Aapnu Gujarat
બ્લોગ

ભાજપની બે બેઠકથી માંડીને બહુમતિની સફર

ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના ૧૯૫૧-૫૨માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ભારતીય જનસંઘની સ્થાપના કોંગ્રેસ સાથેની કેટલીક વૈચારીક અસહમતિઓ સંદર્ભે ભારતીય રાજકારણમાં જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી હતી.ભારતીય જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમાં બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને અડવાણી સહીતના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ પાર્ટીમાં ઉતારવામાં આવ્યા હતા. તેથી સ્વાભાવિક છે કે ભારતીય જનસંઘ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ ઘણો મોટો હતો.ભારતીય જનસંઘની સ્થાપના સમયે આઝાદી સમયે વિભાજનની વેદના પણ સમાજમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. વિભાજન માટે કોંગ્રેસની કેટલીક નીતિઓને અને રાજકારણને જવાબદાર માનનાર ઘણો મોટો વર્ગ હતો. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ ન હતી. તેથી ભારતીય જનસંઘ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે મેદાનમાં આવ્યો હતો. જો કે તેના સંસ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીનું ૧૯૫૩માં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન જમ્મુ-કાશ્મીરની જેલમાં વિવાદાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. જેને કારણે ભારતીય જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફટકો પડયો હતો. પરંતુ ત્યાર બાદ જનસંઘની બાગડોર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દીનદયાળ ઉપાધ્યાયના હાથમાં આવી હતી.પોતાની સ્થાપનાના પહેલા દશકમાં ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘે જમ્મુ-કાશ્મીરના ભારતમાં અર્થપૂર્ણ જોડાણ, ગૌહત્યા પ્રતિબંધ, ક્ષેત્રીય અખંડતા, હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત રહ્યુ હતું. આ સિવાય જમીનદારી અને જાગીરદારી વિરુદ્ધ આ પાર્ટીએ વિરોધનું બ્યૂગલ વગાડયું હતું. પરમિટ લાઈસન્સ રાજ વિરુદ્ધ પણ આ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો હતો. ભારત પરમાણુ શક્તિ બને તેના પક્ષમાં પણ ભારતીય જનસંઘ તેની શરૂઆતના ગાળાથી જ હતો.આ મુદ્દાઓને કારણે જનતામાં ભારતીય જનસંઘની લોકપ્રિયતા વધવા લાગી હતી. જેના કારણે ૧૯૬૭માં કોંગ્રેસને સત્તા પરથી હટવું પડયું. પંજાબથી લઈને બંગાળ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ વિરોધી સરકાર અને અમૃતસરથી લઈને કોલકત્તા સુધી કોંગ્રેસનું ક્યાંય નામોનિશાન ન હતું.પંડીત દીનદયાળ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કાલીકટમાં અભૂતપૂર્વ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અહીં રાષ્ટ્રીય ભાષા નીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ભારતીય ભાષાઓનો સમાદર કરતા, દેશમાં રાજભાષાની ગંગા વહેવડાવામાં આવશે.પરંતુ આ ઐતિહાસિક સંમેલન બાદ પં. દીનદયાળ ઉપાધ્યાયની કેટલાંક દિવસોમાં હત્યા કરી દેવામાં આવી અને તેમની લાશ મુગલસરાય રેલવે સ્ટેશન પર પડેલી મળી હતી. ભારતીય જનસંઘને દીનદયાળ ઉપાધ્યાયની હત્યાથી ઘણો મોટો ફટકો પડયો હતો. તે વખતે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી પરંતુ જે પ્રકારની તપાસ કરવામાં આવી તે રાજકારણથી પ્રેરીત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.ત્યાર બાદ જનસંઘમાં બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના રાજકીય દંગલમાં મધોકને જનસંઘ છોડવું પડયું. અટલ બિહારી વાજપેયીના હાથમાં ભારતીય જનસંઘની બાગડોર આવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશના મુક્તિ આંદોલન માટે આ પક્ષે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.જનસંઘે જેપી આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. કટોકટી વખતે પણ જનસંઘી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડો કરવામાં આવી હતી. જનસંઘના કટોકટી સામેના પ્રયત્નોને દેશભરમાં ઘણી પ્રશંસા મળી હતી. ૧૯૭૭માં ઈન્દિરા ગાંધીની સરકારના પતન બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘ પણ જોડાયું હતું. તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી અને એલ. કે. અડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા. જો કે આ સરકાર ૩૦ માસના ટૂંકાગાળામાં આંતરીક ડખાને કારણે પડી ગઈ હતી.