Aapnu Gujarat
બ્લોગ

માતાજીના નોરતા છે તે દર્શન કરવા ગયો.મંદિરમાં એક બેન મારી સામેના પગથિયે આવીને બેઠા, પત્નીએ ઘરે આવીને કર્યો ઝઘડો, પેલી બાઈ કોણ હતી ?નવી ગર્લફ્રેન્ડ કે જૂની ઓળખાણ ?

કેટકેટલા જબરદસ્ત પ્લાનીંગ હતાં. પ્રેમી હૈયા નવરાત્રીના બહાને એકબીજાને મળી શકાશે …અરે દૂરથી જોઈ તો શકાશે જ…એવું ધારીને બેઠાં હતાં.મોટાભાગની લેડીઝ નવરાત્રીમાં તો નવી સાડી જોઈએ જ એ બહાને સાડીની ખરીદીની રાહ જોતી હતી.કામવાળાઓ નવરાત્રી છે એટલે એક તો ઉપવાસ અને રાત્રે ગરબા કરીને થાકી જવાય એટલે નવ દિવસ કામ કરવાની રજા એ બહાને રજા પાડવાની ફિરાકમાં હતાં.છેલ્લા નવ નવ મહિનાથી ઘરમાં અને સોસાયટીમાં બંધ રહીને કંટાળેલા રીટાયર્ડ પર્સન તો આ બહાને કાયદેસર ઘરમાંથી બહાર નીકળવા મળશે એ વિચારે ખુશ ખુશ હતા.દરેક સોસાયટીના આગેવાનો અનોખું આયોજન કરી બધાને ચકિત કરી દેવાના મૂડમાં હતાં.
પણ ધાર્યું ધણીનું થાય.અચાનક પશ્ચિમ અમદાવાદમાં વધતા જતાં કોવિડ કેસને ધ્યાને લઈને સરકારે રાતના દસ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી ભેગા થવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો.જેવા ટીવીમાં આ સમાચાર જોયા કે તરત બધાના મોં વિલાઈ ગયાં.
પરીકાકી, જગાની બા, રમાકાન્તાબેન, વિજ્યાકાકી, મંજુલાકાકી, ભાનુકાકી , કસ્તુરી,અંજુ અને સોસાયટીના બધા બૈરાઓએ રાતોરાત ચુનીકાકાના ઘરમાં ખાનગી મીટીંગ બોલાવી.પરીકાકીએ ચુનીકાકાને બહાર ઓટલે ચોકી કરવા બેસાડ્યા.મીટીંગના અધ્યક્ષ સ્થાને પરીકાકી જ હતાં.
“ આ કોરોનાના કેસ વધી જ્યા હ ઈમ કરીને આ તો નવરાત્રી જ નહી કરવાની ઈમ કરી નોખ્યું હાવ…”
“મન તો આ હમાચાર જરાય ગમ્યોં નહી….ઓંમ તે કોંઈ હોતું અશ્યે…”
“આપડે તો નવરાત્રી કરવી જ છે…”
“કોંક વિચારવું પડશે….સાપેય ના મરે,ને લાઠી ય ના તૂટે…”
“ આખી સોસાયટીમાં અગડબગડ કરીને આપણું કામ કરી આપે એવું કોઈ હોય તો બકો…એક જ છે.એ આપણી બાજુ આવી જાય તો પછી ભયોભયો…”
“ કસ્તુરી હેંડ જે…બકાને ફોન કર.કીજે પરીકાકીને અરજન્ટ કૉમ સે તે બરકે સે…” પરીકાકીનો હુકમ છૂટ્યો.શ્રીમતીજીનો ફોન આવે એટલે બકાને તો ટીવી બંધ કરીને જવું જ પડે.બકો તો પહોચ્યો ચુનીકાકાને ઘેર. ચુનીકાકા તો બહાર જ બેઠેલાં.
“શું છે ચુનીકાકા મોજમાં ને ?” બકાએ ચુનીકાકાને પૂછ્યું.
“હોઉં….આપડે તો મોજે મોજ બકા…આય આય…હારું થયું આયો તો…મું એકલો એકલો કંટારી જ્યો.આ બૈરાઓની મીટીંગ હજી લગી પૂરી નહી થઈ.”
