Aapnu Gujarat
બ્લોગ

અનંત કુમારનું ભાજપ માટેનું યોગદાન અમુલ્ય

જીવનનો કોઈ ભરોસો નથી એવું આપણે વારંવાર સાંભળીએ છીએ ને તેનો અહેસાસ એકદમ તીવ્રતાથી થાય એવી ઘટનાઓ પણ બનતી રહે છે. સોમવારે સવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન અનંત કુમારનું અવસાન થયું ત્યારે ફરી એ વાતનો અહેસાસ થયો. અનંત કુમાર માત્ર ૫૯ વર્ષના હતા ને બહારથી સૌને એકદમ સાજાનરવા લાગતા હતા. સોમવારે અચાનક તેમના નિધનના સમાચાર આવ્યા એ સાથે જ આંચકો લાગી ગયો. અનંત કુમારને ફેફસાંનું કેન્સર હતું ને તેના કારણે તેમનું મોત થયું. કેન્સર રાતોરાત ના થાય ને તેના કારણે તમે ગુજરી જાઓ એવી સ્થિતિ તો રાતોરાત બિલકુલ પેદા ના થાય.
અનંત કુમારને પણ લાંબા સમયથી કેન્સર હતું, તેમણે અમેરિકા ને બ્રિટન બંને ઠેકાણે જઈને સારવાર પણ કરાવેલી છતાં મોત તેમને આંબી ગયું. અનંત કુમારનું મોત એ રીતે આકસ્મિક નથી પણ આંચકો એ વાતનો લાગે કે, દેશમાં મોટા ભાગના લોકોને એ વાતનો અહેસાસ જ નહોતો કે અનંત કુમારની તબિયત આટલી ખરાબ છે. ભાજપના નેતા ને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત કેટલાય વખતથી નરમગરમ રહ્યા કરે છે. પર્રિકરનું આયુષ્ય વધે એવી પ્રાર્થના કરીએ પણ તેમની તબિયતના જે હાલ છે એ જોતાં ગમે ત્યારે ત્યાંથી ખરાબ સમાચાર આવશે એવો અંદેશો રહ્યા કરે છે પણ અનંત કુમાર વિશે તો એવી કલ્પના પણ કોઈને નહોતી ને એ અચાનક ગુજરી ગયા.
અનંત કુમાર બહુ મહાન નેતા નહોતા ને ભાજપના ધુરંધરોની ગણતરી માંડો તો ટોપ ટેનમાં પણ ના આવે. એ છતાં આ માણસની વાત કરવી જરૂરી છે કેમ કે આવા માણસો ભારતના રાજકારણમાં બહુ ઓછા છે. ભારતમાં લાંબા સમય સુધી રાજકારણમાં રહેવા છતાં જેમની સામે કદી આંગળી ના ચીંધાઈ હોય કે હિન્દી ફિલ્મોની ભાષામાં કહીએ તો જેમના દામન પર એક દાગ ના લાગ્યો હોય એવા નેતા બહુ ઓછા મળે. અનંત કુમાર આ નેતાઓમાં એક હતા. અનંત કુમાર ૪૦ વર્ષથી રાજકારણમાં હતા ને છતાં તેમના ચારિત્ર્ય સામે શંકા કરાય તેવો એક કિસ્સો જોવા નહીં મળે. ગયા વરસે સિદ્ધરામૈયાની કોંગ્રેસની સરકારે એક વીડિયો ટેપના આધારે અનંત કુમાર સામે ભ્રષ્ટાચારનો એક કેસ નોંધેલો. આ ટેપમાં અનંત કુમાર ને યેદુરપ્પાની વાતચીત છે ને તેમાં ભાજપ હાઈકમાન્ડને કર્ણાટકના નેતાઓ પાસેથી કઈ રીતે ઢગલો રૂપિયા અપાયા છે તેની વાતો છે. અનંત કુમારની તેમાં સીધી કોઈ સંડોવણી નથી ને આ એક કેસને બાદ કરો તો અનંત કુમાર સામે બીજા કોઈ કેસ પણ નથી. આ વાત બહુ મોટી છે ને છેલ્લા બે દાયકામાં ભાજપનું જે રીતે કોંગ્રેસીકરણ થયું ને ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો એ સંદર્ભમાં બહુ મોટી છે.
