Aapnu Gujarat
બ્લોગ

બકાના ગતકડાં

“ભાઈ તું …. સલાહ ઉપર એક પુસ્તક લખ.” સિસોટીએ રીસેસ પડતા જ બકાની બાજુમાં બેઠક લેતા વાત છેડી.
“શા માટે ?”
“પહેલા તો દર રવિવારે મારી બાઈક ધોવાનું આપણું સ્પેશિયલ કામ….તે ….. એક દિવસ મારા પડોશના કાકાએ સલાહ આપી કે હવે આના લગન કરાવી ડો ,તે બાઈકની પાછળ બેસવાવાળી આવી જાય.એ એક જ સલાહ માનવામાં આજે હું રોજ વાસણ અને કપડા ધોતો થઈ ગયો ભાઈ…!”
“જો દોસ્ત લગન એટલે લાકડાના લાડુ …એ કહેવત અમસ્તી તો નથી પાડીને ?રીલેક્સ…..આવું સહન કરતાં શીખી જઈશ ત્યારે…..છેક કેટલા વર્ષે તને સફળ પતિનો ઈલ્કાબ મળશે.”
“અરે પણ નથી જોઈતા આવા ઈલ્કાબ… પરણીને આઝાદીનું તો સત્યાનાશ થઈ ગયું છે સાલું….કોને કહેવાનું ???” સિસોટી રડમસ અવાજે બોલ્યો.
“લો પાણી પીવો….” પાંચુએ પાણીનો ગ્લાસ ધર્યો.
“ લે…. પહેલા ટિફિન ખોલ પછી વાતો કરીએ “કહી બકાએ સિસોટીનું ટિફિન ખોલી આપ્યું.
હજી તો વાત ચાલતી હતીને અડધી રજા ઉપરથી હાજર થયેલી કાજુ ધમધમ કરતી ઓફિસમાં પ્રવેશી.પોતાના ટેબલ ઉપર રીતસરનું પર્સ ફેંક્યું.અને ખુરશીમાં ફસડાઈ પડી.એના ચહેરા ઉપરથી તેના ખરાબ મૂડનો અંદાજ આવતો હતો.
બકાએ પાંચુને ઈશારો કર્યો.તરત પાંચુ પાણી લઈને કાજુના ટેબલે પહોચ્યો.
“લો મેડમ પાણી પીઓ.” અપેક્ષા મુજબ જ કાજુએ ડોકું ધુણાવીને પાણી પીવાની નાં પાડી દીધી.
“તો બોલો…શું ઈચ્છા છે ? ચા… કોફી…. લસ્સી ….આઈસ્ક્રીમ … તમે કહો એ લઈ આવું.” પાંચુએ વિવેક દાખવ્યો.
“એક વાર ના કીધું ને…માથું નઈ ખાવાનું…” બોલતા બોલતા એની આંખમાંથી આંસુ ધસી આવ્યા.તરડાયેલો અવાજ એના તૂટેલા હ્રદયની ચાડી ખાતો હતો. સ્ટાફના બધા પોતપોતાની જગ્યાએથી કાજુના ટેબ્લે આવ્યાં.
“લો પહેલાં પાણી પીને સ્વસ્થ થાવ. તમારા જેવી હિંમતવાળી આમ હિંમત હારી જાય…?” બકાએ પાણીનો ગ્લાસ પાંચુની ટ્રેમાંથી લઈ કાજુ તરફ લંબાવતા ધીમેથી કહ્યું.
“શું થયું યાર…વાય આર યુ સો ડીસટર્બ …?” પમપમે કાજુના આંસુભર્યા ચહેરાને બેય હથેળીમાં લેતાં પ્રેમથી પૂછ્યું.એ સાથે જ કાજુ મોટેથી રડી જ પડી.થોડીવારે એ બોલી શકી.
“હું કાઈ એટલી જાડી થોડી છું…?મારા વરેય મને કોઈ દિવસ જાડી નથી કીધું…”
“તો કીધું કોણે…નામ આપો…એને સીધો કરી દઈએ…” અમ્મુ બોલ્યો.
“ હું બસમાં સીટમાંથી જેવી ઉતરવા માટે ઊભી થઈ એવો જ કંડકટર મોટેથી બોલ્યો.લ્યો… સીટ ખાલી થઈ…આવી જાવ ત્રણ જણા…”
