Aapnu Gujarat
બ્લોગ

પાણી પૃથ્વી પરના જીવનને માટે આશીર્વાદરૂપ છે

પૃથ્વી પર અવતર્યા ત્યારથી આપણને પાણી સાથે પનારો પડ્યો છે. જો કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી તેને પાણી સાથે સંબંધ હોય છે. પાણી એ જ જીવન. જીવનનું બીજું નામ પાણી. પૃથ્વી પર જીવન દરિયાના તળિયે ઉત્પન્ન થયું હોય કે બાહ્ય આકાશમાંથી આવ્યું હોય, પણ પાણી સાથે તો તેનો સંબંધ છે જ. માટે જ વિજ્ઞાનીઓ બ્રહ્માંડમાં બીજે જીવન છે કે નહીં, તે જાણવા બીજા ગ્રહ પર પાણી છે કે નહીં તેની જ પ્રથમ ભાળ કાઢે છે. બીજા ગ્રહ પર જીવન છે કે નહીં તે જાણવા બીજો મુદ્દો તે વાયુમંડળ. છેવટે વાયુમંડળમાં મુખ્ય ઘટક તો પાણી જ છે.
પાણી નિરંજન-નિરાકાર છે. તેને કોઈ આકાર નથી. સ્વાદ નથી, નથી ગંધ, કે રંગ, પણ તે અમૃત છે. પાણીને જ અમૃત કહેવું જોઈએ. કોઈએ અમૃત જોયું નથી કે પીધું નથી. વાર્તાઓમાં અમૃતની વાત આવે છે. સમુદ્રમંથન વખતે અમૃતકુંભ મળી આવ્યો. તેવી વાત છે, પણ આપણા માટે તો પાણીનો કુંભ જ અમૃતકુંભ છે.
પાણી હકીકતમાં ઘણા પ્રકારનાં છે. દરેકે દરેક પ્રવાહીમાં પાણીનો જ અંશ હોય છે. પાણી, પ્રવાહીઓમાં સ્ટાન્ડર્ડ છે. દરેક પ્રવાહીને પાણી સાથે સરખાવવામાં આવે છે. કોઈ પ્રવાહી પાણીના મુકાબલે કેટલું ચલાયમાન છે, કેટલું ઘન છે વગેરે. પાણીના સામાન્યરૂપે ત્રણ રૂપ છે. પ્રવાહી પાણી, વાયુરૂપ વરાળ અને ઘન સ્વરૂપે બરફ. લાગે કે આ ત્રણે જુદાં જ હોય.
કલ્પના કરો કે પ્રાચીન માનવીએ જ્યારે પાણીને જોયું હશે ત્યારે તેને શું થયું હશે? જ્યારે વરસાદ વરસતો હશે ત્યારે તેને શું થયું હશે? તેને થયું હશે કે આકાશમાં પાણીના જળાશયો ભરેલાં છે અને તેમાંથી પાણી આવે છે. વરસાદ વરસતો બંધ થશે કે નહીં, તેની પણ તેને વિમાસણ થઈ હશે. વાદળો દેખાય અને પછી વરસાદ આવે તો તેને થયું હશે કે એ વાદળા પાણીને ભરી રાખે છે. વાદળા આમ તેમ ફરતા જોઈને તેને શું થયું હશે? પછી તે માનતો થયો હશે કે વાદળો દેખાય એટલે વરસાદ આવે. અને વાદળો હોય, પણ તે વિખેરાઈ જાય કે વરસાદ ન આવે ત્યારે તેને કેવા વિચારો આવ્યા હશે? પાણીના તળાવોમાંથી મહિનાઓ જતાં પાણીનું સ્તર નીચે જતું હશે ત્યારે તેને કેવા વિચારો આવ્યા હશે. પાણીનું ટીપું એમ ને એમ થોડા સમયમાં અદૃશ્ય થઈ જતું હશે ત્યારે તેણે શું વિચાર્યું હશે. સૂર્યની હાજરીમાં કપડા જલદી સુકાઈ જતા જોઈને તેને શું થયું હશે? વરસાદને