Aapnu Gujarat
ગુજરાત

એસ.જી.હાઈ-વે પર ત્રણ યુવકો લૂંટાયા : એકનું મોત

મોડી રાત સુધી લોકોની અવરજવરથી ધમધમતા સરખેજ-ગાંધીનગર હાઇવે પર થલતેજ ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના પ૦૦ મીટરના અંતરમાં જ રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ત્રણ અજાણ્યા શખસોએ ત્રણ યુવકને અલગ અલગ સ્થળોએ છરીના ઘા મારી મોબાઇલ ફોન અને પર્સની લૂંટ ચલાવી હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવથી સ્થાનિક લોકો ફફડી ઉઠયા છે અને હવે એસજી હાઇવે જેવા મોડી રાત સુધી ધમધમતા જાહેર માર્ગ પર સલામતીને લઇ ગંભીર સવાલો ઉઠયા છે. બીજીબાજુ, આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે હત્યા લૂંટ સહિતનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સરખેજ ગાંધીનગર હાઇવે પર થલતેજ ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા તરફ જવાના સર્વિસ રોડ પર ચાલતા જતા ત્રણ યુવકને છરીના ઘા મારી લૂંટી લેવાયા હતા. મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં થલતેજ ગામમાં ભાડાના મકાનમાં રહેતો શુભાંકર ભાદુરી (ઉ.વ.૧૯) ઇસ્કોન મંદિર પાસે આવેલ હંગર હેવન રેસ્ટોરાંમાં કિચન હેલ્પર તરીકે નોકરી કરે છે.
ગઇકાલે મોડી રાત્રે ૧૧ વાગ્યે નોકરી પૂરી કરી સાઇકલ લઇને પકવાન ચાર રસ્તા પાસે તેના પિતરાઇ ભાઇને મળવા ગયો હતો. રાત્રે દોઢેક વાગ્યે સાઇકલ લઇને ઘરે જવા નીકળ્યો હતો. થલતેજ ગુરુદ્વારા નજીક બસ સ્ટેન્ડ પાસે સર્વિસ રોડ પર શુભાંકર પહોંચ્યો ત્યારે સામેથી બાઇક પર ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા. રોડ પર બાઇક પાર્ક કરી શુભાંકરને રોક્યો હતો. એક શખસે શુભાંકરને લાફો મારી પગના ભાગે છરીનો ઘા માર્યો હતો. છરી મારી અને પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢી લીધું હતું. પર્સ લૂંટી લીધા બાદ ત્રણેય બાઇક લઇને સર્વિસ રોડ પકવાન ચાર રસ્તા તરફ જતા રહ્યા હતા. શુભાંકર બૂમો પાડતાં તેની પાછળ દોડ્‌યો હતો. બૂમો પાડતાં આસપાસના રાહદારીઓ પણ ભેગા થઇ ગયા હતા. બનાવ અંગે વાત કરતા તે લોકો સાથે સર્વિસ રોડ પર આગળ ગયો હતો. સર્વિસ રોડ પર સુમેલ કોમ્પ્લેક્સ પાસે તેઓ પહોચતાં ત્યાં લોકોનું ટોળું ભેગું થયેલું હતું. બાઇક પર આવેલા લૂંટારુઓએ અન્ય એક યુવકને પણ હાથે અને શરીરના ભાગે છરીના ઘા મારી લૂંટી લીધો હતો. ત્યાં હાજર માણસો દ્વારા જાણવા મળ્યું હતું કે તેનું નામ સુબોધ રામનારાયણ મહંતો (રહે.થલતેજ) છે અને તે એસ.જી. હાઇવે પર એક હોટલમાં જ નોકરી કરે છે. લોકો શુભાંકર સાથે ૭૦ ફૂટ આગળ જતાં સર્વિસ રોડની કિનારી પર અન્ય એક યુવક લોહીથી લથપથ હાલતમાં રોડ પર પડ્‌યો હતો. શુભાંકર અને સુબોધને છરીના ઘા મારી લૂંટી લેનાર લૂંટારુઓ એ આ યુવકનો પણ છાતીના અને પેટના ભાગે છરી મારી લૂંટી લીધો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતાં ત્યાં પહોંચી જતાં સુબોધને અસારવા સિવિલ અને શુભાંકરને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ત્રીજા યુવક ઝુલ્ફીકારઅલી શેખ (રહે. થલતેજ. મૂળ.રહે. પશ્ચિમ બંગાળ)ને મૃત જાહેર કર્યો હતો. ઝુલ્ફીકારઅલીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બીજી તરફ પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. લૂંટ વીથ મર્ડરની આ ઘટનાને પગલે હવે એસ.જી. હાઇવે પર પણ લોકોની સલામતીને લઇ સવાલો ઉઠવા પામ્યા છે.
લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને વૃધ્ધ નાગરિકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. વસ્ત્રાપુર પોલીસે હત્યા લૂંટ સહિતનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Related posts

ત્રાસવાદી ઉબેદ-કાસીમના પરપ્રાંતિય કનેકશનો ખુલ્યા

aapnugujarat

ડભોઇનાં ચણવાડા ખાતે આવેલ પ્રેમધારા આશ્રમમાં સંતોની બેઠક યોજાઈ

editor

स्पाइस जेट : सूरत-वाराणसी और पटना के लिए सीधी उड़ान सेवा शुरू

editor

Leave a Comment

UA-96247877-1