Aapnu Gujarat
બ્લોગ

‘થલાઇવા’ની રાજકારણમાં એન્ટ્રી

તામિલનાડુમાં હાલમાં જ પેટાચૂંટણી યોજાઇ તેના પરિણામોને કારણે પડઘા દેશભરમાં પડ્યા હતાં, કેમ કે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ટીટીવી દિનાકરણને હરાવવામાં ભાજપને પણ એટલો જ રસ હતો. પરંતુ ભાજપે નોટા કરતાંય ઓછા મતો મળ્યા હતા. સત્તાધારી એડીએમકેને પણ આંચકો લાગ્યો, કેમ કે જયલલિતાની બેઠક તેને ના મળી, પણ શશીકલાના ભત્રીજાને મળી. જયલલિતાનો વારસો કોને મળ્યો કહેવાય તેની લડાઇ આ પેટાચૂંટણીમાં હતી, પણ હવે તામિલનાડુમાં દ્વવિડ રાજકારણના વારસાનું શું થશે તેની લડત નવા વર્ષમાં ચાલવાની છે.નવા વર્ષ સાથે જ રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત રજનીકાંતે કરી દીધી છે. રજનીકાંતના નામે હવે નવા રાજકીય જોક્સ આવશે, પણ ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ ઇટ ઇઝ એ જોક કહીને કટાક્ષ કર્યો છે કે રજનીકાંત તો અભણ છે. જોકે રાજકારણમાં અભણ નેતાઓ જ જામી પડેલા નેતાઓને પાઠ ભણાવતા હોય છે. રજનીકાંત આવા રાજકીય પાઠ ભણાવી શકશે કે કેમ તેની આગામી ચૂંટણીમાં ખબર પડી જશે, પણ રજની ભાજપ સાથે રહેશે કે નહિ તે સૌથી મોટો સવાલ છે.
રજનીકાંત ભાજપ સાથે નથી – એવું સુબ્રમણિયમ સ્વામીએ કહી દીધું છે, પણ સ્વામીને તેમના હાલના પક્ષ ભાજપમાં પણ દર વખતે ગંભીરતાથી લેવામાં આવતા નથી. વક્રતા એ છે કે તામિલનાડુ રિક્વાયર્સ સમથિંગ સિરિયલ ધેન ધીસ એવું વળી સ્વામીએ સોશિઅલ મીડિયામાં લખ્યું છે.પણ વાત સિરિયસ છે, કેમ કે રજનીકાંત માત્ર તામિલનાડુના રાજકારણમાં નથી પ્રવેશી રહ્યાં. તેમણે સામાન્ય રીતે તામિલનાડુમાં અને વ્યાપક રીતે દેશમાં ‘સ્પિરિચ્યુઅલ પોલિટિક્સ’ કરવાની વાત કરી છે. અધ્યાત્મિક રાજકારણનો અર્થ શું? તેનો સાચો જવાબ ઇવીએમ મશીનમાંથી જે નીકળશે તે મનાશે, પણ ચૂંટણી પહેલાં જ તેની ચર્ચાઓ શરૂ થઈ જશે. રજનીકાંતની અધ્યાત્મિક રાજકારણની વાત તામિલનાડુના રાજકારણમાં ધરમૂળથી પરિવર્તનની વાત છે.તામિલનાડુનું રાજકારણ છેલ્લી એક સદીથી દ્રવિડ વિચારધારાને કેન્દ્રસ્થાને રાખીને ચાલી રહ્યું છે. હિન્દુવિરોધ પહેલેથી હતો, તેમાં હિન્દીવિરોધ ઉમેરાયો હતો. નિરીશ્વરવાદની આસપાસ ફરતા રાજકારણમાં અધ્યાત્મના રાજકારણની વાત કેટલી ચાલશે? દક્ષિણમાં ફિલ્મનો હિરો રાજકારણમાં આવે ત્યારે પરદા પરની તેની આભા સાથે આવે છે. આભા આધારે એકવાર વિજય મળે છે, પણ બીજો વિજય મેળવવા અસલી પરફોમન્સ આપવું પડે છે. તેનો અનુભવ એમ. જી. રામચંદ્રનને, જયલલિતાને બંનેને થયેલો છે.રામાસ્વામી અને અન્નાદુરાઇએ ઘૂંટીઘૂંટીને તૈયાર કરેલા રેશનિલઝમમાં દ્રવિડ રાજકારણ તૈયાર થયું છે. રામચંદ્રન અને જયલલિતાના કાળમાં તબક્કાવારમાં તેમાં પાણી ઉમેરાયું અને આછું થયું, પણ તે તદ્દન ઓગળી જશે? રામચંદ્રન જાહેરમાં ક્યારેક ધાર્મિકતા વ્યક્ત કરતાં નહોતા, પણ શ્રદ્ધાળુ હતા ખરા. જયલલિતાના વખતમાં થોડી વધારે મોકળાશ આવી. પ્રસંગોપાત મંદિરોમાં જવાનું અને મંદિરોને અનુદાન આપવાનું શરૂ થયું હતું, પણ પેરિયારનો પથ તદ્દન છોડી શકાય તેમ નહોતો.