Aapnu Gujarat
બ્લોગ

ટાટા ગ્રૂપે રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવી

ભારતના સૌથી મોટા ઉદ્યોગજૂથોમાં રિલાયન્સ, ટાટા, અદાણી, બિરલા, બજાજ વગેરેના નામ લેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં કયા ઈન્ડસ્ટ્રીયલ ગ્રૂપે રોકાણકારોને સૌથી જંગી કમાણી કરાવી છે તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ ટાટા ગ્રૂપ છે. ટાટા જૂથે રિલાયન્સ, બિરલા કે બજાજ જૂથ કરતા પણ રોકાણકારોને વધુ મોટો ફાયદો કરાવ્યો છે.

ટાટા ગ્રૂપમાં 6 લાખ કરોડની કમાણી
ટાટા ગ્રૂપની આગેવાની હાલમાં એન ચંદ્રસેકરનના હાથમાં છે. 24 સપ્ટેમ્બર 2021ના રોજ સેન્સેક્સ 60000ના લેવલ પર હતો અને હવે 70,000 પર આવી ગયો છે. આ ગાળામાં ટાટા જૂથે રોકાણકારોની સંપત્તિમાં લગગભગ 6 લાખ કરોડનો ઉમેરો કર્યો છે. એટલે કે ટાટા ગ્રૂપમાં ઈન્વેસ્ટર્સને 25 ટકા રિટર્ન મળ્યું છે. ટાટા જૂથની 26 લિસ્ટેડ કંપનીઓ છે જેમાંથી ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને બે વર્ષ અને બે મહિનાના ગાળામાં 227 ટકા રિટર્ન આપ્યું છે.

અદાણી ગ્રૂપમાં 42 ટકા વળતર
ત્યાર પછી અદાણી જૂથનો વારો આવે છે જેની 10 કંપનીઓ લિસ્ટેડ છે. અદાણીએ 24 સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં 4.30 લાખ કરોડનો ઉમેરો કર્યો છે, એટલે કે 42 ટકા વળતર આપ્યું છે. હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે અદાણીને અમુક મહિના માટે આંચકો લાગ્યો હોવા છતાં છેલ્લા સવા બે વર્ષનો દેખાવ જોવામાં આવે તો અદાણીની કંપનીઓ ઘણી આગળ છે અને ઈન્વેસ્ટર્સ માટે મૂડીનું સર્જન કરી રહી છે. અદાણીની એક પણ કંપનીએ છેલ્લા સવા બે વર્ષમાં નેગેટિવ રિટર્ન નથી આપ્યું. અદાણી પાવરનો શેર સૌથી મોટો વેલ્થ ક્રિયેટર સાબિત થયો છે જેના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે.

રોકાણકારો માટે વેલ્થ ક્રિયેશન કરવામાં સુનિલ મિત્તલનું ભારતી ગ્રૂપ ત્રીજા ક્રમ પર છે. જ્યારે મુરુગપ્પા ગ્રૂપ ચોથા ક્રમે અને આદિત્ય બિરલા જૂથ પાંચમા ક્રમે છે.

રિલાયન્સ પાછળ રહી ગયું
મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ અને બજાજ ગ્રૂપની વાત કરવામાં આવે તો આ બંનેએ સેન્સેક્સની તુલનામાં નીચું વળતર આપ્યું છે. છેલ્લા 2.2 વર્ષમાં સેન્સેક્સે 16 ટકા વળતર આપ્યું છે. મુરુગપ્પા ગ્રૂપ ઉપરાંત બીજા ચાર ગ્રૂપ પણ એવા છે જેમાં 100 ટકા કરતા વધારે વળતર મળ્યું છે. તેમાં વેણુ શ્રીનિવાસનનું ટીવીએસ અને રવિ જયપુરિયાનું ગ્રૂપ સામેલ છે. તેમની બે લિસ્ટેડ કંપનીઓ વરુણ બેવરેજિસ અને દેવયાની ઈન્ટરનેશનલે માત્ર સવા બે વર્ષમાં અનુક્રમે 226 ટકા અને 204 ટકા રિટર્ન આપ્યું છે.

આંકડાની રીતે જોવામાં આવે તો સેન્સેક્સ 60 હજાર પર હતો ત્યાંથી 70 હજાર થયો ત્યાં સુધીમાં ટાટાએ 6 લાખ કરોડ, અંબાણીએ 40 હજાર કરોડ, અદાણીએ 4.3 લાખ કરોડ, ભારતીએ 3.3 લાખ કરોડ અને બજાજે 60,000 કરોડની સંપત્તિનું સર્જન કર્યું છે. ટકાવારીમાં ટાટા જૂથમાં 25 ટકા, અદાણીમાં 42 ટકા, અંબાણી જૂથમાં માત્ર બે ટકા, ભારતી જૂથમાં 37 ટકા અને બજાજમાં 6 ટકા વળતર મળ્યું છે. મુરુગપ્પાની નવ લિસ્ટેડ કંપનીઓ છે અને તેમણે રોકાણકારોની વેલ્થમાં 1.80 લાખ કરોડ ઉમેર્યા છે. એટલે કે 119 ટકા જેટલું રિટર્ન પ્રાપ્ત થયું છે. સૌથી ઝડપથી વળતર સીજી પાવરમાં મળ્યું છે જેમાં રોકાણકારોએ 375 ટકા કમાણી કરી છે. આ કંપનીને મુરુગપ્પાએ 2020માં ખરીદી હતી.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ અને સંતાપજનક નિરાશા

aapnugujarat

લાખો ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા કર્યા વગર જ બાંધશે પુણ્યનું ભાથું !

editor

પંજાબ નેશનલ બેંકે ભારતને આર્થિક મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે…

aapnugujarat
UA-96247877-1