Aapnu Gujarat
બ્લોગ

પબજીનો પ્રભાવ અને પ્રતિબંધ

પબજીનું પુરુ નામ પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડસ છે. પરંતુ શું તમને ખબર છે આ ગેમ બેટલ રોયલ જાપાનીઝ ફિલ્મ બેટલ રોયલથી ઈન્સ્પાયર થઈને બનાવવામાં આવી હતી. ફિલ્મમાં બતાવવામાં આવેલા હથિયાર કોપી ગેમમાં જોવા મળશે. આ ગેમ બનાવવાનો શ્રેય બ્રેન્ડન ગ્રીનને જાય છે. જે એક વેબ ડેવલપર હતા, તેમને સાઉથ કોરિયાના ચેંગ હેંગ કીમની સાથે મળીને આ ગેમ બનાવી છે.
આ ગેમમાં અંત સુધી ટકવું અને મેચ જીતવું ખુબ જ રોમાંચક છે. જો તમે પબજી ગેમમાં જીત મેળવો છો તો તેમાં વિનર વિનર ચિકન ડીનરનો મેસેજ જોવા મળે છે. આ મેસેજ તમને ઘણી બધી ગેમમાં જોવા મળે છે. પબજી ગેમના ક્રિએટરે અને જેટલા પણ લોકોએ ગેમમાં કામ કર્યું છે તે બધી જ ગેમમાં આ મેસેજ જોવા મળે છે. આ ગેમમાં તમને એક આયર્લેન્ડ પર મુકવામાં છે, આ આયર્લેન્ડ પર ૧૦૦ લોકો હોય છે, અને એક બીજાને મારીને તમારે ગેમ જીતવાની હોય છે. જેમાં છેલ્લે જે વધે તે વિનર કહેવાય છે.જો તમે પબજી ગેમ રમો છો તો તમને બ્લુ ઝોન વિષે ખબર હશે. પબજી રમતી વખતે બ્લુ ઝોનથી બચવું અને તેની અંદર રહેવાનું હોય છે. આ બ્લુ ઝોન પબજી પ્લેયરને પાસે લઈને આવે છે. શરૂઆતમાં આ બ્લુઝોનને ચોક્કોર રાખવાનું હતું પરંતુ ચોક્કોર પ્લેયર માટે આસાન હતું અને સાથે તેના કોડીંગ દરમિયાન ખુબ જ પરેશાની થઇ રહી હતી. એટલા માટે બ્લુ લાઈન ગોળાકાર રાખવામાં આવ્યું. પરંતુ બ્લુ ઝોનનો આઈડિયા સોવિયત સંઘ પરથી લેવામાં આવ્યો છે. સોવિયત સંઘની સેના આયલેંડથી ઘુસણખોરોને ભગાવવા વીજળીનો કરંટ મશીનના દ્વારા જમીનોમાં ફેલાવી દેવામાં આવતો હતો.આ ગેમના લોંચ થાય પછી તરત જ ખુબ જ ફેમસ થવાની સાથે તેની કમાણીમાં પણ ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા. પરંતુ ઘણા બધા પબજી પ્લેયરના મનમાં સવાલ થાય કે આ ગેમ કંઈ રીતે કમાણી કરે છે. કેમ કે આ ગેમ પ્લેસ્ટોરમાં બિલકુલ ફ્રીમાં મળે છે. અને સાથે સાથે તેમાં કોઈ પણ પ્રકારનું વિજ્ઞાપન પણ જોવા નથી મળતું. અસલમાં આ ગેમને કોમ્પ્યુટરમાં રમવા માટે ખરીદવી પડે છે. તે આ ગેમની કમાણીનો પહેલો રસ્તો છે. સાથે સાથે ગેમમાં પ્લયેર માટે ઘણા બધા પ્રોડક્ટ જોવા મળે છે. જેને પૈસા આપીને આપણે ખરીદી શકીએ છીએ. ઘણા બધા પબજી પ્લેયર આવી પ્રોડક્ટ્‌સને ખરીદે છે અને તેમાંથી પબજી ગેમ કમાણી કરે છે.આ ગેમ લોંચ થયા બાદ ઘણા બધા રેકોર્ડ બનાવ્યા અને બીજી ગેમોના રેકોર્ડ તોડ્યા પણ છે. આ ગેમને દુનિયાભરમાં રોજ ૧૦ મિલિયનથી પણ વધારે લોકો ઓનલાઈન રમે છે. લોંચ થયાના ચાર મહિનામાં જ ૧૦૦ મિલિયનનો આંકડો પાર કરી નાખ્યો હતો. પબજી ગેમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે. જેમ કે બેસ્ટ મલ્ટીપલ એવોર્ડ, પીસી ગેમ ઓફ ધ યર, એક્શન ગેમ ઓફ ધ યર વગેરે. દુનિયાની સૌથી બેસ્ટ પાંચ ગેમ્સ માંથી આ ગેમનું નામ આવે છે. થોડા સમય પછી આ ગેમ સૌથી ટોપ પર હોય પણ શકે છે. આ લોંચ થયા પછી ત્રણ જ દિવસમાં ૧૧ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૮૦ કરોડ રૂપિયા ની કમાણી કરી લીધી હતી.