Aapnu Gujarat
બ્લોગ

“વાત વાતમાં વાત”

        સ્વતંત્ર ભારત દેશમાં વધુ એક સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ ગયો.15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો.આઝાદી એટલે શું ?ગુલામી એટલે શું ? આ બંને મુદ્દા ઉપર ગૌર કરવા જેવું છે.કોઈના તાબામાં રહેવું એ પરતંત્રતા.અને કોઈને પોતાના ઉપર હાવી થવા દેવું એટલે સ્વેચ્છાએ સ્વીકારેલી પરતંત્રતા. સ્વતંત્ર કહેવાતા માણસો કેટલા પરતંત્ર છે એના ઉદાહરણો નજર સામે જ હોય છે.

        નિવૃત્ત આચાર્ય એવા સસરાને પુત્રવધુએ ત્રણ વર્ષના દીકરાનું એડમીશન ફોર્મ લેવા મોકલ્યા.વહુએ ફોર્મ ભરતી વખતે અભ્યાસના માધ્યમમાં ગર્વથી અંગ્રેજી માધ્યમમાં ટીક કર્યું.સાસુ સસરાએ ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ ન હોવાથી દીકરાને ગુજરાતી માધ્યમમાં મુકવા સમજાવવાનો પ્રયત્ન કર્યો.ટ્યુશન રાખી દેવાશે.હવે તો અંગ્રેજીનો જમાનો છે.એવી દલીલ સાથે પૌત્રને અંગ્રેજી માધ્યમમાં મૂક્યો.ઘરમાં ક્યારેય ગમે ત્યાં પેશાબ ન કરી જતો પૌત્ર અંગ્રેજીના વાતાવરણમાં મૂંઝવણ અનુભવતો હોવાથી શાળામાં પહેરેલા કપડામાં જ પેશાબ કરી જવા લાગ્યો.શાળાએ જવાના સમયે રડી રડીને ઘર ગજવતો.દાદા-દાદીએ સ્કૂલે તપાસ કરી.ત્યાં શિક્ષક અંગ્રેજીમાં જ વાત કરતાં. એ સમજી શકવા જેટલી એની ઉમર નહોતી.બાળકને વાતાવરણ પોતીકું લાગતું નહોતું.છેવટે દાદાએ કડક થઈને પૌત્રને માતૃભાષાના માધ્યમમાં ભણવા મૂક્યો.હવે પૌત્ર ખૂબ આનંદપૂર્વક હોંશે હોંશે શાળાએ જતો.એના વ્યક્તિત્વમાં દેખીતો ફેરફાર પણ જણાવા લાગ્યો.પણ… અંગ્રેજી માધ્યમના મોહાંધ દીકરો-વહુ આ મુદ્દાથી નારાજ થઈ ઘર છોડીને ભાડે રહેવા જતા રહ્યાં.આમ તો અંગ્રેજો જતાં રહ્યાં છે,પણ અંગ્રેજીની ગુલામીએ કઈ કેટલાયને પરતંત્ર બનાવી રાખ્યા છે.

      એક મધ્યમ વર્ગીય પરિવારે ખૂબ મહેનત અને કરકસરથી ભાડાના ઘરમાંથી પોતાના બંગલા સુધીની મંઝીલ કાપી હતી.કલાર્કમાંથી ઓફિસર બનેલા પિતાની ઈચ્છા હતી કે દીકરાની વહુ તો પટપટ અંગ્રેજી બોલતી જ લાવવી છે.સોસાયટીમાં વટ પડી જાય.માતાએ આખી જિંદગી નોકરી અને ઘરની જવાબદારી સંભાળી હતી.એને ઘર સંભાળે એવી પુત્રવધુ જોઈતી હતી.દીકરો પાંત્રીસનો થયો.લગ્નની ઉંમર વીતી રહી હતી.છેવટે પરરાજ્યની પરજ્ઞાતિની છોકરી મેરેજ બ્યુરો દ્વારા મળી.અંગ્રેજી બોલતા આવડે છેને…! એ સિવાય કોઈ ક્વોલિટી જોવાની નહોતી.રંગેચંગે લગ્ન લેવાયા.વહુ પણ પ્રાયવેટ જોબ કરતી હતી.લગ્ન પછી તરત ખબર પડી ગઈ કે વહુને રસોઈ કે કોઈ પણ જાતનું ઘરકામ કરતાં આવડતું નથી.બસ ફૂલફટાક થઈને ફરવું એમાં જ એ હોશિયાર છે.માતા-પિતા હજી એમની નોકરીમાંથી રીટાયર્ડ થયા નહોતા.દીકરો-વહુ સાથે રહી શકે એ માટે વહુની નોકરીના સ્થળે બેયને રહેવા જવાની પરવાનગી આપી.દીકરો અહીંથી નોકરી છોડી ત્યાં ગયો.થોડાક જ મહિનામાં દીકરાની આત્મહત્યાના સમાચાર મળ્યા.પત્નીનું પાર્ટી કલ્ચર,વિજાતીય મિત્રો,વારંવાર છૂટાછેડા લેવાની ધમકી- આ બધું દીકરા માટે આઘાતજનક હતું.‘આવા મોટા બંગલામાં પટપટ અંગ્રેજી બોલતી વહુ હોય તો સોસાયટીમાં વટ પડી જાય વટ…’ આ વિચારની ગુલામી એના માબાપને કેટલી મોંઘી પડી ?!

