Aapnu Gujarat
બ્લોગ

બેડ લોન્સના કારણે બેંકો માટે નવું ધીરાણ આપવું મુશ્કેલ

બેંકો છેલ્લા કેટલાક મહિનાથી સતત સમાચારમાં છે. એક પછી એક ઉદ્યોગપતિ બેંકોને ચૂનો લગાવીને ભાગી રહ્યા છે, ત્યારે બેંકિંગ સિસ્ટમ વિશે ગંભીર સવાલો ઊભા થયા છે. દરમિયાન સંસદમાં સવાલ પૂછાયો અને સંસદમાં જવાબ આપવાનો હોવાથી સાચો આંકડો અપાયો કે સવા બે લાખ કરોડ રૂપિયાનું ધીરાણ માંડવાળ કરી દેવું પડ્યું છે. બેંક લોન આપે તેના હપ્તા ભરાવાનું બંધ થાય ત્યારે પહેલાં તેને નોન પરફોર્મિંગ એસેટ્‌સ તરીકે ગણવામાં આવે છે. કંપનીનું એવું ધીરાણ જે વળતર આપી રહ્યું નથી. વ્યાજની આવક બંધ થાય ત્યાં સુધી ઠીક છે, પણ દેશી ભાષામાં કહીએ કે મૂળગા ગુમાવાનું આવે ત્યારે બેંકે લોનને માંડવાળ કરવી પડે. લાંબી કાનૂની પ્રક્રીયા પછી, મોર્ગેજ કરાયેલી મિલકતોની હરાજી પછી જે રકમ હાથમાં આવે તે સિવાયની લોન હવે પરત નથી આવવાની, માટે તેને ચોપડે ઉધારી દેવાય છે.કેન્દ્રના નાણાં મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન શિવપ્રતાપ શુક્લે રાજ્યસભામાં આંકડાં આપ્યા તે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હતા. આ આંકડાં પ્રમાણે એપ્રિલ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં દેશની જુદી જુદી બેંકોએ ૨.૪૨ લાખ કરોડની લોનોને રાઇટ ઓફ્ફ કરી દેવાઈ છે.આ આંકડો હજી વધશે, કેમ કે માલ્યા અને નીરવ મોદી અને મેહુલ ચોકસી અને કોઠારી સહિતની ઘણી લોનો હજી માંડવાળ કરાઈ નથી. માલ્યાના બંગલા અને વિમાનો વેચવાની કોશિશ કરાઈ તેમાંથી ઓછી રકમ હાથમાં આવી છે. નીરવ મોદીના શોરૂમમાં અબજોના હીરાઝવેરાત હાથ લાગ્યાનો (લગભગ ૬૫૦૦ કરોડની મિલકતો જપ્ત) કરાયાનો દાવો કરાયો છે. પણ તે સાચો પડે ત્યારે ખરું.સતત વધતી જતી બેડ લોન્સના કારણે બેંકો માટે નવું ધીરાણ આપવું મુશ્કેલ બનવા લાગ્યું હતું. સરકારે ગત બજેટમાં બેન્કોને રીકેપિટલાઇઝલ કરવાની યોજના આપી હતી. બેંકોમાં સરકાર વધારે મૂડી ઠાલવવા માગે છે, જેથી બેંકો થોડું ધીરાણ કરતી રહે અને અર્થતંત્ર ચાલતું રહે. પરંતુ સતત કૌભાંડો બહાર આવવા લાગ્યા તે પછી બેંકના સંચાલકો વધારે જોખમ ન લેવાની વૃત્તિ દાખવવા લાગ્યા છે. જાણકારો કહે છે કે તેના કારણે ધીરાણ પર અસર પડી છે. ધીરાણની વૃદ્ધિ છેલ્લા એક વર્ષમાં અટકી છે.