“આજ તો હવાર પડસે હવાર…મનેય કાકીએ ફોન કરીને બોલાયો છે.એટલે આયો છું…”
“લે….એવું ….બોલો !!!” ચુનીકાકાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.બકો ઘરમાં ગયો.
“ જો બકાભૈ આખી સોસાયટીમાં તમારા જેવું ડાહ્યું કોઈ માણસ છે નહી.એટલે અમે તમને બોલાયા છે.અને તમારે અમને સાથ આપવાનો જ છે.આપો વચન .”આમ કહી પહેલેથી જ વચનથી બાંધી લઈ બકાને ગમેતે થાય સોસાયટીમાં નવરાત્રી તો થવી જ જોઈએ- એ બાબતે બધા સમજાવવા માંડી પડ્યા.બકો કાઈ બોલવા જાય ત્યાં કોઈ ટપકી જ પડે.અડધા કલાક સુધી બકાનો બોલવાનો વારો આવ્યો નહી.બકો ઊભો થઈને બારણા બાજુ ચાલવા માંડ્યો.
“ બકા…કેમ અમને સાથ આપવા બોલાવ્યો છે ને તું બોલ્યા ચાલ્યા વગર જવા માંડ્યો ?” ભાનુકાકી મોટે સાદે બોલ્યા.
“ તો શું કરું ? આઈડીયા મારે દોડાવવાનો……તમારું કામ મારે કરવાનું……ને મને કોઈ સાંભળતું જ નથી….ક્યારનો બોલવાની કોશિષ કરું છું.કોઈ બોલવાનો મોકો જ નથી આવવા દેતું.પછી તો ઘરે જાઉં કે નહી ??”
“ થોડીક તો બુદ્ધિ દોડાવ.આ તારા ઓડીયન્સ તરફ જો…..આ બધા પોતાના ઘરમાં એકધારા એટલું બોલ બોલ બોલ બોલ કરે છે…કે…… એમને બોલવાની જ ટેવ છે….સાંભળવાની નહી….અને આવી છોટી છોટી બાતોં કો દિલ સે નહી લગાતે….આવી જા પાછો.બોલ હવે તારો જ વારો .”સુમનભાભીની વાત સાંભળીને ઓડીયન્સમાં હસાહસ થઈ ગઈ.
“માતાઓ અને બહેનો…તમે મારા ઉપર જે ભરોસો મુક્યો છે એ માટે આપ સહુનો આભાર.પણ હું જે કહીશ એ સ્પષ્ટ કહીશ.આમ તો આ વર્ષે કોરોનાને કારણે મેળાવડા બંધ છે ત્યારે સરકારી આદેશનું પાલન કરીને આપણે નવરાત્રી આયોજન ના કરીએ તો સારું.”
હજી તો બોલવાનું પૂરું કરે એ પહેલાં જ બધી લેડીઝે વાતનો વિરોધ કરીને હુરિયો બોલાવ્યો.ગોકીરાના અવાજથી ચુનીકાકા અંદર ધસી આવ્યાં.
“અલ્યા હું છે આ બધું…?”
“તમતમારે બા’ર બેહો.કોઈ અંદર ના આબ્બુ જોઈએ.જો બકા જીન જે કરવું હોય ઈ કર…પણ આપડી સોસાયટીમોં ગરબા કરવાના હ…ને તારે જ કરાબ્બાના હ…..બસ ફાઈનલ…” પરીકાકીએ સત્તાવાહી અવાજે કહ્યું.
“તો તમારે બધાએ મને સાથ આપવો પડશે. કારણ કે આપણી સોસાયટીમાંથી જ જો કોઈ પોલીસને બાતમી આપી દે તો મોટું લફરું થઇ જાય.બધાને જેલમાં જવું પડે…..એટલે સૌથી પહેલું કામ બધા પોતપોતાના ઘરના સભ્યોને આ રીતે ખાનગીમાં નવરાત્રી કરવા દેવા મનાવશે.હવે બીજું કામ…..જગ્યા કઈ રાખીશું ?સોસાયટીના કોમન પ્લોટમાં તો ગરબા થશે નહી…કેમકે બહાર રોડ ઉપર પેટ્રોલિંગ માટે પોલીસ જીપ નીકળે એ તો તરત જોઈ જાય…..ત્રીજી વાત….ડીજે બોલાવીએ એટલે આજુબાજુવાળી સોસાયટીઓને પણ ખબર પડે…એમાંથી કોઈ ફોન કરે તોય પોલીસની રેડ પડે….સરકારી આદેશોનું બને ત્યાં સુધી પાલન કરીશું.બધા માસ્ક ફરજીયાત પહેરશે.એકબીજાથી અંતર જાળવશે.એક કલાકથી વધારે સમય ગરબા નહી થાય….”