અનંત કુમાર ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની પેદાશ હતા. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ધોળકું ધોળ્યું ને આખા દેશમાં ગણીને બે બેઠકો જીતી પછી ભાજપે સંઘમ્‌ શરણમ્‌ ગચ્છામિ કરવું પડેલું. ભાજપે સંઘ ને તેનાં બીજાં સંગઠનોમાંથી સ્વયંસેવકો ને કાર્યકરોને આયાત કરીને ભાજપના સંગઠનને મજબૂત કરવા માટે જોતરવા પડેલા. નરેન્દ્ર મોદી, ગોવિંદાચાર્ય, બાંગારૂ લક્ષ્મણ, વેંકૈયા નાયડુ સહિતના પછીથી ભાજપમાં મોટા બનેલા નેતાઓ એ રીતે જ રાજકારણમાં આવ્યા. સંઘ અને તેનાં સંગઠનોના નેટવર્કનો ઉપયોગ તેમણે ભાજપને મજબૂત કરવા કર્યો ને સાવ પતી ગયેલા ભાજપને ફરી બેઠો થવામાં મોટું યોગદાન આપ્યું.
આ પરંપરા પછી પણ જળવાઈ ને સંઘ, એબીવીપી, વિશ્ર્‌વ હિન્દુ પરિષદ સહિતનાં સંગઠનોમાંથી મજબૂત લાગે ને ખાસ તો ભાજપના નેતાઓને ગમી જાય તેવા યુવા કાર્યકરો આવતા રહ્યા. અનંત કુમાર પર કર્ણાટક ભાજપના ધુરંધર નેતા યેદુરપ્પાને હેત આવી ગયેલું એટલે એ તેમને એબીવીપીમાંથી ભાજપમાં લઈ આવેલા. આ રીતે સંઘ કે તેનાં સંગઠનોમાંથી આવેલા કાર્યકરો ચોખ્ખા માણસો છે તેવી પહેલાં છાપ હતી પણ ધીરે ધીરે તેમનાં લખ્ખણ બહાર આવતાં ગયાં તેમ તેમ લોકોને ખબર પડતી ગઈ કે આ બધા પણ વખાણવા જેવા નથી. એ લોકો રાજકારણમાં નહોતા ત્યારે કદાચ ચોખ્ખા હશે પણ જેવા રાજકારણમાં આવ્યા કે વટલાઈ ગયા.
સંઘ ને તેનાં સંગઠનોમાંથી આવેલા મોટા ભાગના કાર્યકરોને આ વાત લાગુ પડે છે. ગોવિંદાચાર્ય જેવા ઉમા ભારતી સાથેના પ્રેમપ્રકરણના કારણે વગોવાયા તો બાંગારુ લક્ષ્મણ તહલકાના સ્ટિંગ ઓપરેશનમાં સંરક્ષણ સોદાની દલાલી કરવા માટે એક લાખ રૂપિયા લેવા જતાં રંગેહાથ પકડાયા. વેંકૈયા નાયડુએ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે પોતાના પરિવારને કોન્ટ્રાક્ટ્‌સ અપાવીને મોટી મલાઈ ખાધી હોવાના આક્ષેપ થયા જ છે. નરેન્દ્ર મોદી સામે પણ ગુજરાતમાં ઉદ્યોગપતિઓને લહાણી કરવાના ને હવે રાફેલ સોદામાં અનિલ અંબાણીને ખટાવવાના આક્ષેપ થયા જ છે. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવાં ઘણાં ઉદાહરણ આપી શકાય. આ પૈકી કેટલાકે અંગત ફાયદા માટે બધા ખેલ કર્યા તો કેટલાકે સત્તા માટે ખેલ કર્યા પણ સરવાળે વાત એની એ જ છે.
અનંત કુમાર જેની આંગળી પકડીને આગળ આવેલા એ યેદુરપ્પા તો બધાંના બાપ સાબિત થયા ને તેમણે તો કોઈ લીલા કરવાની બાકી ના રાખી. યેદુરપ્પા પોતે પરણેલા છે, છોકરા-છોકરીઓ ને જમાઈઓનો લાંબોપહોળો વસ્તાર લઈને બેઠેલા છે. તેમની ઉંમર અત્યારે ઘરે બેસીને માળા જપવાની છે. માળા ના જપે તો લોકોનું ભલું કરવામાં ધ્યાન આપવાની છે પણ એ બધું કરવાના બદલે એ રાજકારણમાં રચ્યાંપચ્યા છે અને એ સિવાય ભ્રષ્ટાચાર પણ બેફામ કર્યો ને તેમની પાસે એટલી સંપત્તિ જમા કરી છે કે, સાત પેઢી લખલૂટ ખર્ચ કરે તો પણ ખૂટે નહીં. બેલ્લારીના ખાણમાફિયાઓ રેડ્ડી બંધુઓ જેવાને પંપાળીને તેમણે બહુ જાડો રૂપિયો ભેગો કર્યો.