આ જ કારણ છે, જેની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. વિદ્યાર્થીઓને લોન આપવાનું કેટલાક વર્ષોથી શરૂ થયું છે. તેનું આડકતરું કારણ એ છે કે શિક્ષણને, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણને આપણે મોંઘું કરી દીધું છે. એટલું મોઘું કરી દીધું છે કે મધ્યમવર્ગના વાલી પણ પોતાના બાળકને એન્જિનિયરિંગ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજરમેન્ટ ડીગ્રીઓ અપાવી શકે નહીં. આઇઆઇએમ-એમાં ભણીને તેમ બહાર આવો એટલે તમને મહિને લાખોનો પગાર મળે, પણ આઇઆઇએમમાં ભણવાની ફી જ મહિને બે લાખ એવરેજ થઈ ગઈ છે. હોંશિયાર સ્ટુડન્ટ સારી ડીગ્રી મેળવે એટલે તરત તેને જોબની ખાતરી હોય તેવા સંજોગોમાં બેંકો લોન આપશે તેવો સુધારો થોડા વર્ષોથી ભારતીય બેંકિંગમાં કરાયો હતો.બેંકોની બેડ લોન્સ પછી હવે ચિંતા થાય એવા સમાચાર એ છે કે બેંકોએ સ્ટુડન્ટ્‌સને લોન આપવાનું લગભગ બંધ કરી દીધું છે. ગોટાળા કરવા માટે વ્યક્તિએ મોટા થવાની જરૂર નથી. ભ્રષ્ટ થવાનું આપણને પાયામાંથી શીખવા મળતું હોય છે. સ્ટુડન્ટ તરીકે લોન લીધા પછી, નિર્ધારિત સમયે કે જોબ મળી ત્યારથી હપ્તા ભરવાનું શરૂ જ ના કર્યું હોય તેવા કિસ્સા પણ બનવા લાગ્યા હતા.જોકે મુખ્ય કારણ બેંકોની બેડ લોન્સની સ્થિતિ છે. એનપીએ વધે નહીં તે માટે બેંકોએ સ્ટુડન્ટ લોન ઓછી કરી નાખી છે. હોમ લોન અને વેહિકલ લોન અને ઓછી રકમની કન્ઝ્યુમર લોન બેંકો માટે સેફ હોય છે. રકમ નાની હોય છે અને વસૂલ કરવાની શક્યતા રહે છે. પરંતુ બિઝનેસ માટે આપેલી અને સ્ટુડન્ટને આપેલી લોન રીકવર કરવી બેંકો માટે મુશ્કેલ હોય છે.આ અંગેના આંકડાં સત્તાવાર નથી, પણ એક રીસર્ચ સંસ્થાના જણાવ્યા અનુસાર ૨૦૧૫થી સ્ટુડન્ટ લોનમાં મોટો ઘટાડો આવ્યો છે. દર વર્ષ ૧૭ ટકાની વૃદ્ધિ તેમાં જોવા મળતી હતી, તે ૨૦૧૭માં ફક્ત બે ટકાની રહી ગઈ છે. આગામી વર્ષે લગભગ ફ્લેટ રહે તેવી શક્યતા છે, કેમ કે બેંકના ગોટાળા આ જ વર્ષે વધારે બહાર આવ્યા છે. ગોટાળા બહાર આવ્યા તે પહેલાં એનપીએ વધી રહી હતી અને સરકાર મૂડીનો ઉમેરો કરે તે બે વર્ષ દરમિયાન સ્ટુડન્ટ લોન સૌથી ઓછી અપાતી રહી હતી.બેડ લોનનું પ્રમાણ સ્ટુડન્ટ લોનમાં પણ વધ્યું હતું. કેર રેટિંગ્સના અહેવાલ અનુસાર ૨૦૧૫માં ૫.૭ ટકા બેડ લોન્સ હતી, તે માર્ચ ૨૦૧૭ સુધીમાં વધીને ૭.૭ ટકા થઈ હતી. ૫,૧૯૨ કરોડ રૂપિયાની લોન વિદ્યાર્થીઓ ગુપચાવી ગયા છે. ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં વિદ્યાર્થીઓને કુલ ૭૨,૩૩૬ કરોડ રૂપિયાની લોનો અપાયેલી હતી. ખાનગી બેંકો પહેલેથી જ સ્ટુડન્ટ લોનને જોખમી ગણીને આપતી નહોતી. તેથી ૯૫ ટકા લોન સરકારી બેંકોમાંથી અપાયેલી હતી. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અપાયેલી લોન ઓછી જોખમી સાબિત થતી હતી, કેમ કે જોબ મળવાની શક્યતા હોય તે જ ભણવામાં સમય, શક્તિ અને નાણાં બગાડવા તૈયાર હોય છે. માત્ર ગ્રેજ્યુએશન કરવા માટે લોન લેનારા ડીગ્રી મળે પછી લોનને ભૂલી જતા હોય છે. તેમને નોકરીની તકો પણ ઓછી થઈ છે અને આવી લોન લેનારા કદાચ પહેલેથી જ લોન ના ભરવાની ગણતરીથી લેતા હોય છે. અનેક સરકારી યોજનામાં માત્ર લોનની રકમ ખાતર જ લોન લેવાનું એક આખું તંત્ર ચાલે છે તે જાણનારા જાણે છે.