“ મંજૂર …. મંજૂર …. મંજૂર ….” બધાય ખુશખુશાલ થઈ ગયાં.આખી વાતની ગુપ્તતા જાળવવાના શપથ લઈને મંડળી વિખેરાઈ.
મોટાભાગના ઘરેથી થોડી આનાકાની પછી ખાનગીમાં નવરાત્રી ઉજવવાની હા પાડી.સોસાયટીના સિત્તેર ઘરમાંથી ચાર ઘર સંપર્ક વિહોણા હોવાને કારણે બાકી રહ્યાં.એક તો ઐયર ,બીજો નટુ મારવાડી,ત્રીજો ચંપક ચાંપલો અને ચોથો કરશન કીટલી.ચારે ચાર અઘરી નોટો…!
આખી રાત જાગીને બકાએ પ્લાનીગ વિચારી લીધું.ચંપક અને કરશન બેય મિત્રોને ક્યાંકથી ફ્રી ટીકીટ લાવી આપી શિમલા દસ દિવસ ફરવા મોકલી દીધા.નટુની મા રાજસ્થાન રહેતી હતી.એના ઘરે નકલી જ્યોતિષી મોકલ્યો.એણે માજીને કહ્યું કે તમારો મોટો દીકરો જો પૂર્વજોના આ ઘરમાં આખી નવરાત્રી રોજના એક હજાર જાપ કરે તો કુળદેવી પ્રસન્ન થઈ તમને અખૂટ ધનલાભ આપશે,પણ આ વાત કોઈને કહેવી નહી. માજીએ તો તરત નટુને તાબડતોબ રાજસ્થાન તેડાવી લીધો.
ઐયરને બકા સાથે છત્રીસનો આંકડો હતો.એના ઘરે ધીમેકથી વાત વહેતી કરી કે બાજુની સોસાયટીમાં ભૂત થયું છે.પેલા પતિ-પત્ની બેય કોરોનામાં મરી ગયાં છે ને …..રાતના એમના ધાબેથી ધીમા ધીમા ગરબાના અવાજો સંભળાય છે.પાછી એની એ વાત બે-ચાર જણા જઈને ઐયરને ખાસ કહી આવ્યાં.હવે એ ગરબાનો અવાજ સાંભળે તો ય રાત્રે બહાર ના જ નીકળે.ઐયરની બૈરી તો આમેય ગરબા ગાવા આવે એમ નહોતી.પણ જો ઐયર વાત જાણી જાય તો તો ખતરો….પણ એનોય ઉપાય થઇ ગયો. અમથા કાકાના ધાબે રાત્રે સાડા નવે નવરાત્રી શરુ થઈ…..એય ને ભક્તિભાવથી માતાજીની આરતી કરી.પ્રસાદ ખાધો.ને એક સાથે દસ મોબાઈલમાં કનેક્ટ કરીને ગરબા વગાડ્યા….આહા…બધા ગરબાના તાલમાં ઝૂમી ઉઠ્યા.ગરબા અડધે પહોચ્યા હશે ને ઉપર આકાશમાં ડ્રોન ઉડતું દેખાયું.સૌથી પહેલી નજર જ બકાની પડી. એણે ઝડપથી બૂમ પાડી…
”લાઈટ્‌સ ઓફ…. ડ્રોન છે….” બધાના શ્વાસ અધ્ધર થઈ ગયાં. ધાબાની ઓરડીમાં લેડીઝ ઝટપટ પેસી ગઈ.થોડા પુરુષો છુટા છવાયા ધાબે ઊભા રહ્યાં. ડ્રોન બે-ત્રણ ચક્કર મારીને પછી આગળ વધ્યું.હવે બધા નીચે ઉતર્યા .અમથાકાકાના ઘરમાં નાસ્તો બનાવ્યો હતો.
ઉચાટ જીવે ગરમાગરમ ભજીયા ખાઈ બધા છૂટા પડ્યા.ફટાફટ પોતપોતાના ઘરે રવાના થયાં.એટલામાં પોલીસની જીપ સોસાયટીમાં આવી.
