Aapnu Gujarat
ગુજરાત

આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યાથી લોકો હેરાન

અમદાવાદ આરટીઓ કચેરીમાં સર્વર ડાઉનના કારણે પાકા લાઇસન્સ સંબંધી તમામ કામગીરી ખોરવાઇ ગઇ હતી, એટલે સુધી કે, તા.૩થી પ જૂલાઇની આપેલી પાકા લાઇસન્સની ડ્રાઇવીંગ ટેસ્ટ સહિતની તમામ એપોઇન્ટમેન્ટસ પણ આરટીઓ સત્તાધીશોએ રદ કરી જે તે વાહનચાલકોને છેલ્લી ઘડીયે મેસેજ કર્યા હતા, જેને પગલે આરટીઓ કચેરીમાં આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકો-નાગરિકો પોતાની આજની એપોઇન્ટમેન્ટ હોઇ આરટીઓ કચેરી પહોંચ્યા હતા, જયાં આરટીઓ સત્તાવાળાઓએ તેમને નવી એપોઇન્ટમેન્ટ પણ લખી આપવાનો સાફ ઇન્કાર કરી ભારે હાલાકીનો ભોગ બનાવ્યા હતા. જેને લઇ આજે ૩૦૦થી વધુ વાહનચાલક નાગરિકોને આરટીઓ કચેરીનો ધરમધક્કો ખાવો પડયો હતો. લોકો પોતાના ધંધા-રોજગાર, નોકરીમાં રજા મૂકી આરટીઓ પહોંચ્યા હતા પરંતુ આરટીઓ સત્તાવાળાઓના ધાંધિયાને લઇ તેઓ ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. બીજીબાજુ, અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ આરટીઓ સત્તાવાળાઓના બેજવાબદાર વલણને વખોડતાં ઉગ્ર માંગણી કરી હતી કે, છેલ્લી ઘડીયે નાગરિકોની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી તો, તેમને નવી એપોઇન્ટમેન્ટ લખી આપવાની આરટીઓ સત્તાવાળાઓની ફરજ અને જવાબદારી છે. તંત્રના અણઘડ વહીવટ અને બિનઆવડતના કારણે નિર્દોષ નાગરિકોને હાલાકીનો ભોગ ના બનાવી શકાય. આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન અને ટેકનીકલ ક્ષતિના ઓઠા હેઠળ ફરી એકવાર નિર્દોષ નાગરિકોને તંત્રના વાંકે ભારે હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. સર્વર ડાઉનના કારણે ત્રણ-ચાર દિવસની પાકા લાઇસન્સની એપોઇન્ટમેન્ટ, ડ્રાઇવીંગ ટેસ્ટ સહિતની તમામ કામગીરી હાલ ઠપ્પ કરી દેવાઇ છે. વાહનચાલકોને આરટીઓ તરફથી છેલ્લી ઘડીયે મેસેજ કરાયા કે, તેમની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે તે બદલ દિલગીર છીએ, નવી એપોઇન્ટમેન્ટ લઇ લેવા વિનંતી. લોકો પોતાની નોકરી, ધંધા-રોજગારમાં રજા મૂકી આજે પાકા લાઇસન્સના ટેસ્ટ સહિતની કામગીરી માટે આરટીઓ કચેરી પહોંચ્યા ત્યારે તેમને નવી એપોઇન્ટમેન્ટ સુધ્ધાં લખી આપવાનો આરટીઓ સત્તાવાળાઓ દ્વારા ઇન્કાર કરી દેવાયો હતો. ઉલ્ટાનું તેઓને તા.૧૦મી જૂલાઇ પછી એપોઇન્ટમેન્ટ લેવા જણાવી દેવાતું હતુ. સેંકડો વાહનચાલકો આજે ભારે નિરાશા સાથે આરટીઓ કચેરીમાં ધરમધક્કો ખાઇ પરત ફર્યા હતા. લોકોના સમય, શકિત અને નાણાંનો દુર્વ્યય થયો હતો, જેને લઇ લોકોએ આરટીઓ તંત્રના અણઘડ આયોજન અને બેજવાબદાર વલણ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. દરમ્યાન આ મામલે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આરટીઓ તંત્રના વાંકે નિર્દોષ નાગરિકો દંડાઇ રહ્યા છે. જે વાહનચાલકોની એપોઇન્ટમેન્ટ તંત્રએ કેન્સલ કરી છે, તેમને નવી એપોઇન્ટમેન્ટ લખી આપવાની જવાબદારી આરટીઓની છે. આરટીઓ પ્રજાના કામ માટે છે અને તેમની ફરજમાં આ બાબત આવે છે, તેમની આ નૈતિક જવાબદારીમાંથી તેઓ છટકી શકે નહી. તંત્રના અણઘડ આયોજનના કારણે આમાં તો, સરકારની છબી ખરડાય છે. વળી, જો હવે વાહનચાલક પાકા લાઇસન્સ માટેની નવી એપોઇન્ટમેન્ટ લે તો દોઢ મહિના પછીની નવી તારીખ મળે છે, તેથી ત્યાં સુધી રાહ જોવી પડે. બીજું કે, આ ત્રણ-ચાર દિવસમાં જેની કાચા લાઇસન્સની મુદત પૂરી થાય છે તેની હાલત તો કફોડી છે કારણ કે, હવે તેમણે ફરીથી કાચુ લાઇસન્સ કઢાવવું પડશે. એ કઢાવ્યા પછી એક મહિના પછી પાકા લાઇસન્સની એપોઇન્ટમેન્ટ લઇ શકે અને તેમાંય દોઢ મહિના પછીની તારીખ મળશે એટલે કે, તેના ત્રણ મહિનાથી વધુનો સમય બિનજરૂરી બગડવાનો અને નવી પ્રક્રિયામાં વધારાનો ખર્ચો અલગ. આ બધા માટે જવાબદાર કોણ? આરટીઓ તંત્રના વાંકે નિર્દોષ નાગરિકો શું કરવા દંડાય અને ભોગ બને? આરટીઓ સત્તાધીશોએ તાત્કાલિક આ સમગ્ર મામલે વ્યવહારિક અભિગમ કેળવી નાગરિકોની હાલાકી નિવારવી જોઇએ.

Related posts

જશોદાનગર પોલીસ ચોકી સામે એટીએમમાં તોડફોડ

aapnugujarat

१८ किमी के समग्र रूट पर रथयात्रा का रिहर्सल हुआ

aapnugujarat

વિરમગામ નગરપાલિકામાં 3 મહિનાથી પગાર થી વંચિત, સફાઇ કામદારોએ પગાર ના પ્રશ્ર્ને લેખિતમાં રજુઆત કામથી અળગા રહ્યા.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1