Aapnu Gujarat
ગુજરાત

રાજય સરકાર પેટ્રોલ-ડિઝલ પરનો ટેક્ષ ઘટાડી પ્રજાને રાહત આપશે : નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ

મધ્‍ય ગુજરાત ઝોનમાં સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદથી પ્રારંભ થયેલ ગુજરાત ગૌરવયાત્રાના પાંચમા દિવસે વડોદરા જિલ્‍લાના સાવલીમાં આવી પહોંચતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ગૌરવયાત્રા આણંદ જિલ્‍લામાં પ્રવેશતા પોઇચા બ્રીજ પાસે ખાણ-ખનીજ રાજય મંત્રીશ્રી રોહિતભાઇ પટેલ, સાંસદશ્રી દિલીપભાઇ પટેલ, શ્રી લાલસિંહ વડોદરીયા તથા પદાધિકારીઓએ આવકાર કર્યો હતો.

ગૌરવયાત્રાનું માર્ગમાં અહિમા, શીલી, ઓડ તથા ઉમરેઠ ખાતે પરંપરાગત ઢોલ-નગારા તથા ભૂંગળથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

હું છું વિકાસ, હું છું ગુજરાતના નારા સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના બે દાયકાના શાસનમાં થયેલા પ્રજાકલ્‍યાણ તથા વિકાસ કામોની માહિતી જન-જન સુધી પહોંચાડવા નીકળેલી ગુજરાત ગૌરવયાત્રાને મધ્‍ય ગુજરાત ઝોનમાં અભૂતપૂર્વ લોકઆવકાર અને પ્રતિસાદ સાંપડી રહયો છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર સભાને સંબોધતા જણાવ્‍યું કે આઝાદી પહેલાથી ગુજરાતે સમગ્ર દેશને ગૌરવ અપાવ્‍યું છે. ગુજરાતના ગૌરવ સાથે ગુજરાતનો વિકાસ સમગ્ર વિશ્વમાં ઝળહળતો થયો છે. પરંતુ ઇટાલીયન ચશ્મા પહેરેલ કોંગ્રેસને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. ગુજરાતનો વિકાસ ઝંઝાવતી-વેગીલો અને જોશીલો બન્‍યો છે. જે કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી જડમૂડમાંથી ઉખેડી નાંખશે તેમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ કોંગ્રેસની આકરી ટીકા કરતાં જણાવ્‍યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ગુજરાતના વિકાસની મજાક ઉડાવી સાડા છ કરોડ ગુજરાતીઓની મજાક કરી છે. જેનો ગુજરાતની શાણી જનતા આગામી ચૂંટણીમાં જવાબ આપશે. કોંગ્રેસ માટે ગુજરાતનો વિકાસ મજાક છે. જયારે ભાજપાએ વિકાસને મિજાજ તરીકે લઇ ગુજરાતને વિકાસની વૈશ્વિક ઉંચાઇએ પહોંચાડયો છે.

કોંગ્રેસે માત્રને માત્ર વોટબેંકની રાજનીતિ કરી દેશમાં ગરીબી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચાર વધાર્યો હતો તેમ જણાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કેન્‍દ્રમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વડપણ હેઠળની સરકાર સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે દેશના વિકાસ માટે આગળ વધી રહી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં માથાદીઠ આવક માત્ર રૂા.૧૩ હજાર હતી જે આજે વધીને રૂા.૧.૪૦ લાખ પર પહોંચી છે. કપાસનું ઉત્‍પાદન માત્ર ૧૫ લાખ ગાંસડી હતું. ભાજપાના ૨૨ વર્ષના શાસનમાં કપાસનું ઉત્‍પાદન વધીને ૯૫ લાખ ગાંસડીએ પહોંચ્‍યું છે. ઔદ્યોગિક ઉત્‍પાદન રૂા.૮૦ હજાર કરોડથી વધીને રૂા.૧૨.૫૦ લાખ કરોડે પહોંચ્‍યું છે. ગુજરાતની આયાત નિકાસ કોંગ્રેસના શાસનમાં માત્ર ૩૦૦ ટન હતું. જે ભાજપા શાસનમાં ૩૪૦૦ લાખ ટને પહોંચ્‍યુ છે.

કોંગ્રેસ શાસનમાં માત્ર સાત યુનિર્વસિટી હતી. આજે ૫૭ યુનિર્વસિટી છે. જયારે મેડીકલની બેઠકો માત્ર ૮૦૦ હતી. જે વધીને ભાજપાના શાસનમાં ૩૪૦૦ એ પહોંચી છે. રાજયમાં નવી સાત મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવી હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાં ફેલાવીને ગુજરાત સહિત સાડા છ કરોડ ગુજરાતીઓને બદનામ કરી રહી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજય સરકારે લાભપાંચમથી રૂા.૯૦૦ના ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદશે. એટલું જ નહીં જો કપાસના ભાવ નીચા જશે તો ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી કપાસ ખરીદવામાં આવશે. દિવાળી સુધી ખેડૂતોને પાક બચાવવા માટે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે મધ્‍ય ઝોનમાં ગુજરાત ગૌરવયાત્રાને લાખો નાગરિકોનું જન સમર્થન મળ્યું છે. જે બતાવે છે કે ગુજરાતના નાગરિકોએ ભાજપા સરકારમાં વિશ્વાસ મૂકયો છે. સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રીએ છેલ્‍લા એક વર્ષમાં પ્રજાહિતના ૪૭૫ જેટલા નિર્ણયો લીધા છે.

શ્રી નીતિનભાઇ પટેલે કેન્‍દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ પેટ્રોલ/ડિઝલ  પરનો ટેક્ષ ઘટાડી લોકોને રાહત આપશે. એવો સંકેત આપ્‍યો હતો.

આ અવસરે યાત્રાના કન્‍વીનર શ્રી ગોરધનભાઇ ઝડફિયા, પક્ષના વરિષ્‍ઠ નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો સહિત વિશાળ સંખ્‍યામાં જનસમુદાય હાજર રહયો હતો.

Related posts

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું સરેરાશ 64.22 ટકા પરિણામ જાહેર

aapnugujarat

जीएसटी के विरोध में आज शहर के हीराबाजार में हड़ताल

aapnugujarat

અમદાવાદમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારી અંતિમ તબક્કામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1