“તમે એટલા જાડા ક્યાં છો કે તમારી જગ્યામાં ત્રણ જણા સમાઈ જાય ?” પાંચુ બોલ્યો.
“ અલ્યા …. બોલવાનું ભાન રાખ…. કાજુ જરાય ઓવર વેઇટ નથી. આખા બિલ્ડીંગમાં જેટલી લેડીઝ છે…એ બધામાં સહુથી ગ્રેસફુલ જો હોય તો કાજુ. એનું સ્માઈલ જોઇને તો ગમેતેનો થાક ઉતરી જાય….સાલો કંડકટર તને નહિ બોલ્યો હોય.બીજા કોઈ પેસેન્જરને કહ્યું હશે.”બકાએ પાંચુ સામે ડોળા કાઢ્યા.
“ પણ એ સ્ટેશને તો હું એક જ ઉતરનાર હતી…”
“ ચાલ જવા દે…. અમે તને બ્યુટી ઓફ ધ ઓફિસનો ખિતાબ આપવા તૈયાર છીએ… કેમકે તું છે જ એવી સુંદર… “કાજુ વખાણ સાંભળીને શરમાઈ.કાજુનો મૂડ ચેન્જ થતો જોઇને બકાએ વાત બીજા પાટે ચડાવી.
“અરે ભાઈ આજના મુખ્ય સમાચાર તો હવે સાંભળવાના છે.સિસોટી આજે આપઘાત કરવાનો હતો….” અઆવી અણધારી જાહેરાત સાંભળીને સિસોટી ઉર્ફે સિમરીયા મોહનલાલ તિલકરામની આંખો પહોળી થઈ ગઈ…પોતે આપઘાત કરવાનો હોય,એની એને ખુદને જ ખબર નહોતી !!!!!!!એણે બ્કાની સામું જોયું.બકાએ એને આંખ મારી અને કાજુ તરફ ઈશારો કર્યો.અચ્છા … તો કાજુનો મૂડ ચેન્જ કરવા પોતે બકરો બન્યો છે… એ સમજી ગયેલા સિસોટીને બકાએ ઠોંસો માર્યો.
“અલ્યા ભાઈ તારી વાત તો કર…શું દુઃખ પડ્યું તને…???”
“પહેલા તો દર રવિવારે મારી બાઈક ધોતો… પડોશીની સલાહથી પરણ્યો…. ને એ પછી રોજ…… રોજે રોજ વાસણ અને કપડા ધોતો થઈ ગયો છું…. હુંયે માંસ છું…. કોક દાડો કામ ના કરવાની ઈચ્છા થાય તો ઘરમાં કકળાટ થી જાય. વર્ક ફ્રોમ હોમમાં ઘરેથી કામ કર્યું એમાં બૈરું ચગી ગયું છે…. કે’ છે એવું તે શું કામ હોય છે ઓફીસમાં તે ઘરનું કામ કરવાની નાં પાડો છો ?હું તો છોકરાં હાચવું કે બે ટાઈમ રાંધુ… કે ઘરમાં ધ્યાન આપું ? તમારે કઈ કામ ખરું ?નવરા ધૂપ છો તો ઘરમાં આટલી મદદ કરવામાં નખરા કરો છો….!”
એકે એક જણ ખડખડાટ હસી પડ્યું. સિસોટીને બોસ કાયમ એમ કહીને ખખડાવતાં કે અલ્યા તારા ટેબલ ઉપરથી તો કામ જ ઓછું થતું નથી.ફાઈલોનો ભરાવો જ હોય છે…… ને બાયડી કે’છે….નવરી નાથીના છો…!! કાજુથી પણ હસી જવાયું. ત્યાં તો બોસની કેબિનનું બારણું ખુલ્યું.અને એમાંથી ઉપરના માળે બીજી બ્રાન્ચમાં કામ કરતા મિસિસ રંગવાલા હળવા સ્મિત સાથે બહાર નીકળ્યાં.પાછળ પાછળ બોસ પણ બહાર આવ્યાં.
“એનીથિંગ સીરીયસ મિ.બગડિયા ?” બોસે બકાને જ પૂછ્યું.
“ના રે ના… જનરલ ચર્ચા. પુરુષ જે ધારે એ જ કરે.એમ વાત ચાલે છે….”