          આજકાલ દીકરીના મા-બાપ એના માટે મુરતીયો શોધતા પહેલાં ક્રાઈટ એરિયા નક્કી કરી નાંખે.આટલું તો કમાતો જ હોવો જોઈએ.બંગલો-ગાડી તો જોઈએ જ…વગેરે વગેરે.એમાં ને એમાં છોકરીની લગ્નની ઉંમર વીતી જાય પછી સમાધાન કરીને લગ્ન કરાવવા પડે અથવા લવમેરેજ વધાવી લેવા પડે.શા માટે દીકરીના સાસરે બધું સેટ હોય એવી અપેક્ષા રાખવી ?જમાઈ જો યોગ્ય હોય તો દીકરી-જમાઈ સાથે મળીને સંઘર્ષ કરી જિંદગીમાં બધું મેળવી જ લેશે. સમૃદ્ધિ જો નસીબમાં નહી હોય તો હશે એ પણ જતી રહેશે.પણ જો છોકરાના બાવડામાં બળ હશે,એનામાં આવડત હશે તો જાહોજલાલી મેળવી શકશે. અહી પણ વિચારોની પરતંત્રતા જ છે.

       માણસ પોતાની ટેવોનો પણ ગુલામ હોય છે.પહેલાના જમાનામાં સ્માર્ટ ફોન નહોતા.છતાં જીવન જીવાતું હતું.વારેઘડીએ ફોન ચેક કરવો.ફેસબુક અને વોટ્સઅપ જોયા વગર તો ચેન જ ના પડે…આ શું છે ?તમે એના ગુલામ બની ગયા છો.ઘરમાં પત્નીને સવાર સવારમાં જયશ્રી કૃષ્ણ નહી કહે પણ વોટ્સઅપ ઉપર પચીસ પચાસ જણાને ગુડમોર્નિંગનો મેસેજ ના મોકલે તો મઝા ના આવે…! વોટ્સઅપ ઉપર ચેટીગ કરવામાં ટાઈમ ઓછો ના પડે,પણ ઘરમાં પત્ની જોડે એટલા જ રસથી વાત કરવાનો સમય ન મળે.એવું નથી કે પુરુષો જ આવું કરે છે, ઘણાની પત્નીઓ પણ આવી સોશિયલ મીડિયાની દીવાની હોય છે.બાળકોના અભ્યાસ માટે કે એમની સાથે વાતો કરવાનો તો સમય જ ક્યા હોય છે? ઓફીસ ફોન કોલના બહાને ફોન ઉપર કલાકો વાતો કરનાર લોકો પણ છે.અરે ભાઈ ઓફિસેથી ઘરે આવ્યા પછી ય ઘરના નહી ?મારે ઓફીસ કામને પ્રાયોરીટી આપવી પડે એ પણ વિચારોની પરતંત્રતા જ છે.ઓફિસનું કામ ઓફિસમાં જ કરો.

          અમુક બાબતોમાં સ્વતંત્રતા વધી ગઈ છે.બાળકો મોટા થાય એટલે મા-બાપનું સાંભળવું ગમતું નથી.કમાતા થાય એટલે મા-બાપની સાથે રહેવાનું પણ ગમતું નથી.છોકરી પરણીને સાસરે જાય એવું ચલણ તો હતું, હવે તો દીકરો પરણે એટલે જુદો રહેવા જાય એ પણ સ્વીકારાઈ ગયું છે.પચાસની ઉંમરે પહોચેલા માતા-પિતા કે જેમણે પોતાના બાળકોના સુખ ખાતર પાઈ-પૈસો બચાવીને થોડી ઘણી મિલકત વસાવી હોય એમના સંતાનોને પોતાની સ્વતંત્રતામાં રસ હોય છે.એ પોતાની જિંદગી મા-બાપની આસપાસ જીવવા નથી માંગતા.ઉંમરલાયક મા-બાપ એમને કંટ્રોલ કરે છે એ ના ચાલે;એવું માનતી આજની યુવા પેઢીને હમ ઉમ્રની પત્ની કંટ્રોલ કરે એમાં વાંધો હોતો નથી.

