Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લામાં ૩૦૬૨ વૃક્ષો કપાશે

રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાય ત્યારે લોકોને ઓક્સિજનની કિંમત ખબર પડી કારણ કે, પૈસા હોવા છતાં પણ લોકોને ઓક્સિજનની બોટલો મળી રહી ન હતી પરંતુ કુદરત લોકોને એક પણ રૂપિયો લીધા વગર કે કોઈ પણ જાતનું ભાડું લીધા વગર ઓક્સિજન ફ્રીમાં આપી રહ્યો છે. લોકો વધારે વૃક્ષો વાવીને કુદરતનો આભાર માનવાના બદલે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છે પરંતુ હવે લોકોને કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની કિંમત સમજાય અને લોકો હવે વૃક્ષો વાવવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ વડોદરા જિલ્લામાં ડભોઇથી પુનિયાદ અને સેગવા ગામ સુધી અને વ્યારાથી વાઘોડિયા સુધીનો રસ્તો પહોળો બનાવવા માટે તંત્ર દ્વારા જ એક-બે નહીં પરંતુ ત્રણ હજાર કરતાં પણ વધારે વૃક્ષોને કાપવામાં આવશે.
રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે અને હવે એક રસ્તો પહોળો કરવા માટે ત્રણ હજાર કરતાં વધારે વૃક્ષો કાપવામાં આવશે ત્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રસ્તા પહોળા કરવાની કામગીરી માર્ગ-મકાન વિભાગની છે અને તેમના દ્વારા અમને રોડ પરના વૃક્ષ દૂર કરીને રસ્તો ખાલી કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે. આ કારણે હવે કામગીરી હાથ ધરવામાં આવી છે. ડભોઇથી પુનિયાદ સુધીના માર્ગ પર ૨૯૯૫ અને વાઘોડિયા તાલુકાના વ્યારાના એપ્રોચ રોડ પર ૬૮ જેટલા વૃક્ષો આવેલા છે અને કુલ મળીને ૩૦૬૨ વૃક્ષોને રસ્તો પહોળો કરવા માટે કાપી નાખવામાં આવશે. આ વૃક્ષોમાં લીમડો, પીપળો અને વડનો પણ સમાવેશ થાય છે અને આ વૃક્ષો ૧૦ વર્ષથી લઇને ૬૦ વર્ષ જૂના વૃક્ષો છે.
વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેટલા વૃક્ષો કાપવામાં આવે છે તેની સામે ડબલ વૃક્ષ ઉગાડવામાં આવશે અને વૃક્ષો કાપીને તેના વેચાણ માટે લાકડાની હરાજી કરવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, જ્યારે-જ્યારે વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે બમણા વૃક્ષો ઉગાડવામાં આવશે પરંતુ તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કામ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે અને વૃક્ષો કપાયા બાદ અન્ય વૃક્ષ ઉગાડવામાં આવતા નથી તેવું પણ જમીની હકીકત જોતા લાગી રહ્યું છે.
સાથે નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા નિવિદા બહાર પાડવામાં આવી છે કે ડભોઇથી પુનિયાદ અને વાઘોડિયા તાલુકાના વ્યારા એપ્રોચ રોડ ની પહોળાઈ માં વધારો કરવા માટે માર્ગમાં આવતા વૃક્ષોને કાપવા માટે અને કપાયેલા વૃક્ષોની હરાજી રાખવામાં આવી છે જે અંગે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાય છે.
વૃક્ષોની જરૂરિયાત બાબતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર અમરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિની રોજિંદી ઓક્સીજનની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ૭થી ૮ જેટલા વૃક્ષોની જરૂર પડે છે પરંતુ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. મનુષ્યની ઓક્સિજનની રોજિંદી જરૂરિયાત ૫૫૦ લિટર જેટલી હોય છે અને સરેરાશ એક વ્યક્તિ રોજનો ૧ થી ૧.૫ લિટર કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ મારફતે બહાર કાઢે છે. વડોદરાની ૨૨ લાખની વસ્તી પ્રમાણે રોજ લોકો વાતાવરણમાંથી ૧૨.૧૦ લાખ મેટ્રિક ટન જેટલો ઓક્સિજન વાપરે છે. પરંતુ કોરોનાની મહામારીમાં અત્યારે ૧૮૦ મેટ્રિક ટન ઓક્સિજન દર્દીને સપ્લાય કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આટલો બધો ઓક્સિજન આપણને કુદરત મફત આપી રહ્યો છે.

Related posts

વડોદરા બેઠક માટે કોંગી ઉમેદવાર પ્રશાંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

aapnugujarat

કોરોનાની પરિસ્થિતિ નહિ સુધરે તો નવરાત્રિ નહિ થાય : સીએમ

editor

વડોદરામાં લગ્નનાં દિવસે કન્યાને પાણી ભરવા જવું પડ્યું !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1