તેથી તેણે દેવ તરીકે લીધા. જળદેવતા-વરુણદેવતા. પૃથ્વીને જેના પર તે રહે અને ચાલે છે તેણે દેવતા તરીકે લીધા. પવન જે ઠંડો ફૂંકાય, જોરથી ફૂંકાય, વાવાઝોડું-વંટોળ આવે જોરથી ફૂંકાય, ઝાડોને ઉખેડી નાંખે તેવો પવન ફૂંકાય, તે જોઈને તેણે પવનને દેવતા માન્યા હશે. સૂર્યને દેવતા માન્યા હશે, અગ્નિની તાકાત અને પ્રકાશ જોઈને અગ્નિને તેણે દેવતા તરીકે લીધો હશે. આમ પાંચ મહાભૂતોમાંથી ચાર મહાભૂત જળ, વાયુ, અગ્નિ, પૃથ્વીનો તો તેણેે સાક્ષાત્‌ કર્યો જ, પણ ખાલીખમ અંતરીક્ષને તેને પંચમહાભૂતોમાં સમાવેશ કર્યો તે મહાનજ્ઞાની, તત્ત્વજ્ઞાની ઋુષિ-મુનિઓની દેન છે. આમ પંચમહાભૂતના વિચારો અસ્તિત્વમાં આવ્યાં.
છેવટે પૃથ્વી પર અગ્નિદેવતાની હાજરી થઈ. તેની શક્તિ જોઈને, ગરમીનો અનુભવ કરીને, જંગલી જાનવરને ભગાડવાની શક્તિ જોઈને, પ્રકાશ દેવાની શક્તિ જોઈને, પાણીને વરાળ કરવાની શક્તિ જોઈને તે અગ્નિને મહાદેવ માનવા લાગ્યો. દિવસે સૂર્યના આ બધા અગ્નિના લક્ષણો જોઈ તે સૂર્યને અગ્નિદેવતાનું સ્વરૂપ માનવા લાગ્યો. જગતનો સૌ પ્રથમ ગ્રંથ ઋગવેદનો પ્રારંભ જ અગ્નિદેવતાની પ્રાર્થનાથી થાય છે. અગ્નિમીળે પુરોહિતમ્‌ અગ્નશ્યદેવ મુત્વિગમ્‌ હોતારં રત્નધાતલમ્‌? આટલી પ્રતિષ્ઠા અગ્નિની તેઓ કરતાં.
પાણીનું વરાળ સ્વરૂપ તેણે અગ્નિ-સૂર્યની હાજરીમાં જોયું અને તેનું ઘનસ્વરૂપ બરફના રૂપમાં જોયું. વરસાદમાં વાતાવરણ ખૂબ ઠંડું પડે અને ઓલા પડે તે જોઈને તેને નવાઈ લાગી હશે અને પછી પીગળીને પાણી થતાં જોઈને તેને પાણીનું બરફ સ્વરૂપ સમજમાં આવ્યું હશે.
પાણી જલદીથી દૂષિત થાય છે, અને તેની દૂષિત તા તેના વહેણમાં રહે છે. દૂષિતતા પ્રમાણે તેનો રંગ થાય છે. વાયુ પણ જલદી દૂષિત થાય છે, તે ચારેકોર જલદી ફેલાય છે. પાણી બ્રહ્મનનું સ્વરૂપ છે. તે જે વાસણમાં ભરાય છે તેવો તે આકાર ધારણ કરે છે. પહેલા એમ મનાતું કે અંતરીક્ષમાં દૂષિત -દુર્ગંધ ફેલાય છે. તેને પોતાની ગતિ છે, પણ પછી ખબર પડી કે અંતરીક્ષની હવા તેને ફેલાવે છે, પવન તેને ફેલાવે છે.
જમીન જલદી ગરમ થાય છે, પણ પાણી જલદી ગરમ થતું નથી. તેથી હવા પાણી પરથી જમીન તરફ વહે છે અને કિનારાના પ્રદેશને ઠંડું રાખે છે. હકીકત પછી એ સાબિત થઈ કે સૂર્યની ગરમીથી જમીન પરની હવા જલદી ગરમ થઈ ઉપર જાય છે, તેની જગ્યા લેવા પાણીના જળાશયો કે મહાસાગર પર ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે, જેને