આજના યુવાનો મોબાઇલની દુનિયામાં ખોવાયેલા છે. એમા પણ જુદી જુદી ગેમ્સએ તો યુવાનો પર રીતસરનું અક્રમણ કર્યું છે. મોમો ચેલેન્જ હોય કે બ્લ્યુ વેલ હોય કે પબજી ગેમ હોય, આ સમાજને તેના ખરાબ પરિણામો મળ્યા છે અને જેના કારણે આવી ગેમ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠવા પણ લાગી છે. અનેક ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં પણ આવ્યા છે. હાલ પબજી ગેમ્સનો પ્રભાવ છે. અત્યારે પોકેમોન ગો પછી પબજીની બોલબાલા છે. છેલ્લા આંકડા મુજબ દરરોજ ૨૦ મિલિયન એટલે કે ૨ કરોડ લોકો આ ગેમમાં એક્ટિવ હોય છે. આ આંકડામાં ચીન, જાપાન અને કોરિયાના પબજી પ્રેમીઓનો સમાવેશ થતો નથી. એન્ડ્રોઇડના પ્લેટફોર્મ એટલે કે ગૂગલ પ્લે સ્ટોર પર અને એપલના ઍપ સ્ટોર પર આ ગેમ હજુ માર્ચ, ૨૦૧૮માં રિલીઝ થઈ છે. માત્ર છ મહિનામાં આ બંને પ્લેટફોર્મ પરથી ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ લોકોએ આ ગેમ ડાઉનલોડ કરી છે. આ આંકડો રોજેરોજ વધી રહ્યો છે. એવું નથી કે પબજી મોબાઇલ પર સૌથી ડાઉનલોડ થયેલી ગેમ છે, પણ માત્ર થોડા મહિનામાં તેનો જે ક્રેઝ છે તે અભૂતપૂર્વ છે. પબજીના ચાહકો પબજીને ટક્કર આપે તેવી ફોર્ટનાઇટ ગેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પણ એવું તો શું છે પબજીમાં કે તેને એકવાર રમનારા પણ ઍડિક્ટ થઈ જાય છે?
પબજી એક બૅટલગ્રાઉન્ડ અથવા તો સર્વાઇવલ ગેમ છે જેમાં તમારે કમાન્ડોની જેમ દુશ્મન સામે લડવાનું છે અથવા ખપી જવાનું છે. ગેમની શરૃઆતમાં તમને અન્ય ૯૯ લોકો સાથે એક પ્લેનમાં મોકલવામાં આવે છે. એક રશિયન આઇલેન્ડ પર તમારે ખાલી હાથે લેન્ડ કરવાનું છે. જો તમે એકલા રમતા હો તો બાકીના ૯૯ અને ચારની સ્ક્વૉડ બનાવીને રમતાં હોવ તો ૯૬ તમારા દુશ્મન છે. સ્ક્વૉડમાં રમતાં પ્લેયર્સ એકબીજા સાથે લાઇવ ચેટ કરી સ્ટ્રેટેજી બનાવી શકે છે. રેન્ગલ મેપ ગેમનો હિસ્સો છે અને તેની પાછળ એક સ્ટોરી પણ છે, વર્લ્ડ વૉર – ૨ દરમિયાન સોવિયત સેના દ્વારા આ આઇલેન્ડ ઉપર કબજો કરવામાં આવ્યો હતો. રશિયનો ત્યાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનું પરીક્ષણ કરતાં હતાં, અહીંના લોકોએ સોવિયત સેના ઉપર હુમલો કર્યો અને એટલે જ ગેમમાં ખંડેર જેવાં ઘર, ભંગારમાં ફેરવાયેલાં વાહનો, ફેક્ટરીઓ, મિલિટરી બેઝ, તૂટેલાં વિમાનનો કાટમાળ વગેરે જોવા મળે છે. જંગલ, સરોવર, ડુંગરાળ પ્રદેશો છે. લેન્ડ કર્યા બાદ તમારે નજીકમાં જે ઘર હોય તેમાં ઘૂસીને વિવિધ પ્રકારની ગન, પિસ્તોલ, કારતૂસ, ગ્રેનેડ, બેન્જેજ, પેઇન કિલર, એનર્જી ડ્રિન્ક, હેલ્મેટ, જેકેટ વગેરે લડવા માટે જરૂરી શસ્ત્રસરંજામ લેતાં જવાનું છે.