“ વાય ઓન ધેટ ટોપિક ?”
“ આ તો સિસોટીનું કહેવું એમ છે કે પુરુષે શું ધારવું એ સ્ત્રી નક્કી કરે છે…અને પછી જ પુરુષ જે ધારે એ કરી શકે…..આપનું શું કહેવું છે સર ? અત્યારે હજી રીસેસ છે….વાતું ઘડીક લંબાય તો ય વાંધો નહી.”
“મને તો આખી વાતમાં જ સમજ ના પડી….” બોસે વાતમાંથી બહાર નીકળી જવા બહાનું કાઢ્યું.
“ જો તમને સમજાવું… આ આપણા મિસિસ રંગવાલા ઓફિશિયલ કામે તમારી કેબિનમાં આવે… ને પછી તમે વાતો કરવાના મૂડમાં હોવ અને એમને બેસાડી રાખો…. જેમ આજે એ સવારના અગિયાર વાગ્યાના આવ્યા છે ને અત્યારે છેક પોણા ત્રણ વાગ્યે તમારી વાતો પૂરી થઈ…. એટલે કે તમે તો ધારી લીધું કે તમે કોઈ પણ રૂપાળી સ્ત્રી સાથે ઓફિશિયલ કામના બહાના હેઠળ વાતો કરી શકો છો. પણ….. આ વાત તમારા વાઈફને ખબર પડે… તો પછી શું થાય ? શું તમે આ રીતે વાતો કરવાનું અને મળવાનું ચાલુ રાખી શકો …? આ, જે પ્રશ્નાર્થ ચિહ્ન છે … એની ઉપર અમે ચર્ચામાં છીએ….એટલે પુરુષોએ શું ધારવું એ તેમની ઘરવાળી જ નક્કી કરે. એન્ડ સોરી મિસિસ રંગવાલા પર્સનલ ઉદાહરણ આપીને વાત સમજાવવી પડી… કેમકે સાહેબને સમજાયું નહી… બાકી યુ આર ઓલવેઝ વેલકમ ટુ અવર ઓફીસ એટ એની ટાઈમ… “
“યુ આર સો નોટી…. “ કહી નિર્દોષ હાસ્ય સાથે મિસિસ રંગવાલા વિદાય થયાં…. અને એ સાથે જ બોસે બકાનો કાન પકડ્યો.
“ આવો આપ, મારી કેબિનમાં.”
બોસ તો બકાને લઈને કેબિનમાં ગયાં. ત્રણ વાગ્યા… ચાર વાગ્યા…. પાંચ વાગ્યા… ક્યુરીયોસીટીના માર્યા બધા ઊંચાનીચા થતાં હતા.શું થયું હશે ?છેક…. સવા છએ બકો બહાર આવ્યો.
“બકા કેમ એટલી વાર થઈ ? બોસ શું કહેતા હતા ?”
“ ઘરે લગ્ન છે એમ કહીને બે દિવસની રજા ઉપર હતો… તે પૂછતાં હતા…કોના લગ્ન હતા ? ક્યાં હતો ? ફોટા બતાવો… એવું બધું.”
“હેં… એવું … ? ઓહ માય ગોડ !!!”
“ ડોન્ટ વરી… બતાવી દીધા.”
“વગર લગને… ફોટા કેવી રીતે આવ્યા ?”
“ અલ્યા તુલસી વિવાહ હતાંને !”
હસાહસનો અવાજ છેક બોસની કેબિનમાં સંભળાતો હતો. બોસને હવે એ ના સમજાયું કે આ બકાનું કરવું તો શું કરવું ?

લેખકઃ નિકેતા વ્યાસ કુંચાલા

Related posts

ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ

aapnugujarat

JOKES

aapnugujarat

ભારતમાં પૂર પાછળ નદીઓનું રાજકારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1