ગ્રેજ્યુએશન માટેની લોન સરેરાશ ચારેક લાખની હોય છે. તે માટે કોઈ જામીન કે ગીરો મૂકવાની જરૂર હોતી નથી. વાલીને સાથે રાખવાને બદલે માત્ર વિદ્યાર્થીએ લોન લીધી હોય તેવા સંજોગોમાં લોન ડૂબી જવાની શક્યતા વધારે હોય છે. હાયર એજ્યુકેશનનું પ્રમાણે દક્ષિણ ભારતમાં વધારે છે. તેથી ડૂબી ગયેલી લોનોમાં સ્વાભાવિક છે કે દક્ષિણ ભારત આગળ છે. ૫૬ ટકા લોન અહીં ડૂબી ગઈ છે. રાજ્યોની સરેરાશ ૭.૬૭ ટકાની છે, તેની સામે કેરળ અને તામિલનાડુમાં સ્ટુડન્ટ લોન ડૂબી ગયાનું પ્રમાણે દસ ટકાથીય વધારે છે.બેંકોએ લોન આપવાનું ઓછું કર્યું, પણ નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ હજીય સ્ટુડન્ટ્‌સને લોન આપી રહી છે. કેર રેટિંગ્સનો અહેવાલ કહે છે કે માર્ચ ૨૦૧૭ સુધીમાં નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓએ ૫૦૦૦ કરોડની લોન સ્ટુડન્ટ્‌સને આપી હશે. બેંકોએ પોતાના દરવાજા બંધ કર્યાં ત્યાં તક જોઈને આ કંપનીઓએ પોતાનું ધીરાણ વધાર્યું છે. જોકે તેઓ બેંકો કરતાં લોન વસૂલીમાં વધુ ચૂસ્તી નહીં રાખે તો આગળ જતા મુશ્કેલી થઈ શકે છે. બીજું નુકસાન એ થશે કે અહીં પણ બેડ લોન્સ વધશે તો જેન્યુઇન સ્ટુડન્ટ્‌સને આગળ જતા નાની ફાઇનાન્સ કંપનીઓ પાસેથી પણ લોન મળતી બંધ થશે.જોકે નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રેજ્યુએશન પછી જ લોન આપે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા અને પ્રોફેશનલ કોર્સીસ કરનારા ગંભીર સ્ટુડન્ટને, જેમ કે એન્જીનિયરિંગ, મેનેજમેન્ટ અને એમએસસી કરનારાને જ વધારે લોન અપાય છે. આવી કંપનીઓ થોડી વધુ મોટી લોન આપવા પણ તૈયાર હોય છે, પણ સામે મિલકતો ગીરવે લેવાય છે, જેથી સલામતી વધી જાય.બેંકિંગના નિષ્ણાતો કહે છે કે હોમ, વેહિકલ અને કન્ઝ્યુમરની જેમ સ્ટુડન્ટ લોનને પણ સેઇફ કરવામાં આવે તો તેનું મોટું માર્કેટ છે. હાલમાં ઉચ્ચ શિક્ષણમાં જ લોન લેવાનું ચલણ છે. ૮૦ ટકા લોન પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ જ અપાય છે. બાકીના શિક્ષણ માટે ૨૦ ટકા જ લોન છે. બેંકિંગની દૃષ્ટિએ અહીં ગ્રોથની શક્યતા છે, પણ હાલનાં અનુભવ અને હાલના વર્ષોમાં બેંકિંગમાં વધી રહેલા ગોટાળા પછી સ્ટુડન્ટ માટે ઝડપથી લોન મળવાની આશા નથી

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય શક્તિ

aapnugujarat

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1