પરંતુ આ સમયગાળામાં જનસંઘની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સદસ્યતાના મુદ્દે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ ચૌધરી ચરણસિંહની ટૂંકાગાળાની સરકારના પણ ઘર ભેગા થયા બાદ જનતા પાર્ટીનું વિખંડન થયું અને ૧૯૮૦ની ૬ એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવલામાં આવી.ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેને પાર્ટી વિથ ધ ડિફરન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો. તેની સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગાંધીયન સોશ્યાલિજમની વિચારધારા હેઠળ ૧૯૮૪માં ચૂંટણીમાં ઉતરી. પરંતુ ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ કોંગ્રેસને સિમ્પથી વોટ મળ્યા અને ત્રણ ચતુર્થાંસ બહુમતી સાથે રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી વડાપ્રધાન બન્યા. જો કે ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખ વિરોધી રમખાણોનો ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ ૧૯૮૪ની ચૂંટણીમાં ગાંધીયન સોશ્યલિજમ સાથે અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં આખા દેશમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.આ હાર બાદ ભાજપની નેતાગીરીમાં ખૂબ આત્મમંથનનો દોર ચાલ્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની નાબૂદી, સમાન નાગરીક ધારા સહીત રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને આગળ વધારવા માટે સહમતિ બની. રામજન્મભૂમિ આંદોલનમાં વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકામાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ કમાન સંભાળી. જો કે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી રામજન્મભૂમિ આંદોલને એટલી તીવ્રતા પકડી ન હતી. બોફોર્સ કાંડને કારણે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપને કારણે લોકજુવાળ ઉભો થયો હતો. અને વી. પી. સિંહની બગાવતે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં સફળતા મેળવી. ૧૯૮૯માં કેન્દ્રમાં જનતાદળની મોરચા સરકાર સત્તા પર આવી.પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકાર દ્વારા કારસેવકો પર ગોળીબારની ઘટના અને વી. પી. સિંહના વડપણ હેઠળની જનતાદળ મોરચા સરકારને બહારથી ટેકો આપી રહેલા ભાજપના હિંદુત્વના કાર્ડના તોડ માટે મંડલની રાજનીતિ શરૂ કરવામાં આવી. અનામતની રાજનીતિને આગળ વધતી રોકવા માટે ભાજપને તે વખતે નિર્ણય લેવો જરૂરી હતો. જો મંડલ રાજનીતિને આગળ વધારવામાં તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સફળ થઈ જાત તો કદાચ ભાજપ માટે હિંદુત્વના કાર્ડ હેઠળ રામજન્મભૂમિ મુદ્દાને આગળ વધારવો અઘરો પડે તેમ હતું.આથી અડવાણીએ આરએસએસ અને વીએચપીની સહમતિથી રામરથ યાત્રાની જાહેરાત કરી અને બિહારમાં સમસ્તીપુર ખાતે ધરપકડ વ્હોરી. ત્યાર બાદ વી. પી. સિંહની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચતા તેને ઘર ભેગા થવું પડયું હતું.
રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રિમ ભૂમિકાને કારણે અને અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનને પરિણામો ભાજપે ૧૯૮૯માં ૮૯ બેઠકો પર જીત મેળવી અને ૧૯૯૧માં અયોધ્યા મુદ્દાના પરિણામે ૧૧૯ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.૧૯૯૬માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી અને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જો કે આ સરકાર બહુમતી સાબિત ન કરી શકતા ૧૩ દિવસ જ ચાલી હતી. ત્યાર બાદ ૧૯૯૮માં ભાજપ ૧૩ માસ માટે ગઠબંધનથી સત્તામાં આવી. પરંતુ જયલલિતા દ્વારા ટેકો પાછો ખેંચાતા, ગૃહમાં મતદાન વખતે એક વોટથી વાજપેયી સરકાર બહુમત હારી ગઈ.૧૯૯૯માં એનડીએ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે પાંચ વર્ષ શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી. અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જો કે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની નાબૂદી અને સમાન નાગરીક ધારા જેવાં ત્રણ તેની વૈચારિક ધરાતલ સાથે સંકળાયેલા મુદ્દાને બહાર રાખ્યા.જેના કારણે વીએચપી અને આરએસએસમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી હતી. જો કે લોકોને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલું રાજકીય સમાધાન ગમ્યુ ન હતું. તેનો જવાબ જનતાએ ૨૦૦૪ની ચૂંટણીમાં આપ્યો. ૨૦૦૪માં ભાજપ હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સિવાય ફીલ ગુડ સાથે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન હેઠળ અટલ બિહારી વાજપેયી અને વિકાસના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી. પરંતુ જનતાએ ૨૦૦૪માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ ૨૦૦૯માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં.