Aapnu Gujarat
બ્લોગ

અવિસ્મરણી પાત્રોનાં સર્જક : સ્ટેન લી

અમેરિકન કોમિક બૂકના ગ્રાન્ડપા અને છેલ્લા એક દાયકામાં જે ફિલ્મોએ સૌથી વધારે કમાણી કરી છે તેના મુખ્ય કેરેક્ટર્સ એટલે કે સુપરહીરોઝના સર્જનહાર સ્ટેન લીનું ૯૫ વર્ષની વયે સોમવારે નિધન થયું છે. એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નથી કે તેમણે ફિક્શન અને ખાસ કરીને ગ્રાફિક નોવેલ્સની દુનિયાને એક અલગ જ કક્ષાએ પહોંચાડ્યા છે. તો તેમણે એ પણ ધ્યાન રાખ્યું કે બધાને આ વાતનો ખ્યાલ પણ રહે!પલ્પ મેગેઝિન્સથી માંડીને મલ્ટિ મિલિયન ડોલર મુવીઝની સફર તેમના સુપરહીરોઝે ખેડી છે. તેમણે સ્પાઇડરમેન, ધ ફેસ્ટાસ્ટિક ફોર, આયર્ન મેન, ધ ઘોસ્ટ રાઇડર અને ઇન્ક્રેડિબલ હલ્ક જેવા સુપરહીરોઝ આપણને આપ્યા છે. આ બધા જ સુપરહીરોઝ એકદમ રિઅલ લાઇફના લોકો જેવા છે. ક્યારેક તો ખ્યાલ ન આવે કે તેમનામાંથી વિલન કોણ અને હીરો કોણ? કારણ કે આ સુપરહીરોઝ ક્યારેક આપણી જેમ નિર્ણયો લેવામાં ભૂલ પણ કરે છે!માર્વેલ એમ્પાયરના પબ્લિશર સ્ટેન લીના સુપરહીરોઝ ડીસી કોમિક્સના સુપરમેન કે બીજા હીરોઝથી અલગ છે. ધ ફેન્ટાસ્ટિક ફોર તો એક બીજાની સાથે લડ્યા હતા. સ્પાઇડરમેન પણ તેના ઓલ્ટર ઇગો પિટર પાર્કરની સમસ્યાઓ સાથે આવ્યો હતો. આ હીરોને ડેન્ડ્રફ હતા તો સાથે તેને પૈસાની પણ તકલીફ રહેતી હતી. ધરતી પર આવી ગયેલો એલિયન ધ સિલ્વર સર્ફર પણ અલગ હતો. તો ધ હલ્ક ક્યારેક પોતાની જાતને જ નુક્સાન પહોંચાડતો હતો. ડેરડેવિલ બ્લાઇન્ડ હતો તો આયર્નમેનનું હૃદય નબળું હતું.હોલિવુડની ફિલ્મોનાં ચાહકોને માર્વેલની ફિલ્મોનાં સુપરહીરો કદાચ સૌથી વધારે ગમતા હોય છે અને આ હીરોનું સર્જન સ્ટેન લીએ કર્યુ હતું.૧૯૨૨ની ૨૮મી ડિસેમ્બરે જન્મ લેનાર સ્ટેનલી માર્ટિન લીબર હાલમાં જ બારમી નવેમ્બરે અવસાન પામ્યા હતા.૧૯૪૦થી માંડીને ૨૦૧૦ સુધી તેઓ કોમિક બુક રાઇટર, એડિટર અને પ્રકાશક તરીકે સક્રિય રહ્યાં હતા.તેમણે પોતાની બે દાયકાની કારકિર્દી દરમિયાન સ્પાઇડર મેન, એકસ મેન, આર્યન મેન, થોર, હલ્ક, બ્લેપેન્થર, ડેર ડેવિલ, ડોકટર સ્ટ્રેન્જ અને આંટમેન જેવા અવિસ્મરણીય સુપરહીરોનાં પાત્રોનું સર્જન કર્યુ હતું.તેઓ માર્વેલમાંથી ૧૯૯૦માં નિવૃત્ત થયા હતા.તેઓ જો કે ત્યારબાદ પણ કંપની માટે મહત્વનાં સાબિત થયા હતા અને માર્વેલની ફિલ્મોમાં પણ ચમકતા હતા.