ કમીટી સમક્ષ રજૂ નહી થતાં અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ આકરૂં વલણ અપનાવાયું છે. ડીઇઓ દ્વારા તમામ ખાનગી સ્વનિર્ભર સ્કૂલોને તા.૨૪મી મે સુધીમાં જ એટલે કે, આવતીકાલ સુધીમાં જ દરખાસ્ત-એફિડેવીટ રજૂ કરી દેવા અલ્ટીમેટમ આપી દેવાયું છે. ડીઇઓએ આ સમયમર્યાદામાં કોઇ પણ વધારો કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે અને ઉલ્ટાનું ખાનગી સ્કૂલો સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે, જો ઉપરોકત સમયમર્યાદામાં સ્કૂૂલો દ્વારા તેમની ફી અંગેની દરખાસ્ત કે એફિડેવીટ કમીટી સમક્ષ રજૂ નહી કરાય તો ત્યારબાદ ભવિષ્યમાં સર્જાનારી કોઇપણ પરિસ્થિતિ માટે સ્કૂલો પોતે જ જવાબદાર રહેશે. આવતીકાલે હવે દરખાસ્ત-એફિડેવીટ રજૂ કરવાની છેલ્લી તારીખ હોવાથી દરખાસ્ત એફિડેવીટનો ઢગલો કમીટી સમક્ષ થાય તેવી પણ સંભાવના છે. રાજયમાં ખાનગી સ્વનિર્ભર શાળાઓ દ્વારા ઉઘરાવાતી બેફામ અને ઉંચી તગડી ફી પર નિયંત્રણ લાદવા રાજય સરકાર દ્વારા ખાનગી સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદો અમલી બનાવાયો હતો અને તેના રૂલ્સ ઘડવામાં આવ્યા હતા. જે અંતર્ગત ફી કમીટીની પણ રચના કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રાથમિકમાં રૂ.૧૫ હજાર, માધ્યમિક માટે રૂ.૨૫ હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક માટે રૂ.૨૭ હજાર ફી નક્કી કરાઇ હતી. જો આ નિયત ફી કરતાં વધુ ફી ઉઘરાવવી હોય તો ખાનગી શાળાઓ પોતાની દરખાસ્ત અને એફિડેવીટ ફી કમીટી સમક્ષ રજૂ કરવી પડે અને જો કમીટી તરફથી મંજૂરી મળે તો જ શાળાઓ તે ફી ઉઘરાવી શકે, અન્યથા કમીટી નક્કી કરે તે ફી ઉઘરાવવી પડે. ખાનગી સ્વનિર્ભર સ્કૂલોને તેમની ફી અંગેની દરખાસ્ત-એફિડેવીટ રજૂ કરવા તા.૨૪મી મે સુધીની મુદત આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી શહેરની મોટાભાગની ખાનગી સ્વનિર્ભર સ્કૂલો દ્વારા પોતાની દરખાસ્ત-એફિડેવીટ કમીટી સમક્ષ રજૂ કરાયા જ નથી. જેથી આ વાતની ગંભીર નોંધ લઇ અમદાવાદ શહેર ડીઇઓએ એક મહત્વનો પરિપત્ર જારી કરી શહેરની તમામ ખાનગી સ્વનિર્ભર શાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી કે, તેમણે તેમની સ્કૂલોની ફી અંગેની દરખાસ્ત કે એફિડેવીટ તા.૨૪મી મે સુધીમાં ફી કમીટી સમક્ષ કોઇપણ સંજોગોમાં રજૂ કરી દેવાની રહેશે. જો આ સમયમર્યાદામાં સ્કૂલો દ્વારા તેમની દરખાસ્ત કે એફિડેવીટ રજૂ નહી કરાય તો ભવિષ્યમાં નિર્માણ થનારી તમામ જવાબદારી માટે સ્કૂલોની પોતાની રહેશે.

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હિંમતનગર ખાતે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

editor

અમદાવાદમાં પાટીદારો દ્વારા કેસ પાછા ખેંચવા અને અન્ય મુદ્દાઓ સાથે બેઠક યોજાઈ

aapnugujarat

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજ્યા રાહતકર મહાસંપર્ક અભિયાનમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1