અનંત કુમાર આ બધી મોહમાયામાં પડ્યા નહીં ને તેમની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ સુધ્ધાં નથી થયો. ભાજપે ૧૯૯૮માં પહેલી વાર સરકાર રચી એ વખતે તેમની સરકાર છ વર્ષ ટકેલી. અનંત કુમાર એ વખતે પણ પ્રધાન હતા ને વાજપેયી સરકારમાં સૌથી યુવા પ્રધાન હતા. એ વખતે વાજપેયીના જમાઈ રંજન ભટ્ટાચાર્ય, પ્રમોદ મહાજન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા ને કેબિનેટ સેક્રેટરી સિંહની ચંડાળ ચોકડીએ ઠગ્સ ઓફ હિંદોસ્તાનની સ્ટાઈલમાં રીતસરની લૂંટફાટ જ માંડેલી. એ વખતે પણ અનંત કુમાર આ બધાથી અલિપ્ત હતા ને અત્યારે સાડા ચાર વરસથી કેન્દ્રમાં પોતાની સરકાર છે ત્યારે પણ અલિપ્ત જ રહ્યા. ભારતના રાજકારણમાં તેમના જેવા માણસો નથી એવું નથી પણ બહુ ઓછા છે. અનંત કુમાર એ રીતે લુપ્ત થતી પ્રજાતિના માણસ હતા ને એવો એક માણસ ઓછો થયો તેનું દુઃખ થાય.
અનંત કુમારે ભાજપ માટે જે યોગદાન આપ્યું એ તો બહુ મોટું છે. એક સમયે ભાજપ ઉત્તર ને પશ્રિ્‌ચમ ભારતનો પક્ષ ગણાતો. ભાજપ સહ્યાદ્રિને પેલે પાર એટલે કે દક્ષિણ ભારતમાં કદી નહીં પગ જમાવી શકે તેવું કહેવાતા રાજકીય પંડિતો છાતી ઠોકીને કહેતા. એ વખતે કર્ણાટકમાં ભાજપને જોરાવર કરવા માટે યેદુરપ્પાએ કમર કસી ને તેમણે પોતાના મિશનને પાર પાડવા માટે પોતાના રાઈટ હેન્ડ માણસ તરીકે અનંત કુમાર પર કળશ ઢોળેલો. યેદુરપ્પાએ અનંત કુમારને ૧૯૯૨માં પ્રદેશ ભાજપ મહામંત્રી બનાવેલા ને ભાજપને જિતાડવાની જવાબદારી સોંપેલી. ૧૯૮૯ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગણીને ૪ બેઠકો જીતેલી એ જોતાં ભાજપ કશું ઉકાળી શકે તેવી આશા કોઈને નહોતી પણ અનંત કુમાર મચી પડ્યા.
કર્ણાટકના શહેરી વિસ્તારોને તેમણે ટાર્ગેટ કર્યા ને ત્યાં હિન્દુત્વની એવી લહેર ઊભી કરી કે ભાજપ ૪ પરથી ૪૪ બેઠકો પર પહોંચી ગયો ને મુખ્ય વિરોધપક્ષ બન્યો. પછીનાં વરસોમાં ભાજપે કર્ણાટકમાં સરકાર રચીને સહ્યાદ્રિને પેલે પાર નહીં જઈ શકે તેવું મહેણું ભાંગ્યું તેના મૂળમાં અનંત કુમારની મહેનત હતી. ઘણાંના મતે એ વખતે ભાજપે યેદુરપ્પાને બદલે અનંત કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો કદાચ હજુ કર્ણાટકમાં ભાજપની સરકાર હોત.
ખેર, જે થયું તે પણ અનંત કુમાર યાદ રાખવા જેવા માણસ હતા તેમાં બેમત નથી.(જી.એન.એસ)

Related posts

સ્ટીફન હોકિંગે વ્હીલચેર બેઠાબેઠા જ બ્રહ્માંડનાં રહસ્યો સુલઝાવ્યા….

aapnugujarat

चलिये, मानसूनी मौसम में “ममता चाय” की चुस्कियां लेते है, आमार बंग्ला..!

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1