તેમને કોમિકસ ક્ષેત્રે પ્રદાન માટે ૧૯૯૪માં વિલ આઇસનર એવોર્ડ હોલ ઓફ ફેમથી નવાજવામાં આવ્યા હતા ત્યારબાદ ૧૯૯૫માં તેમને જેક કિર્બી હોલ ઓફ ફેમ પણ એનાયત કરાયો હતો.૨૦૦૮માં તેમને નેશનલ મેડલ ઓફ આર્ટસ પણ અપાયો હતો.તેમનો જન્મ ન્યુયોર્કનાં મેનહટનમાં થયો હતો.તેમનાં પિતા ટેલરને ત્યાં ડ્રેસ કટિંગનું કામ કરતા હતા પણ ગ્રેટ ડિપ્રેશનને કારણે તેમનો પરિવાર ફોર્ટ વોશિંગ્ટન એવેન્યુમાં શિફટ થયો હતો.બાળપણમાં તેમને એરોલ ફિલનની ફિલ્મો વધારે પસંદ હતી.જો કે તેમને ત્યાંથી પણ ઘર બદલવું પડ્યું હતું જ્યાં તેઓ નાનકડા ઘરમાં રહેતા જ્યાં તેમને તેમનાં ભાઇની સાથે સુવુ પડતું હતું અને તેમનાં માતા પિતા કાઉચ પર સુઇ જતા હતા.તેમણે પોતાનો અભ્યાસ બ્રોન્કસની ડી વીટ ક્લિન્ટન હાઇસ્કુલમાં કર્યો હતો.ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેઓ એકવાર અમેરિકાની મહાન નવલકથા લખશે.તેઓ ત્યારે અખબારોમાં લખવાનું કામ કરતા હતા.તેઓ આ ઉપરાંત ઘરમાં મદદરૂપ થવા માટે રોકફેલર સેન્ટરની ઓફિસોમાં જેક મે ફાર્મસીની સેન્ડવીચ પહોંચાડવાનું પણ કામ કરતા હતા.તેમણે ઓફિસ બોય તરીકે પણ કામ કર્યુ હતું.સોળ વર્ષની વયે તેઓ ગ્રેજ્યુએટ થયા હતા અને ફેડરલ થિયેટર પ્રોજેકટમાં જોડાયા હતા જેમાં તેમની મદદ તેમનાં કાકા રોબી સોલોમને કરી હતી.૧૯૩૯માં તેઓ માર્ટિન ગુડમેન કંપનીમાં આસિસ્ટંટ તરીકે જોડાયા હતા.
આ જ કંપની ત્યારબાદ ૧૯૬૦માં માર્વેલનાં નામે જાણીતી બની હતી.જો કે અહી તેમણે શરૂઆતમાં કંપનીનાં લોકો માટે લંચની વ્યવસ્થા કરવાનું, શાહી ભરવાનું, પ્રુફ રીડિંગનું કામ કર્યુ હતું.જો કે લેખક બનવાની તેમની મહેચ્છા મરી પરવારી ન હતી અને તેમણે સ્ટેન લીનાં નામ હેઠળ કેપ્ટન અમેરિકાનું સર્જન કર્યુ હતું.જો કે ત્યારબાદ તેમણે પોતાનાં અસલ નામ હેઠળ સૌપ્રથમ સુપરહીરોનું સર્જન કર્યુ હતું જે પાત્ર મિસ્ટીક કોમિકસમાં ડિસ્ટ્રોયર તરીકે જાણીતું બન્યું હતું.આ જ ગાળા દરમિયાન તેમણે જેક ફ્રોસ્ટ, ફાધર ટાઇમનું પણ સર્જન કર્યુ હતું.૧૯૪૧માં જેક કિર્બી અને સિમોને ગુડમેન સાથેનાં વિવાદને કારણે કામ છોડ્યું ત્યારે અચાનક જ માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે જ તેમને વચગાળાનાં એડિટરની કામગિરી સોંપાઇ હતી.આ તકનો સ્ટનલીએ ભરપુર ઉપયોગ કર્યો હતો અને કંપનીને ખ્યાતનામ બનાવી હતી અને તેમનાં કોમિકસ ઘરઘરમાં પહોંચી ગયા હતા અને તેમની આ કામગિરીને કારણે જ તેઓ એડિટર ઇન ચીફ અને ત્યારબાદ ડિરેકટરનાં પદ પર પહોંચ્યા હતા.