બસ, પછી સામે જે આવે તેને મારતા જવાનું છે અને ભાગતા રહેવાનું છે. કોઈને મારો તો તેની પાસેની ગન સહિતની ચીજો તમને બોનસમાં મળે છે. ભાગવા માટે બાઇક, કાર, વાન જેવાં વાહનો પણ પડ્યા હોય છે. નજર સતત ચારેબાજુ દોડાવતાં રહીને તમારે ગેમ પુરી ના થાય ત્યાં સુધી જીવતા રહેવાનું છે.
ગેમમાં બ્લુ ઝોનથી બચવાનું હોય છે. આ ઝોનમાં ચારે બાજુ શક્તિશાળી ઇલેક્ટ્રિક કરન્ટ વહેતો રહે છે. ત્યાંથી ભાગવા માટે તમારે કોઈ પણ વાહન મેળવવું પડે છે. બ્લુ ઝોનમાં સપડાયેલો પ્લેયર ધીમે-ધીમે મોતને ભેટે છે, ત્યારે છેલ્લે સુધી જીવિત રહેનારને ઇનામમાં ચિકન ડિનર મળે છે. પબજી ઓનલાઇન ગેમ છે જે દક્ષિણ કોરિયાની બ્લુહૉલ કંપનીએ બનાવી છે. જોકે તેના જનક છે વેબ ડિઝાઇનર બ્રેન્ડન ગ્રીન.તેમણે પીસી માટે ૨૦૧૩માં ડે ઝેડઃબૅટલ રૉયાલ ગેમ બનાવી હતી. ગેમની પ્રેરણા બ્રેન્ડનને જાપાનીઝ ફિલ્મ બૅટલ રોયાલ પરથી મળી હતી. ફોટોગ્રાફર તથા ગ્રાફિક ડિઝાઇનર એવા ગ્રીન આયર્લેન્ડના છે અને બ્રાઝિલમાં રહેતા હતા ત્યારે ડેલ્ટા ફોર્સઃબ્લેક હોક ડાઉન તથા અમેરિકાસ આર્મી ગેમ રમતાં હતા. તેના પરથી ગ્રીનને વધુ સારી ગેમ બનાવવાનો વિચાર આવ્યો. ગ્રીને છેવટે આર્મા અને ડે-ઝેડ જેવી ગેમ બનાવી. તેને અપડેટ કરી અને સોની કંપનીએ તેને ગેમ બનાવવાની ઑફર કરી. જોકે વાત જોઈએ એવી જામી નહીં અને ગ્રીન દક્ષિણ કોરિયા જતો રહ્યો. દરમિયાન તેની મુલાકાત ગેમિંગની દુનિયાની જાણીતી કંપની બ્લુહૉલના ચેંગ હાંગ સાથે થઈ.બંનેએ ભેગા થઈને પબજી ગેમ બનાવી.આ ગેમનું પીસી વર્ઝન અને તે પછી એક્સ બોક્સ તેમજ પ્લે સ્ટેશન વર્ઝન રિલીઝ થતાં ગેમિંગના ચાહકો રીતસર ઝૂમી ઊઠ્યા.પબજીને રાતોરાત સફળતા મળી અને તેની લાખો કોપી વેચાઈ.