આપણે પાણીની લહેર કહીએ છીએ. પાણી જલદી ઠંડું થતું નથી. તેથી જમીન પરની હવા પાણી પર ધસી આવે છે. જેને આપણે જમીનની લહેર કહીએ છીએ. જળાશયમાં પાણી દિવસે ઠંડું રહેવાથી ઉનાળાની બળબળતી બપોરે લોકો જળાશયમાં નહાવા જાય છે. સવારે જ્યારે આજુબાજુનું વાતાવરણ ઠંડું હોય છે ત્યારે જળાશયોમાં પાણી ગરમ હોય છે. આવા ગરમ પાણીમાં લોકો નાહી શાતા અનુભવે છે. દિવસ દરમિયાન પાણીએ જે સૂર્યની ગરમી શોષી હોય છે તે જલદી છોડી શકતું નથી. આમ કુદરતે કમાલ કરી છે. વિજ્ઞાન આ કુદરતના ખેલ સમજવા પ્રયત્ન કરે છે.
પાણીને આપણે માનીએ અને તે દેખાય તેવું સરળ નથી. તે ૪ અંશે, નહીં કે શૂન્ય અંશે સૌથી ભારે રહે છે. તેથી તે જળાશયને તળિયે પલાંઠીવાળીને બેસી જાય છે. અને ખૂબ જ ઠંડા પ્રદેશોમાં તેની ઉપરનું પાણી બરફ બની જાય છે, પણ તળિયાનું પાણી ૪ અંશ સેલ્સીઅસે ગરમ રહે છે. તેથી ઠંડીમાં જળચરો ત્યાં રહેવા આવે છે. આમ જળચરોને ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી મરતાં બચાવી લે છે. આ પણ કુદરતની કમાલ છે અને જળચરો પર દયા છે. કુદરતે બધા પર જીવનમાત્ર પર દયા રાખી છે, તેને સુખેથી જીવવા સગવડતા કરી આપી છે, પણ માનવી કુદરતને તેના કરતૂતોથી પરેશાન કરે છે. પછી કુદરત ક્રોધિત થાય છે ત્યારે માનવીનું આવી બને છે. પાણીનો ઉપરોક્ત મહાન ગુણધર્મ જળાશયના જળચરોનું જીવન બચાવવા આશીર્વાદરૂપ છે.
પાણી ક્યાં નથી? લગભગ સર્વત્ર પાણી રહેલું છે. જમીનમાં, આપણા શરીરમાં, વાયુમંડળમાં પૃથ્વી પર ૭૫ ટકા પાણી છે, શાકભાજી, ફળોમાં, ટમેટાં, રીંગણા, મરચાં, તડબૂચ, સક્કરટેટી દરેકમાં પાણી છે. ક્યાં પાણી નથી? તડબૂચ તો પાણીનો પરપોટો છે. બકનળીમાં પાણી અલગ રીતે વર્તે, કેશાકર્ષણનો પણ તેમાં ગુણ છે જે ઝાડ, છોડવા, વેલા વગેરેના મૂળમાંથી પૂરી વનસ્પતિના દરેક ભાગમાં જઈ તેને પોષે છે, અને વનસ્પતિ આપણને ફળ-ફૂલ-પાન-અનાજ વગેરે આપે છે. કુદરતે પાણીને જે કેશાકર્ષણનો નિયમ આપ્યો છે તે પણ પૃથ્વી પરના જીવનને આશીર્વાદરૂપ છે. નહીં તો પૃથ્વી પર કે બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન પાંગર્યું જ ન હોત.(જી.એન.એસ)

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

तिरंगे का घोर अवमान के लिए एनडीए विधायक के खिलाफ कारवाई होंगी..? ना जी ना..!

aapnugujarat

ટાટા ગ્રૂપે રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1