Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ૫૦ વોલ્વો બસનું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આ સરકાર પ્રજાજનોને ગુડ ગર્વનન્સની સુવિધાઓ સેવાઓ આપનારી જનહિતકારી સરકાર છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, સરકારના માર્ગ વાહનવ્યવહાર, આરોગ્ય, શિક્ષણ સહિતના બધા જ વિભાગોમાં નાગરિકો-જરૂરતમંદ ગરીબોને શ્રેષ્ઠત્તમ સુવિધા સગવડ મળે તેવો ધ્યેય સરકારનો રહ્યો છે અને રહેવાનો છે. મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા પ્રજા-મુસાફરોની સહુલિયત માટે સેવામાં મૂકાયેલી પ૦ વોલ્વો બસ સર્વિસનો પ્રસ્થાન સંકેત આપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે લગ્નપ્રસંગે રાહત દરે ફાળવવાની થતી વિશિષ્ટ બસ સેવાઓ પણ લોકાર્પિત કરી હતી. નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને અગ્રગણ્યોની ઉપસ્થિતીમાં આયોજીત આ સમારોહમાં રૂપાણીએ કહ્યુ કે, રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી આગામી દિવસોમાં જોડવા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ સરકાર સંવેદનશીલતાથી ગરીબ, વંચિત, જરૂરતમંદ પરિવારોની પડખે સદાય ઊભી રહેનારી સરકાર છે. આવા ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ રૂ. ૧ર૦૦થી ૩૦૦૦ સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડી ખાનગી વાહનોમાં થતા કવેળાના અકસ્માતથી ખૂશીનો અવસર શોક-માતમમાં ન ફેરવાઇ જાય તેવી સંપૂર્ણ સંવેદનાથી કાળજી સરકાર રાખે છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે એમ પણ જણાવ્યું કે, સુવિધાઓ-સગવડતાઓ માત્ર પૈસા વાળા વર્ગો માટે જ નહિ, પરંતુ ગરીબમાં ગરીબ માનવીને પણ તેનો લાભ મળે તેવી આપણી નેમ છે.

રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ અદ્યતન ટેકનોલોજી, બસોમાં GPS સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સીધા જોડાણથી રિયલ ટાઇમ મોનીટરીંગ અને સમયપાલનમાં દેશમાં અગ્રેસર રહ્યું છે તેનો આનંદ વ્યકત કરતાં નિગમના કર્મીઓની કાર્યશીલતાને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રજાની સેવામાં મૂકાયેલી પ૦ વોલ્વો બસ LED ટીવી, વાઇફાઇ ડીવાઇસીસ, પ્રત્યેક સીટ પર મોબાઇલ-લેપટોપ ચાર્જીંગ પ્લગ સહિતની સુવિધાઓ ધરાવે છે. લગ્નપ્રસંગે રાહતદરે ફાળવવાની થતી વિશિષ્ટ બસ રાજ્યના તમામ ૧રપ એસ.ટી. ડેપો પર ફાળવણી કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું હતુ કે રાજયનાં ૨૫ લાખ જેટલા મુસાફરો એસ.ટી. બસ સેવાનો લાભ લે છે. પ્રવાસીઓની જરૂરિયાત પ્રમાણે આધુનિક સુવિધાઓથી સજ્જ વોલ્વો બસની સેવાનો વ્યાપ વધે અને મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે રાજયના એસ.ટી. ડેપોની સુવિધાઓ વધારી છે. નરોડા ખાતેના વર્કશોપનું આધુનિકરણ કરીને એસ.ટી. બસની બોડી બનાવવાનું કામ નિગમે હાથ ધર્યુ છે. વડીલો-વૃદ્ધોની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખી રાહત દરે યાત્રાએ જવા માટે પણ બસ સુવિધાઓ રાજય સરકારે અમલી બનાવી છે. રાજયના તમામ એસ.ટી. ડેપોને તબક્કાવાર અપગ્રેડ કરીને મુસાફરો માટે આધુનિક સુવિધાવાળા બનાવ્યા છે.

વાહન વ્યવહાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતુ કે આજના સ્પર્ધાત્મક યુગમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વોલ્વો બસમાં એ.સી., એલ.સી.ડી., સી.સી. ટીવી, સુવિધા મુસાફરોને મળશે. લગ્ન પ્રસંગે રાહત દરે ફાળવવાની વિશિષ્ટ બસો પણ રાજયની પ્રજા માટે સેવામાં મુકી છે. રાજયના ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારને એસ.ટી. સુવિધાથી આવરી લીધી છે.

એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક સોનલ મિશ્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રવિણભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર સહિત એસ.ટી. નિગમનાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં

Related posts

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ કરસનપુર ગામની લીધેલી મુલાકાત

aapnugujarat

રાજય સરકાર પેટ્રોલ-ડિઝલ પરનો ટેક્ષ ઘટાડી પ્રજાને રાહત આપશે : નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

અમદાવાદ એરપોર્ટ પરથી 107 કિલો સોનું પકડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1