હવે રજનીકાંતે રાજકારણમાં પ્રવેશની વાત કરતી વખતે ગીતાનો ઉપદેશ ટાંક્યો હતો. ગીતાનો ઉપદેશ ટાંકવો આપણા માટે નવાઈ નથી, પણ તામિલનાડુની વાત જુદી છે. ગીતા અને અન્ય શાસ્ત્રો ભેદભાવના ગ્રંથો તરીકે ગણાતા આવ્યા છે. ગીતાની વાત કરીને તામિલનાડુમાં ચૂંટણી જીતી શકાય નહિ, પણ રજનીકાંતે તે ચેલેન્જ સ્વીકારી છે.તે ચેલેન્જ કોને નડશે અને કોને ફળશે? દ્રવિડવાદને અને રેશનલિઝમને અધ્યાત્મનો પડકાર રજનીએ આપ્યો તેની સામે કમલ હસનનો પડકાર પણ આવી શકે છે. કમલ હસન ક્યારે સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરે છે તેની રાહ જોવી રહી. બંને સામસામેના છેડાનું રાજકારણ કરશે. આ બંને હિરોને જો સફળતા મળશે તો એક નવો અધ્યાય તામિલનાડુમાં અને દેશના રાજકારણમાં શરૂ થશે.છેલ્લાં ૨૧ વર્ષથી રજનીકાંત ક્યારે રાજકારણમાં આવશે તેની રાહ જોવાતી હતી. કદાચ તે યોગ્ય સ્થિતિની રાહમાં હશે. એવી સ્થિતિ આવીને ઊભી પણ છે. જયલલિતાનું અવસાન થયું છે અને કરુણાનિધિ બિમારાવસ્થામાં છે. બંનેનો વારસો કોને મળશે તે સ્પષ્ટ નથી. જયલલિતાની સખી શશીકલાના જૂથને દૂર કરીને વધેલા એઆઇએડીએમકેનો સાથ લેવાની ગણતરી ભાજપની હતી. તેથી શશીકલાને ભીંસમાં લઈને પન્નીરસેલ્વમ અને પલાનીસામીને એક કરવા માટે ભાજપે દોરીસંચાર કર્યો હતો. પરંતુ પેટાચૂંટણીએ દર્શાવ્યું છે કે જયલલિતાનો વારસો વીખેરાઇ જવાનો છે, કોઇ એકની પાસે રહેવાનો નથી.એ જ રીતે ડીએમકેના કરુણાનિધિનો વારસો પણ તેના બે દિકરામાંથી કોણ સંભાળશે તે સ્પષ્ટ નથી. સ્ટાલીન અત્યારે સૌથી આગળ છે, પણ તેને ચેલેન્જ થઈ શકે છે. કનીમોઝી ૨જી સ્કેમમાંથી નિર્દોષ છુટી તે પછી તેનું જૂથ પણ સ્ટાલીન સામે ચેલેન્જ બની શકે છે. આ સંજોગોમાં તામિલનાડુના રાજકારણનો વારસો ત્ર્િોભેટે ઊભો છે. એક તરફ છે જૂના બે દ્વવિડ પક્ષો, બીજી તરફ છે રજનીકાંત અને કમલ હસન જે આ વારસો સંભાળી લેવા તૈયાર છે અને ત્રીજી તરફ રાષ્ટ્રીય રાજકીય પક્ષો.રજનીકાંત અને કમલ હસન વચ્ચેની લડાઇ માત્ર ચૂંટણીની જીત પૂરતી મર્યાદિત નહિ રહે. તે વિચારધારાની લડત પણ ગણાશે. બે રાષ્ટ્રીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડતને પણ આપણે વિચારધારાની લડાઇ ગણી શકીએ, પણ ઘણા સંજોગોમાં બંને પક્ષો મધ્યમમાર્ગી પણ બની જતા હોય છે. તામિલનાડુમાં દ્વવિડ રાજકારણ જ ચાલશે? રજનીકાંતનું અધ્યાત્મિક રાજકારણ ચાલશે? કે પછી તામિલનાડુ પણ દેશના મુખ્ય પ્રવાહમાં ભળી જશે અને રાષ્ટ્રીય રાજકીય પક્ષોનું મધ્યમમાર્ગી રાજકારણ ચાલશે?છેલ્લા કેટલાક સમયથી રજનીકાન્તના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે તેઓ રાજકારણમાં કેવો જાદુ બતાવી શકે છે.તામિલનાડુના લોકો તેમને ’થલાઇવા’ કહે છે. આ શબ્દ ’થલાઇવર’થી બન્યો છે, જેનો અર્થ થાય છે ’લીડર અથવા બૉસ.’