Aapnu Gujarat
ગુજરાત

૬૮ ગામોને ઔડામાં ભેળવવા માટેના નિર્ણયનો થયેલો વિરોધ

અમદાવાદ અને ગાંધીનગર આસપાસના ૬૮ જેટલા ગામડાઓને ઔડા વિસ્તારમાં સમાવિષ્ટ કરાતા ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. ખેડૂતોએ સરકારના નિર્ણયના વિરોધમાં ડાભલાથી ગાંધીનગર સુધી વિશાળ રેલીની તંત્ર દ્વારા પરવાનગી નહી અપાતાં આખરે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી છે. જો કે, હાઇકોર્ટે અરજદાર ગુજરાત ખેડૂત સમાજને રેલીમાં કેટલા લોકો જોડાવાના છે અને રેલીમાં કેટલા વાહનો રહેશે? સહિતના મુદ્દે પૃચ્છા કરી તેની માહિતી રજૂ કરવા અરજદારપક્ષને નિર્દેશ કર્યો છે. તો સાથે સાથે રાજય સરકારને પણ આ મામલે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. ગુજરાત ખેડૂત સમાજ તરફથી કરાયેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, અમદાવાદ-ગાંધીનગરના ૬૮ જેટલા ગામડાઓને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(ઔડા)ની હદમાં સમાવવાના રાજય સરકારના ૨૦૦૯ના જાહેરનામાનો ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ થઇ રહ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે, તેઓ ખેડૂત તરીકે જ પોતાની જમીન પર ખેતી કરવા ઇચ્છે છે. શહેરી વિસ્તારમાં ભેળવવાનો અર્થ એ છે કે, તેમની જમીનનો ૪૦ ટકા હિસ્સો કપાતમાં જશે. તેથી બાકી બચેલી જમીનમાં તેઓ ખેતી કરી નહી શકે અને આખરે તેઓને જમીન વેચવાનો વારો આવે. આ સંજોગોમાં ખેડૂતનું અસ્તિત્વ મટી જવાની દહેશત છે. ખેડૂતોના વિરોધ અને પ્રશ્નોને લઇ તા.૪ જૂલાઇ અને તા.૧૧ જૂલાઇના રોજ ડભોડાથી વાહન રેલી નીકાળી ત્યાંથી ખાત્રજ, સરદાર પટેલ રીંગરોડ, વૈષ્ણવદેવી સર્કલ થઇ ગાંધીનગર પહોંચી ત્યાં મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ અને આ માટે રેલીની પરવાનગી માટે ખેડૂતો તરફથી કલોલ અને ગાંધીનગર મામલતદાર સમક્ષ અરજી પણ કરવામાં આવી હતી. જો કે, સત્તાવાળાઓએ તેેમની અરજી ફગાવી દીધી હતી. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, રાજયમાં પાટીદાર સમાજ, દલિત સમાજ સહિત અન્યો દ્વારા રેલી અને અન્ય વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો માટે માંગવામાં આવતી મંજૂરીને ફગાવી દઇ રાજય સરકાર લોકોના બંધારણીય અધિકારો પર સીધી તરાપ મારી રહી છે. લોકશાહી પ્રણાલિમાં દરેક નાગરિકને પોતાનો વિરોધ વ્યકત કરવાનો બંધારણીય અધિકાર છે અને તેમને કાર્યક્રમો યોજતા કે વિરોધ કરતાં રોકી શકાય નહી. ખેડૂતોને તેમની રેલી અને વિરોધ દેખાવો માટેની પરવાનગી આપવા હાઇકોર્ટે સત્તાવાળાઓને હુકમ કરવો જોઇએ.

Related posts

આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યાથી લોકો હેરાન

aapnugujarat

ભાવનગરમા ૪૨૧ શકુનીએા વિરૂધ્ધ કેસ

editor

પાણીના જોડાણને કાપવાને લઈને શાસક સભ્યો નાખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1