પબજી તે વખતની હોટ ગેમ જેવી કે લીગ ઓફ લિજેન્ડ, ડોટા-૨, કાઉન્ટર સ્ટ્રાઇક, કોલ ઓફ ડ્યુટીને પછાડીને નંબર વન બની ગઈ. મજાની વાત એ છે કે મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ્સમાં પબજી નંબર વન નથી, પણ તે દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ઓનલાઇન મોબાઇલ ગેમ્સમાં એકસાથે સૌથી વધુ ૧૩ લાખથી વધુ પ્લેયર એકસાથે રમ્યા હોય તેવો પબજીનો રેકોર્ડ છે. ગૂગલ પ્લે સ્ટોરની ઓલટાઇમ હોટ ફેવરિટ લુડો, સબવૅ સર્ફ, ટેમ્પલ રન, કેન્ડી ક્રશ સાગા, હિલ ક્લાઇમ્બ, ક્લેશ ઓફ ક્લેઇન્સ, ક્લેશ રૉયલ, તીન પત્તી, મિલી મિલીશિયા સહિત ઢગલાબંધ ગેમ્સ છે. જોકે પોકેમોન ગો પછી પબજી એવી ગેમ છે જેનો હાલ જબરદસ્ત જુવાળ છે. આમ તો પબજીની કેટેગરીની ગણાય તેવી બૅટલ ગ્રાઉન્ડ કે સર્વાઇવલ ગેમ્સનો ગૂગલ અને એપલના ઍપ સ્ટોર પર તોટો નથી અને લાખો ગેમ્સના શોખીન તેના પણ દીવાના છે. હજુ આપણે આગળ જેની વાત કરી તે ફોર્ટનાઇટ ગેમ હજુ મોબાઇલના પ્લેટફોર્મ પર આવી નથી. અત્યારે આ વીડિયો ગેમ પીસી પર જ રમી શકાય છે. પબજીની જેમ ફોર્ટનાઇટ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક ગેમિંગના ઍવૉર્ડ જીતી ચૂકી છે. એપિક ગેમ્સ દ્વારા ડેવલપ કરાયેલી ફોર્ટનાઇટ પણ ૨૦૧૭માં રિલીઝ થઈ છે. આ ગેમના ફોર્ટનાઇટઃસેવ ધી વર્લ્ડ તથા ફોર્ટનાઇટઃબૅટલ રૉયાલ તેમ બે વર્ઝન છે. સેવ ધી વર્લ્ડની થીમ એવી છે કે એક ભયાનક વાવાઝોડામાં દુનિયાની ૯૮ ટકા વસ્તી નાશ પામી છે. જે બચી ગયા છે તેમના પર ઝોમ્બી જેવા લોકો એટેક કરે છે.પ્લેયર્સ વિવિધ ઘરમાંથી ગન સહિતની જરૃરી ચીજો એકઠી કરીને કમાન્ડોની જેમ બચી ગયેલા લોકોને ઝોમ્બથી બચાવીને વાવાઝોડાને પણ ખાળવાના પ્રયાસ કરે છે. આ ગેમ પણ ચારની સ્ક્વૉડ બનાવીને રમી શકાય છે. જ્યારે બેટલ રૉયાલ એક રીતે પબજી જેવી જ છે. તેમાં પણ ૧૦૦ પ્લેયર્સને પ્લેનથી પેરાશૂટ જમ્પિંગ દ્વારા ઉતારવામાં આવે છે. આ ગેમ પણ એકલા કે પછી વધુમાં વધુ ચારની સ્ક્વૉડમાં રમવાની હોય છે. અહીં પણ પ્લેયરે ગન સહિતનો શસ્ત્રસરંજામ લૂંટીને લડવાનું છે.