એવું નથી કે દક્ષિણ ભારતના સૌથી લોકપ્રિય ફિલ્મ સ્ટાર પહેલી વખત રાજકારણ અંગે વાતો કરી રહ્યા છે.એ વાત સાચી છે કે રજનીકાન્ત ક્યારેય ચૂંટણીના મેદાનમાં ઉતર્યા નથી, પરંતુ તેઓ રાજકારણથી દૂર પણ રહ્યા નથી.જ્યારે પણ ચૂંટણી આવે છે, તેમના લાખો પ્રશંસકો રાહ જુએ છે કે તેઓ કોને સમર્થન આપવાનું એલાન કરશે.રજનીકાન્ત રાજકારણ, રાજકીય પાર્ટીઓ અને તેના સમર્થન- વિરોધના ખેલથી દૂર રહ્યા નથી. તેમના રાજકીય કનેક્શનના કેટલાક ઉદાહરણ જુઓ.૯૦ના દાયકામાં રજનીકાન્તને સૌથી મોટી સફળતા બે ફિલ્મોથી મળી હતી, ’અન્નામલાઈ’ અને ’બાશા’.૧૯૯૫માં જ્યારે ’બાશા’ ફિલ્મ બ્લૉકબસ્ટર થઈ ગઈ તો સાર્વજનિક જીવનમાં તેમનો દરજ્જો પણ વધ્યો અને સાથે સાથે લોકપ્રિયતા પણ ખૂબ વધી.આ જ સમયગાળા દરમિયાન જયલલિતા સરકાર (૧૯૯૧- ૯૬) સાથે તેમની માથાકૂટની ચર્ચાઓને પણ હવા મળી હતી.તામિલનાડુમાં મોટો રાજકીય ફેરફાર ત્યારે જોવા મળ્યો જ્યારે વર્ષ ૧૯૯૬માં રજનીકાન્તે વિધાનસભા ચૂંટણીમાં તામિલ મનીલા કોંગ્રેસના નેતા જીકે મૂપનારને સમર્થન આપ્યું હતું.એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “જો જયલલિતા ફરી જીતી ગયાં તો તામિલનાડુને ભગવાન પણ નહીં બચાવી શકે.”પરિણામ આવ્યા તો ડીએમકે- ટીએમસી ગઠબંધનને બહુમતી મળી હતી.જયલલિતાની પાર્ટીને માત્ર ચાર બેઠક મળી હતી અને જયલલિતા પોતાની બેઠક પણ બચાવી શક્યાં ન હતાં.૨૦૦૨નાં રજનીકાન્તે કાવેરી જળ વિવાદ મુદ્દા પર રાજકીય નિવેદન આપ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું.કર્ણાટક સરકાર પાસે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશને માનવાની માગ કરી હતી અને તેના માટે ૯ કલાક ઉપવાસ કર્યા હતા.આ ઉપવાસમાં વિપક્ષના ઘણાં નેતા અને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા લોકો તેમની પાછળ ઊભા રહ્યા હતા.ત્યારબાદ રજનીકાન્તે તત્કાલિન રાજ્યપાલ પીએસ રામમોહન રાવને એક જાહેરનામું સોંપ્યું હતું. ’ધ હિંદુ’માં છપાયેલા સમાચાર અનુસાર, તેમાં લખ્યુ હતું, ’કર્ણાટક સરકારની જવાબદારી છે કે તે સુપ્રીમ કોર્ટના આદેશને માને. કેન્દ્ર સરકારની જવાબદારી એ જોવાની છે કે કર્ણાટક સરકાર તેનું પાલન કરી રહી છે કે નહીં.’
રજનીકાન્તે સંવાદદાતાઓને કહ્યું હતું કે જરૂર પડી તો તેઓ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે પણ વાત કરશે.ઉપવાસ દરમિયાન રજનીકાન્ત સમર્થક ફિલ્મ ડાયરેક્ટર ભટ્ટીરાજા વિરૂદ્ધ સુત્રોચ્ચાર થતા રહ્યા, જેમણે એક દિવસ પહેલા રજનીકાન્ત પર તામિલ એકતાને ખંડિત કરવાના પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા હતા. જોકે, ૨૦૦૪માં રજનીકાન્તે જયલલિતા સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કર્યા હતા.જયલલિતા તે સમયે એક સ્થાયી શક્તિ બની ચૂક્યાં હતાં અને તેમની અવગણના કરવી શક્ય ન હતી.નવેમ્બર ૨૦૦૪માં રજનીકાન્તે તેમની દીકરી ઐશ્વર્યાનાં લગ્નમાં જયલલિતાને આમંત્રિત કર્યાં હતાં. જયલલિતા લગ્નમાં આવ્યાં પણ હતાં, પરંતુ મિત્રતા તેની આગળ ન વધી શકી.