Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલ ચૂંટણીને લઇ ઉમેદવારના મરણિયા પ્રયાસ

વકીલોની માતૃસંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સીલની ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી એવી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાવાની છે ત્યારે ખૂબ જ પ્રતિષ્ઠાભર્યા એવા આ ચૂંટણી જંગને લઇ ઉમેદવારોમાં જોરદાર કશ્મકશ જોવા મળી રહી છે. ઉમેદવારોએ રાજયભરના વકીલ મતદારોને આકર્ષવા અને રીઝવવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. તો બીજીબાજુ, આ ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ઉમેદવારોને મતદાન દરમ્યાન ગંભીર ગેરરીતિ અને બોગસ વોટીંગને દહેશતને લઇ ચિંતા સતાવી રહી છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ સમગ્ર રાજયના વકીલઆલમમાં ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે આ ચૂંટણીમાં કોઇ ગંભીર ગેરરીતિ ના થાય કે નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી અને ઘીકાંટા ફોજદારી કોર્ટના સિનિયર એડવોકેટ ગુલાબખાન પઠાણ સહિતના કેટલાક ઉમેદવારોએ સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકોર્ડિંગ કરાવવા અને પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગણી કરી છે. દર પાંચ વર્ષે યોજાતી ગુજરાત બાર કાઉન્સીલની આ ચૂંટણી વકીલઆલમ માટે ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી હોય છે. આ ચૂંટણીમાં વેરીફિકેશન ફોર્મ ભર્યા હોય તેવા અને ૨૦૧૦ પછીની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા પાસ કરી હોય તેવા આશરે ૫૦ હજાર જેટલા વકીલ મતદારો મતદાન કરી શકશે. બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ વકીલ ઉમેદવારોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલની આ વખતની ચૂંટણીમાં વકીલ ઉમેદવારોમાં હવે મતદાન દરમ્યાન ગંભીર ગેરરીતિ કે બોગસ વોટીંગની દહેશતને લઇ ચિંતા વ્યાપી છે. જેને લઇ વકીલો માટે હંમેશા કલ્યાણકારી કાર્યો કરનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી અને વકીલોના પ્રશ્નો કે આંદોલન સમયે હંમેશા આગળ પડતી અને સક્રિય ભૂમિકા ભજવનાર સિનિયર એડવોકેટ ગુલાબખાન પઠાણ સહિતના કેટલાક ઉમેદવારોએ ઉગ્ર માંગ કરી છે કે, બાર કાઉન્સીલ દ્વારા રાજયના ૧૩૮ પોલીંગ સ્ટેશનો પર વકીલ મતદારો મતદાન કરી શકે તેવું આયોજન કરાયું છે. જેમાં ૩૫ જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. તેથી ગુજરાત બાર કાઉન્સીલની આ અત્યંત મહત્વની ચૂંટણીમાં મતદાન દરમ્યાન કોઇ ગેરરીતિ ના થાય કે, અનિચ્છનીય બનાવ ના બને અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે હેતુથી સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકોર્ડીંગ કરાવવા અને તમામ પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવાની અસરકારક વ્યવસ્થા કરવી જોઇએ.
અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી ગુલાબખાન પઠાણે જો તેઓ ચૂંટાશે તો બાર કાઉન્સીલમાંથી કોઇ ભાડા-ભથ્થાની રકમ નહી લેવાની મહત્વની જાહેરાત કરતાં ઉમેર્યું હતું કે, વકીલોના મહત્વના પ્રશ્નો જેવા કે, લો કમીશને એડવોકેટ એકટમાં સૂચવેલા સુધારા બીલને પસાર થતુ અટકાવવુ, વકીલાતના વ્યવસાય પર જીએસટી લાગુ ના પડાય, પોલીસ દ્વારા વકીલો સાથે ગેરવર્તણૂંક અટકાવવા, મહિલા વકીલોને મેટરનીટી લીવ દરમ્યાન ચોક્કસ લાભો, વકીલોને પીએફ-ગ્રેજયુઇટી સહિતના મુદ્દાઓ પર તેઓ હકારાત્મક અભિગમ સાથે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ અસરકારક રજૂઆત કરશે અને વકીલોના ઉત્કર્ષ માટે સતત ઝઝુમતા રહેશે. મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તેવા અસરકારક પગલા ભરવા પણ તેમણે માંગ કરી હતી.

Related posts

દિયોદરના પાલડી ગામમાં ચાર ગાયોનાં મોત

editor

નરેન્દ્ર પટેલની છ ઓડિયો કલીપ વાયરલ થતાં સનસનાટી

aapnugujarat

સેટેલાઈટ દુષ્કર્મ કેસ : વૃષભ પીડિતાને ઓળખતો નથી : પરિવારનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1