૧૯૭૨માં તેઓ ગુડમેનનાં પબ્લિશર બન્યા હતા.સ્ટેન લીએ ૧૯૪૨નાં આરંભિક ગાળામાં અમેરિકાનાં લશ્કરમાં સિગ્નલ કોર્પની કામગિરી બજાવી હતી.જ્યાંથી તેમને ટ્રેઇનિંગ ફિલ્મ ડિવિઝનમાં ટ્રાંસફર કરાયા હતા.અહી તેમણે મેન્યુઅલ રાઇટિંગ, ફિલ્મ ટ્રેઇનિંગ, સ્લોગનનું લખાણ અને ક્યારેક ક્યારેક કાર્ટુન બનાવવાનું કામ કર્યુ હતું.૧૯૫૦નાં વચગાળામાં લીએ એટલાસ કોમિકસ માટે વાર્તાઓ લખવાનું કામ કર્યુ હતું તેમણે ત્યારે રોમાન્સ, વેસ્ટર્ન્સ, હ્યુમર, સાયન્સ ફિકસન, હોરર અને સસપેન્સ પર હાથ અજમાવ્યો હતો.૧૯૫૦માં તેઓએ પોતાનાં સહયોગી ડાન ડી કાર્લો સાથે મળીને રેડિયો કોમેડી મેરી વિલ્સન પર આધારિત ન્યુઝપેપર સ્ટ્રીપ માય ફ્રેન્ડ ઇર્માનું સર્જન કર્યુ હતું.જો કે ત્યારે લીને પોતાની કારકિર્દીથી સંતોષ ન હતો અને તે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હતા.ડી સી કોમિકસનાં તંત્રી જુલિયસ સ્વાર્ટઝે સુપરહીરોની શ્રેણીને ફરીથી નવા સ્વરૂપે લાવવાનું કામ કર્યુ હતું જે જસ્ટીસ લીગ ઓફ અમેરિકા તરીકે ખ્યાતનામ થઇ હતી.ત્યારે લીએ આ પાત્રોમાં પરિવર્તનનો આરંભ કર્યો હતો અને તેમને વધારે નેચરલ બનાવ્યા હતા.ત્યારે કિર્બીની સાથે લીએ ફેન્ટાસ્ટીક ફોરનું સર્જન કર્યુ હતું અને તેમને ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી.ત્યારબાદ કિર્બી સાથે જ તેમણે હલ્કનું સર્જન કર્યુ હતું આ જ શ્રેણીમાં તેમણે થોર, આર્યન મેન અને એકસ મેનનું સર્જન કર્યુ જ્યારે બિલ એવરેટ સાથે ડેર ડેવિલનું સર્જન કર્યુ હતું.સ્ટીવ ડિકો સાથે ડોકટર સ્ટ્રેન્જ અને સૌથી લોકપ્રિય પાત્ર સ્પાઇડર મેનનું સર્જન કર્યુ હતું.કિર્બી સાથે જ તેમણે ધ એવેન્જર્સ, કેપ્ટન અમેરિકાનું પણ સર્જન કર્યુ હતું.૧૯૬૦નાં સમયગાળામાં સ્ટેન લીએ માર્વેલની મોટાભાગની શ્રેણીઓનું કામ કર્યુ હતું.તેઓ ત્યારે સ્ટેન્સ સોપબોકસ નામે કોલમ પણ લખતા હતા, પ્રમોશનલ કોપીઓનું લખાણ પણ તેઓ જ કરતા હતા જેનાં પર તેમનો ટ્રેડમાર્ક મોટ્ટો એકસલસાયર છપાતો જે ન્યુયોર્ક સ્ટેટનો મોટ્ટો પણ બન્યો હતો.જહોન રોમિતો ત્યારે સ્ટેનલી સાથે જોડાયા હતા અને અમેઝિંગ સ્પાઇડર મેનનું સર્જન કર્યુ હતું જે ત્યારે કંપનીની ટોપ સેલર બની હતી.