૨૦૧૬માં જયલલિતાના નિધન બાદ રજનીકાન્તે કહ્યું હતું, “મને લાગ્યું હતું કે નિમંત્રણ માત્ર ઔપચારિક છે અને તેઓ લગ્નમાં નહીં પધારે.તેમણે કહ્યું હતું કે આ જ દિવસે તેમની પાર્ટીના એક કાર્યકર્તાના પરિવારમાં પણ લગ્ન છે, પરંતુ તેઓ તે લગ્નને છોડીને ઐશ્વર્યાના લગ્નમાં આવશે. સોનાનું મન ધરાવતા એ મહિલા હવે આપણી વચ્ચે નથી.”૨૦૧૧ની ચૂંટણી દરમિયાન જ્યારે રજનીકાન્ત મત આપવા પહોંચ્યા હતા તો ત્યાં ટીવી કૅમેરા પણ હાજર હતા.વીડિયોમાં જોવા મળ્યું હતું કે ઇવીએમ પર તેમની આંગળીઓ એઆઇએડીએમકેના ચૂંટણી નિશાનની આસપાસ હતી.તેનાં થોડાં કલાકો બાદ કરુણાનિધિ સાથે તેઓ એક ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળ્યા હતા.ત્યારબાદ કરુણાનિધિ તરફથી સ્પષ્ટતા આવી હતી કે રજનીકાન્ત કૅમેરા માટે પોઝ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમની આંગળી જ્યાં હતી, તેનાથી એ સાબિત નથી થતું કે તેમણે જયલલિતાને જ મત આપ્યો છે. નરેન્દ્ર મોદી જ્યારે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે ચેન્નઈમાં રજનીકાન્તને પણ મળ્યા હતા.મોદીએ તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા અને રજનીકાન્તે પોતાને મોદીના શુભચિંતક ગણાવ્યા હતા.રજનીકાન્તે કહ્યું, “બધા જાણે છે કે મોદી એક મજબૂત નેતા અને યોગ્ય વહીવટકર્તા છે. તેઓ જે મેળવવા માગે છે, તેમાં તેમને સફળતા મળે તેવી મારી શુભકામનાઓ છે.”
રજનીકાન્ત જે એકમાત્ર નેતાને ટિ્‌વટર પર ફૉલો કરે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.ઑક્ટોબર ૨૦૧૪માં જ્યારે જયલલિતા જેલમાંથી છૂટીને બહાર આવ્યાં હતાં ત્યારે રજનીકાન્તે એક પત્ર મોકલીને જયલલિતાનું સ્વાગત કર્યું હતું.તેમાં લખ્યું હતું, “પોએસ ગાર્ડનમાં તમારા પાછા ફરવાથી હું ખૂબ ખુશ છું. તમારા સારા સમય માટે હું પ્રાર્થના કરું છું અને તમારા સારા સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે શુભકામના આપું છું.”માર્ચ ૨૦૧૭માં આરકે નગરમાં પેટા ચૂંટણી હતી. ટિ્‌વટર પર તસવીરો જોવા મળી હતી જેમાં રજનીકાન્ત પોતાના મિત્ર અને ભાજપના ઉમેદવાર ગંગઈ અમારનને મળ્યા હતા.
ગંગઈ અમારનના દીકરા વેંકટ પ્રભુએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે થલાઇવાએ મારા પિતાજીને આશીર્વાદ આપ્યા છે. બીજી તરફ શશિકલા અને પન્નીરસેલ્વમના જૂથોમાં પણ ચૂંટણીના નિશાન અંગે માથાકૂટ ચાલી રહી હતી.દરેકને રાહ હતી એ જાણવાની કે રજનીકાન્ત કોને સમર્થન આપી રહ્યા છે.પછી ૨૩ માર્ચના રોજ તેમણે ટ્‌વીટ કર્યું હતું, “આગામી ચૂંટણીમાં હું કોઈને સમર્થન નહીં આપું.”

Related posts

अब गोवा पर शिवसेना की नज़रे…?

aapnugujarat

आज भी शुद्ध पेयजल से वंचित हैं ७.५ करोड़ हिंदुस्तानी : रिपोर्ट

aapnugujarat

પબજીનો પ્રભાવ અને પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1