Aapnu Gujarat
ગુજરાત

કચ્છના પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામોની જાહેરાત કરતાં મુખ્યમંત્રી

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કચ્છની એક દિવસની મૂલાકાત લઇ અછતની પરિસ્થિતિની સમીક્ષા બેઠક બાદ સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને આગામી ૧લી ઓકટો.થી અમલવારી કરવાની જાહેરાત કરી હતી તેમજ રાજયના અન્ય તાલુકાઓમાં કચ્છ સહિત ૧૨૫ મી.મી. થી ઓછો વરસાદ થયો છે ત્યાં ૧લી ઓકટોબરથી અછતની અમલવારી કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ગૌશાળા-પાંજરાપોળો બધાને ધારાધોરણ અનુસાર સબસીડી અને યુધ્ધના ધોરણે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ખોલવાની કામગીરી હાથ ધરાશે તેવું આ તકે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામો કરાશે તેવી જાહેરાત કરીને ટપ્પર ડેમમાં વધારે પાણી આપવા તેમજ અછત સમિતિની જાહેરાત જિલ્લા કલેકટર કરીને સ્થાનિક નિર્ણયો લેવાશે તેવો નિર્દેશ આપ્યો હતો. તેમણે વિશ્વમાં વસતા કચ્છીજનો હંમેશા કચ્છની વહારે આવ્યાં છે, તેમ જણાવી માનવીય પુરૂષાર્થ સાથે કચ્છને ટ્રેન મારફતે ઘાસચારો પૂરો પડાશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર કચ્છને ધ્યાનમાં રાખીને સમગ્ર કચ્છમાં અછતરાહતના કામો હાથ ધરાશે તેમ જણાવી જે જિલ્લા અને તાલુકામાં ઓછો વરસાદ થયો છે, તેની ચિંતા રાજય સરકાર કરશે તેવી ધરપત આપી હતી.
કચ્છની આજે એક દિવસની મૂલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાત મૂલાકાત લઇ કચ્છમાં ઉદ્દભવેલી સંભવિત અછતની સ્થિતિની સમીક્ષા અર્થે આજે ભુજમાં કલેકટર કચેરીના હોલમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને રાજયના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી વિચાર-વિમર્શ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી સરકાર કચ્છની વર્તમાન દરેક ચિંતામાં ભાગીદાર બનશે તેમ જણાવી આ આફતને અવસરમાં પલટીને પાર પાડી જવાનો મકકમ નિર્ધાર વ્યકત કર્યો હતો.
આ બેઠકમાં રાજયના ચીફ સેક્રેટરી જે.એન.સીંઘ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાશનાથન તેમજ જિલ્લાના પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ પણ ઉપસ્થિત રહી જિલ્લાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું.
રાજયમંત્રી વાસણભાઈ આહિરે આ તકે જણાવ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ સંભવિત અછતની સ્થિતિ જોઇને જૂલાઇ માસથી ઘાસ આપવાનું ચાલુ કરી દીધું હતુ. વધુમાં તેમણે હવે મુખ્યમંત્રી રૂપાણી કચ્છની જાત મૂલાકાત લેવા આવ્યાં છે ત્યારે સરકાર કચ્છની સ્થિતિથી સુપરે ચિંતિંત હોવાનું જણાવી અછતની કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળાશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છની પરિસ્થિતિનો ચિતાર આપી મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, કચ્છમાં હવે એકસામટો ઘાસનો જથ્થો ઉતારવો જોઇએ તે માટે ટ્રેન મારફતે કચ્છમાં ઘાસનો સ્ટોક જમા થાય તેવી લાગણી વ્યકત કરી હતી. આ ઉપરાંત તેમણે મોટા ધંધાર્થીઓના સ્થાને નાના પરિવારોને કોલસા બનાવવા વન વિભાગની મંજૂરી આપવા પણ જણાવ્યું હતું.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કચ્છમાં ઘાસચારાની પરિસ્થિતિ સાથે પશુઓના સ્થળાંતરમાં સરકાર મદદરૂપ થાય અને રસ્તામાં ઘાસ-પાણી અને માંદા અને નબળા પશુઓ માટે સારાં વરસાદ થયેલા સ્થળેથી ઘાસ માટે ટ્રાન્સપોર્ટ સહિતની વ્યવસ્થા થાય તેવી મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી હતી. બન્ની-પચ્છમમાં પશુની સંખ્યા વધુ હોવાનું જણાવી તેમણે ઘાસ ઉપરાંત પાણીની સ્થિતિ સારી ન હોવાનું જણાવી ભુજ શહેરની પણ પાણીની સ્થિતિ પણ સુધારવાની જરૂરિયાત દર્શાવી ટપ્પર ડેમને ફરીને પૂરો ભરી આપવા મુખ્યમંત્રીશ્રીને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે પરિસ્થિતિના સુધાર માટે સંકલન પર ભાર મૂકયો હતો.
માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સમક્ષ અમુક તાલુકામાં વરસાદની સ્થિતિ છુટ-પુટ રહી હોવાનું જણાવી ઘાસચારા સહિતની વ્યવસ્થા થવા લાગણી વ્યકત કરી હતી.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કચ્છમાં જે વિસ્તારમાં પાણીની સ્થિતિ સારી છે અને નર્મદાના નીર મળી શકે તેમ છે ત્યાં બાજરો-મકાઇ ઉગાડતા ખેડૂતો પાસે લીલાચારની ઘટ પૂરવા વાવણી કરાવી ખરીદી કરવામાં આવે તો પશુપાલકોને લીલાચારાની ઉપલબ્ધી વધે તેમ હોવાનું જણાવ્યું હતું.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છમાં ખાસ કિસ્સામાં ઘાસ વિતરણ અંગેની વિગતો આપીને ઔદ્યોગિક ગૃહો અને ટ્રાન્સપોર્ટેશન દ્વારા કચ્છમાં ઘાસચારો સીએસઆર વધારવા સૂચના અપાઇ હોવા સાથે સમગ્ર કચ્છની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરી હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે સરહદી વિસ્તારમાં પશુપાલકોને ચેરિયા અને ઘાસ માટે સ્થાનિકે તંત્ર સાથે યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી.
આ ઉપરાંત ડીઆરડીએ, ખેતીવાડી, સિંચાઇ, બાગાયત, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશન માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને હાલની પરિસ્થિતિમાં કરાઇ રહેલી કામગીરી વિશેની કચ્છનું ચિત્ર રજૂ કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ કચ્છમાં નરેગા યોજના અંતર્ગત હાલમાં અપાતી માનવદિન રોજગારીની વિગતો આપી હતી.
કચ્છની ધાર્મિક સંસ્થાઓ અને ગૌશાળા-પાંજરાપોળના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ઘાસની માંગ વધુ હોવા સાથે પાંજરાપોળ-ગૌશાળામાં વધતી જતી સંખ્યાની ચિંતા જણાવી તેઓને સ્થળાંતર પણ કરાવી ન શકાય તેવી રજૂઆત કરી તાત્કાલિક પશુઓને પૌષ્ટિક આહાર આપી શકાય તે માટે સબસીડીની માંગ કરી હતી.

Related posts

ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને વીરમાયાના કેલેન્ડર વહેંચાયા

aapnugujarat

बारिश के बीच राज्य के कई हिस्सों में तापमान कम हुआ

aapnugujarat

मुख्यमंत्री द्वारा १०८ सेवा की मोबाइल एप का लॉन्चिंग किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1