લોકેશન ઉપરથી પોલીસપાર્ટી સીધી પહોચી અમથાકાકાના ઘરે….અમથાકાકાની સાથે ત્રણચાર જણા ઊભા હતા.બધાયની પૂછપરછ કરી.અહી કેમ ઊભા છો ?બીજા કોણ કોણ ભેગા થયા હતા ? એના જવાબમાં અમથાકાકાએ સાફ ના પાડી.
“અહી કેમ ઊભા છો ?”પોલીસે બકાને પૂછ્યું.
“ મારી બૈરી સવારની રિસાઈ ગઈ છે…કેમ ? તો મેં સવારમાં સ્ટેટ્‌સ મુક્યું કે અઆજની સવાર ખૂબ સુંદર છે…..આજે દિવસ નક્કી સારો જશે.એ વાંચીને મારી ભડકેલી પત્નીએ નીચે લખ્યું….ચેલેન્જ એક્સેપટેડ.મને આજે સવારનો ઘરની બહાર કાઢી મુક્યો છે.આ જુઓ અંદર એને મનાવવા કાકી ક્યારના મહેનત કરે છે.ભાઈ તમે પણ મારા વતી મનાવી જુઓને…..પોલીસવાળાનું કદાચ માની પણ જાય.” બકાએ કહ્યું.
“કાકા તમે અહી કેમ ઊભા છો ?”પોલીસે ચુનીકાકાને પૂછ્યું.
“ ભૈશાબ મને ના પૂછો તો હારું….આ નોરતા ચાલે છે તે હું તળાવે માતાજીનું મંદિર છે ત્યાં સાંજે દર્શન કરવા ગયેલો.મારો ભાઈબંધ કે’ તું અહી પગથિયે બેસ.હું અબઘડીએ ચંપલ સંધાવીને આવું.એની રાહ જોતો હું તો બેઠો.એવામાં એક બેન મારી સામેના પગથિયે આવીને બેઠાં.અને મારી પત્ની પણ દર્શન કરવા આવી.એણે ઘરે આવીને કર્યો ઝગડો.પેલી બાઈ કોણ હતી ?નવી ગર્લફ્રેન્ડ કે જૂની ઓળખાણ ?મેં એમ કહ્યું કે મેં એને પૂછ્યું નથી.કાલે પૂછી લઈશ.એમાં તો એવી તપી ગઈ… એવી તપી ગઈ…મને સાંજનો ઘરબહાર કાઢી મૂક્યો છે.હવે હું શું કરું ?” પોલીસવાળાએ મૂછમાં હસીને વિદાય લીધી.
હવે બકાએ પાનાચંદ પવાલીને પકડ્યો.ભજીયા ખાતી વખતે એની શંકાસ્પદ હરકતોનું કારણ પૂછ્યું.
“કેમ આજે આપ સાહેબ વારેઘડીયે ભજીયા લેવા જતા હતા ? પાછા ખાવાના તો નહી…બીજાને આપી દેવાના …અને સુંઘે તો એવી રીતે….જાણે જિંદગીમાં ભજીયા પહેલીવાર ખાય છે…” બકાએ ડોળા કાઢ્યા. “હું ભજીયા થોડો સુંઘતો હતો…? ભજીયા વહેચવા વાળી બાઈ નાસ્તો આપતા આપતા સેનીટાઇઝર વારે ઘડીએ એના હાથના મોજા ઉપર રેડતી હતી. હું તો સેનીટાઇઝરની માદક સુગંધ લેવા જ જતો હતો …… પીવાય નહી પણ સુગંધ તો લેવાયને ……હા હા હા…” પાનાચંદની કેફિયત સાંભળીને હસીનું મોજું ફરી વળ્યું. “સાલા સુધરી જા…એ બાઈ મારી ઘરવાળી હતી…પછી કહેતો નહી ,તારું નામ પાનાચંદ પવાલીમાંથી પાનાચંદ બાટલી થઈ જાય તો…..”
ગરબા તો કરવાના જ હતાં.બીજે દિવસથી બધાએ પોતપોતાના ઘરે વિડીયો કોન્ફરન્સીંગથી ગરબામાં ભાગ લીધો.પણ બે હજાર વીસના ગરબા યાદગાર બની ગયાં.

Related posts

મોદી માટે મોરચો મુશ્કેલ રહેશે

aapnugujarat

અવિસ્મરણી પાત્રોનાં સર્જક : સ્ટેન લી

aapnugujarat

રાસાયણિક શસ્ત્રો હતાં અને રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1