જેના પરિણામો ભાજપમાં બેક ટુ ધ બેસિક્સની ચર્ચા ફરીથી શરૂ થઈ. પરંતુ લોકોમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પરથી વિશ્વાસ તદ્દન હટી ગયો હોય તેવી ઘટનાઓ એક પછી એક બનવા લાગી. લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી અને કાળા ધનના મુદ્દે અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે શરૂઆતમાં ઉભા રહેવાનું પસંદ કર્યું પણ ભાજપને ટેકો આપ્યો નહીં. તો મોંઘવારી જેવા મુદ્દાને પણ ભાજપ સારી રીતે ઉઠાવી શક્યું નહીં. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદની અડવાણીની ભારત સુરક્ષા યાત્રા પણ નિષ્ફળ ગઈ.૨૦૧૪ની સામાન્ય
ચૂંટણીઓમાં ‘એનડીએ’ને ગુજરાતમાં લાંબા સમય સુધી રહેલા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીત મળી અને ૨૦૧૪માં સરકાર બનાવી.અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
જોકે જનતાએ ૨૦૦૪માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ ૨૦૦૯માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં. જોકે, ૨૦૧૪નું વર્ષ ભાજપ માટે શુકનીયાળ સાબિત થયુ. વિકાસનો એજન્ડા અને વિકાસ પુરુષ તરીકે નરેન્દ્ર મોદીના ફોટોફેસ પર લોકસભાની ચૂંટણી લડવામાં આવી. જેમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી ગયું છે. કેન્દ્રમાં એનડીએની પૂર્ણ બહુમત વાળી સરકાર રચાયા બાદ જાણે ભાજપનું નસીબ ખુલી ગયુ હોય તેમ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં સત્તા પર સવાર થયા. તો વળી, જમ્મુ કાશ્મીરમાં પણ પીડીપીને ટેકો આપ્યો છે.૧૯૯૫માં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો વધારે નોંધપાત્ર હતા. આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈમાં ભાજપને માત્ર ૩ બેઠક મળી હતી. પરંતુ કર્ણાટકમાં ભાજપને ૪૦ બેઠકો મળી હતી જેથી કોંગ્રેસ ત્રીજા સ્થાને જતી રહી હતી. ગોવામાં ભાજપને ૬૦ બેઠકોના ગૃહમાં પ્રથમ વખત ૪ બેઠકો મળી હતી. ઓરિસ્સામાં ભાજપે તેની શક્તિ ૩ બેઠકથી ત્રણ ગણી વધારીને ૧૦ બેઠક કરી. બિહારમાં ભાજપે કોંગ્રેસને ત્રીજા સ્થાને ધકેલી અને સત્તાવાર વિપક્ષ તરીકે ઉપસી આવ્યો. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપે ગઠબંધન સરકારની રચના કરી છે. ગુજરાતમાં ભાજપને બે તૃતિયાંશ બહુમતી મળી છે. આ પ્રકારના ટ્રેન્ડના કારણે ભાજપના વિરોધીઓ પણ એ સ્વીકારતા થયા છે કે ભાજપને અટકાવી શકાય તેમ નથી.સામાન્ય માન્યતા એવી છે કે ૧૯૮૯માં જનતા દળ સાથે બેઠકોની વહેંચણીના કારણે ભાજપને ૮૯ બેઠકો મળી હતી અને ૧૯૯૧માં અયોધ્યા મુદ્દાના કારણે ૧૧૯ બેઠકો મળી હતી. વાસ્તવમાં આ માત્ર પૂરક પરિબળો હતા. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક દેખાવ કર્યો છે જ્યારે કોઇ અન્ય પક્ષ સાથે બેઠકોની વહેંચણી કરવામાં આવી ન હતી અને અયોધ્યા મુદ્દો પણ ઠરી ગયો હતો. તે દર્શાવે છે કે ભાજપ ઉત્કૃષ્ટ સંગઠન, અસરકારક નેતૃત્વ અને દેશપ્રેમી જનલક્ષી નીતિના કારણે આગળ વધી રહ્યો છે.૧૯૯૧માં જ્યારે કોંગ્રેસે બહુમતી ન હોવા છતાં સરકાર રચી ત્યારે ભાજપે એકદમ જવાબદારીપૂર્વક કામ કર્યું હતું અને તેને તેની પસંદગીના સ્પીકર રાખવામાં મદદ કરી હતી અને લોકસભામાં ઉપાધ્યક્ષપદથી સંતોષ માન્યો હતો. લાઈસન્સ-પરમિટ ક્વોટા રાજનો ભાજપે વિરોધ કર્યો હોવાથી તેણે ઉદારીકરણને સૈદ્ધાંતિક ટેકો આપ્યો હતો.
લાંબા સમય પછી ભારતે ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકાને માન્યતા આપી હતી જેની ભાજપ લાંબા સમયથી હિમાયત કરતો હતો. ભાજપે અનામત અંગે પણ દુરંદેશીભર્યું વલણ અપનાવ્યું હતું અને ઓબીસીને આર્થિક માપદંડના આધારે અનામત આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ તેના ચુકાદામાં ક્રિમી લેયરને માન્યતા આપી હતી.ભાજપની રાજ્ય સરકારોએ નવી શિક્ષણ નીતિ અપનાવી છે. તેમાં પરીક્ષામાં નકલ કરવાનો કોગ્નિઝેબલ અપરાધ ગણવામાં આવ્યો છે. તેમણે વહીવટીતંત્રનું વિકેન્દ્રીકરણ કર્યું છે. અંત્યોદય દ્વારા સૌથી ગરીબ લોકોની કાળજી લેવામાં આવે છે. તેમણે ગરીબ ખેડૂતોની લોન માફ કરી છે અને ગુનાઈત તત્વો સામે આકરા પગલાં લઈ તેમને જેલમાં ધકેલ્યા છે.

Related posts

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

બેડ લોન્સના કારણે બેંકો માટે નવું ધીરાણ આપવું મુશ્કેલ

aapnugujarat

પાણીનું યુધ્ધ ટાળી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1