વાવાઝોડાના કારણે સેફ એરિયા ઓછો થતો જાય છે, બધા પ્લેયર્સ સેફ એરિયામાં રહેવા પ્રયાસ કરતા હોઈ લડાઈ એકદમ ચેલેન્જિંગ અને રોમાંચક બને છે. જેમાં છેલ્લે સુધી જીવિત રહેનાર વિજેતા બને છે. અમદાવાદ સહિતનાં ગુજરાતનાં શહેરોના હજારો યુવાઓ પબજી પાછળ રીતસર પાગલ છે. એકલા અથવા તો મિત્રો સાથે મળીને કલાકોના કલાકો ગેમમાં ખોવાઈ જાય છે. વિદેશોમાં તો પબજીની સ્પર્ધા થાય છે અને તેના વિજેતાને લાખો ડૉલરના ઇનામ મળે છે. કેટલાકે હવે પબજીને જુગાર રમવાનું પણ સાધન બનાવી દીધું છે. યુટ્યુબ પર ગેમ રમવાની ટિપ્સ આપતા વીડિયોની ભરમાળ છે. આ વીડિયોને પણ લાખોની સંખ્યામાં વ્યૂ મળે છે. પબજીની સફળતા જોઈને ટોચની ગેમિંગ કંપનીઓ પણ હવે આવી ગેમ ડેવલપ કરવામાં લાગી ગઈ છે. જાણકારો કહે છે કે આગામી દિવસોમાં યુવાઓને આકર્ષવા અનેક બૅટલ ગેમ આવી રહી છે. કેમ કે ગેમિંગનો બિઝનેસ અબજો ડૉલરનો છે.અમદાવાદમાં પણ પબજી રમવા પર તથા મોમો ચેલેન્જ પર પ્રતિબંધ મૂકાયો છે. આ બન્ને ગેમ રમવાથી બાળકો અને યુવાનોમાં હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. જેની સીધી અસર તેમના અભ્યાસ પડતી હોવાથી અમદાવાદના કમિશનર એ.કે.સિઘએ ૧૩ માર્ચ ૨૦૧૯ના રોજથી આ ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
કમિશનરે લોકોને અપીલ પણ કરી છે કે જો કોઇ આ ગેમ રમતા નજરે પડે તો તરત નજીકના પોલિસ સ્ટેશને કે ચોકીએ જાણ કરે.આજ સુધી તમે એવું તો સાંભળ્યું હશે કે આ ગેમ કે પેલી ગેમ રમવા પર પ્રતિબંધ છે પણ તેના કારણે કોઇની ધરપકડ થઈ હોય તેવા સમાચાર તમે નહી સાંભળ્યા હોય. પણ આ વખતે આવા સમાચાર પણ આવ્યા છે. રાજકોટ પોલીસે પ્રતિબંધ છતાં પબજી ગેમ રમતા ૧૨ જેટલા યુવાનોની ધરપકડ કરી છે. આ માટે અહીંની પોલીસે રીતેસર ઝુંબેસ ચલાવી હતી.
પોલીસના કહેવા પ્રમાણે પહેલા તો તેમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. મોબાઈલની હિસ્ટ્રી ચેક કરવામાં આવી અને અંતે તેમને જમાનત પર છોડવામાં પણ આવ્યા છે.આ ધરપકડ શું સૂચવે છે. ખરેખર પોલીસ અને સરકાર આ ગેમને લઈને ચિંતિત છે. યુવાનો હિંસક બની રહ્યા છે. જેના કારણે ક્રાઈમ વધી રહ્યા છે. અનેક માની ન શકાય તેવા બનાવો સામે આવ્યા છે. ગુજરાતના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો કિસ્સો છે. જ્યાં મોબાઈલ પર સતત પબજી ગેમ રમવાની લતે ચડેલા એક ૨૦ વર્ષીય યુવાનને પિતાએ આ બાબતે ઠપકો આપતાં તેણે ઘર છોડી દીધું હતું. આ યુવાન કાંઈ સામાન્ય યુવાન ન હતો. તે અહીંની એમ. એસ. યુનિવર્સિટીમાં સાયન્સ વિભાગમાં બીસીએનો અભ્યાસ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તે છેલ્લા કેટલાક સમયથી સાવ બદલાઈ ગયો હતો. આખી રાત પોતાના મિત્રો સાથે ઓનલાઇન પબજી ગેમ રમ્યા કરતો હતો. પરિણામે તે ભણવામાં પણ પછડાઈ રહ્યો હતો. પરીક્ષાને કારણે તેનાં માતા-પિતાએ તેનો મોબાઈલ લઈ લેતાં તે ૨૯ નવેમ્બરના રોજ ઘર છોડી ક્યાંક ચાલ્યો ગયો.