ત્યારે તેમનું ધ્યાન સામાજિક મુદ્દાઓ પર રહેતું હતું અને તેમની કોમિક સ્ટોરીમાં વિયેટનામ યુદ્ધની પણ ચર્ચા થતી હતી.તેમણે ત્યારે ફેન્ટાસ્ટીક ફોરની સિરીઝ લખી હતી અને પ્રથમ બ્લેક સુપર હીરો બ્લેક પેન્થરની રચના કરી હતી.૨૦૦૧માં માર્વેલ રીડર્સનાં પોલમાં ફેન્ટાસ્ટીક ફોરને ૨૪મો ક્રમાંક અપાયો હતો.લીએ ત્યારે જહોન બુસેમા સાથે મળીને ૧૯૬૮નાં ઓગસ્ટમાં સિલ્વર સર્ફર સિરીઝ લોન્ચ કરી હતી.ત્યારબાદનાં વર્ષે જિન કોલોન સાથે ફાલ્કનની રચના કરી હતી જે કેપ્ટન અમેરિકામાં પહેલો આફ્રિકન અમેરિકન સુપરહીરો બની રહ્યો હતો.૧૯૭૧માં સ્ટેન લી કોમિકસ કોડનાં સુધારા માટે કારણરૂપ બન્યા હતા ત્યારે અમેરિકાનાં આરોગ્ય વિભાગે લીને ડ્રગ્ઝનાં ગેરફાયદા અંગે કોમિક બુક સ્ટોરી લખવા જણાવ્યું હતું અને લીએ ધ અમેઝિંગ સ્પાઇડરમેનમાં આ વિષયવસ્તુનો સમાવેશ કર્યો હતો જેમાં પીટર પાર્કરનો મિત્ર ડ્રગ્ઝનો ભોગ બનતો દર્શાવાયો હતો જો કે કોમિકસ કોડ ઓથોરિટીએ લીને પોતાનો સિક્કો વાપરવા દીધો ન હતો તેમનું કહેવું હતું કે આ સ્ટોરીમાં ડ્રગ્ઝનાં ઉપયોગ કરવા માટે પ્રચાર કરાયો છે.જો કે લીએ સરકારનાં સહયોગને કારણે તે સિક્કા વિના જ પ્રસિધ્ધ કરી હતી.આ કોમિકસ ત્યારે ભારે વેચાયુ હતુ અને લોકોએ પણ સ્ટેનલીનાં વખાણ કર્યા હતા.
સ્ટેનલીએ આ ઉપરાંત પણ અન્ય કેટલાક સામાજિક મુદ્દાઓ પોતાની કોમિકસમાં ઉઠાવ્યા હતા.જો કે પ્રકાશક તરીકેની વ્યસ્તતાને કારણે લીએ માસિક કોલમ લખવાનું બંધ કરી દીધુ હતું.ત્યારબાદ તેઓ અમેરિકામાં માર્વેલનો ચહેરો બની ગયા હતા તે અમેરિકાનાં જુદા જુદા શહેરોમાં જતા હતા અને કોલેજમાં વકતવ્ય આપતા હતા.તેઓ ૧૯૮૧માં કેલિફોર્નિયા શિફટ થયા હતા અને માર્વેલ્સ ટીવી એન્ડ મુવીઝ પ્રોપર્ટીની સ્થાપના કરી હતી.તેમણે ત્યારે માર્વેલની ફિલ્મોમાં એકઝિક્યુટીવ પ્રોડયુસરની ભૂમિકા ભજવી હતી અને તેઓ ફિલ્મોમાં પણ ચમકતા હતા.ત્યારે તેઓ કંપનીનાં પ્રેસિડન્ટ હતા જો કે તે પ્રકાશક તરીકે વધારે ખુશ હતા.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભારતમાં દુનિયાનું સૌથી ખતરનાક કોરોના વેરિએન્ટ

editor

પાણી પૃથ્વી પરના જીવનને માટે આશીર્વાદરૂપ છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1