ગુજરાતના જ રાજકોટ શહેરનો એક આઘાતજનક પ્રસંગ છે. અહીંના સામાકાઠા વિસ્તારમાં ફોનમાં ગેમ રમવાની ના પાડતાં ધો. ૯માં અભ્યાસ કરતા ૧૫ વર્ષના એક કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. આ કિશોરે આવું પગલું શા માટે ભર્યું ? તેના પિતા કહે છે કે, તેમનો પુત્ર ભણવામાં ઘણો જ હોશિયાર હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે મોબાઈલ ફોનમાં ગેમ રમવાને રવાડે ચડી ગયો હતો. તે દિવસે સતત મોબાઈલમાં રચ્યોપચ્યો રહેતો અને મોડી રાત્રે પણ નેટ ચાલુ કરી ઓનલાઈન ગેમ રમ્યા કરતો હતો. તેની આ આદતે હદ વટાવી ત્યારે મેં તેને મોબાઈલના બદલે ભણવામાં ધ્યાન આપવાનું કહી ઠપકો આપતાં તેણે આ પગલું ભર્યું હતું.માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાત બહાર પણ પબજી ગેમ કેવો હાહાકાર મચાવી રહી છે તેનો દાખલો તાજેતરમાં દિલ્હીમાં જોવા મળ્યો. અહીંના વસંતકુંજના કિશનગઢમાં ૧૯ વર્ષના સૂરજ નામના એક યુવકે પોતાનાં માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી. પોલીસની પૂછતાછમાં જે બાબત સામે આવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી કે કોઈ ગેમની લત કોઈ યુવાનને આટલી હદે ક્રૂર કેવી રીતે બનાવી શકે ? આ યુવાએ કબૂલ્યું હતું કે, તેને ઓનલાઈન પબજી ગેમ રમવાની લત હતી અને આ માટે તેણે મહરૌલી વિસ્તારમાં ભાડે રૂમ પણ રાખ્યો હતો, જ્યાં તે અને તેના મિત્રો શાળામાં ગેરહાજર રહી આખો દિવસ પબજી ગેમ રમતા હતા. પિતાને આ વાતની જાણ થતાં તેઓએ તેને ધમકાવ્યો હતો, પરિણામે ગુસ્સામાં તેણે આખા પરિવારની હત્યા કરી દીધી હતી.એક તારણ મુજબ પબજી ગેમ યુવાનોનું જીવન બરબાદ કરી નાંખે છે ગેમના વળગણે યુવાનોને રીતસર ગાંડા કરી મૂક્યા છે.
બાળકો-યુવાનો કલાકો સુધી ગ્રુપમાં રચ્યા-પચ્યા રહે છે. આ ગેમથી યુવાનો માયકાંગલાપણા તરફ ધસી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં જાહેર કર્યું હતું કે મોબાઈલ ગેમનું એડિક્શન એક માનસિક બીમારી છે. બહુ જ ટૂંકા ગાળામાં પબજી ગેમનું પ્રમાણ ચારે તરફ ફેલાઈ ગયું છે. પબજી ગેમનું પ્રમાણ વધવાને કારણે રમનારના શારીરિક વિકાસને અસર થઈ રહી છે. ચોંકાવનારું તારણ તો એ બહાર આવ્યું છે કે પબજી ગેમ રમનાર લોકો પોતાની એક અલગ દુનિયામાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. તે ઉપરાંત તબીબોના જણાવ્યા અનુસાર પબજી ગેમ રમનાર વ્યક્તિનો સ્વભાવ ચીડિયો અને વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે એટલે જ હવે આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકવા સરકારને ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
આપણે આપણા યુવાસમાજને વધુ માનસિક રીતે સ્વસ્થ અને સ્થિર બનાવવા સ્ક્રીન આશ્રિત પેઢીની જગ્યાએ સ્વતંત્ર પેઢી તૈયાર કરવા સંકલ્પ કરીએ અને પોતાનાં તથા અન્યોના બાળકોને મોબાઈલ મેનિયામાંથી બહાર કાઢીએ.

Related posts

૮૪નાં શીખ વિરોધી રમખાણો કોંગ્રેસને હચમચાવતા જ રહેશે….

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

aapnugujarat

सदा मुस्कुराते रहिये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1