          બેય દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે કિરણભાઈએ લોનો લઈને ગાડું ગબડાવ્યું.મોટો ભણી રહ્યા પછી નોકરી લાગ્યો.ત્યાં એક છોકરી ગમી ગઈ.ઘરે વાત કરી.રાગિણીબેનને છોકરી બીજી નાતની હોવા સામે ભયંકર વાંધો હતો.એક ફેમીલી ફ્રેન્ડની દરમ્યાનગીરીથી છેવટે સાદાઈથી લગ્ન લેવાયા. રિસાયેલા રાગિણીબેન ન તો તૈયાર થયાં,ના કોઈ ઉત્સાહ લગ્નની વિધિમાં દેખાડ્યો.એકબાજુ મોઢું ફુલાવીને બેસી રહ્યા.એક રૂમ રસોડાના મકાનમાં આમ પણ ભેગા રહી શકાય એમ નહોતું.એટલે મોટો દીકરો જુદો રહેવા ગયો.અઠવાડિયે એકવાર અચૂક આંટો મારી જતો.નાનો દીકરો પડોશમાં જ રહેતી જ્ઞાતિની છોકરીની સાથે રમીને મોટો થયેલો એની સાથે પરણ્યો.નાની વહુએ આવતા વેંત ઘર નાનું છે એટલે જુદા રહેવા નાના છોકરાને ચાવી ચઢાવી.મા-બાપ તો ઇચ્છતા હતા કે નાની વહુનું પિયર અહી છે તો બેય આ ઘરમાં જ એમની સાથે રહી સેવા કરે.પણ બેયની નોકરીથી ઘર દૂર પડે છે એ સોલિડ બહાનું હતું.છેવટે કકળાટનું મો કાળું એમ સમજીને જુદા રહેવા મોકલ્યા.હજી એકાદ વર્ષ થયું ત્યાં અકસ્માતે સ્કુટર સ્લીપ થઈ જતા કિરણભાઈ કોમામાં જતા રહ્યા.એમની યાદદાસ્ત જતી રહી.ઘર કેવી રીતે ચલાવવું?.નાના દીકરા-વહુએ તો સંબંધ જ કાપી નાખ્યો.રખે ને પૈસા માંગે…મોટી વહુ જેને ઘરમાં પણ આવવાની મનાઈ કરેલી એ આવીને સાસુ સસરાને પોતાના ઘરે લઇ ગઈ.એમની દિલથી સેવાચાકરી કરી.હવે તો મોટા દીકરાએ પોતાનું મોટું મકાન લીધું હતું.એમાં માતા-પિતાને અલાયદો રૂમ જ આપી દીધો.એની નાની દીકરીને રમાડતા રમાડતા સુખપૂર્વક સમય જઈ રહ્યો હતો. રાગિણીબેનને પોતાની સંકુચિત વિચારસરણી ઉપર ભરપુર પસ્તાવો હતો.

       વ્યક્તિગત સ્વતંત્રતા અને પરતંત્રતા એક જ સિક્કાની બે બાજુઓ છે.મા-બાપ તમને સ્વતંત્રતા આપે છે તો તમારે એની આડમાં સ્વચ્છંદતાના ગુલામ નથી બનવાનું.સ્માર્ટ ફોન ઉપયોગી છે એ સાચું,પણ એના ગુલામ બનીને તમે પરિવારથી દૂર થાવ એ કેવું?બાળકોને ઓનલાઈન શિક્ષણ માટે આપેલો ફોન મોબાઈલમાં ગેમ રમવા અને ચેટીંગ કરવા વાપરે; અને એના વગર રહી ના શકે એ હદે એના ગુલામ બની જાય એ કેવું?

           દેશસેવાની શરૂઆત ઘરથી જ કરો.દેશસેવાની મોટી મોટી વાતો કરતાં પહેલા પોતાની ટેવોની ગુલામી છોડીએ.વિચારોની પરતંત્રતામાંથી બહાર આવીએ.પોતાના પરિવારને સમય આપીએ.પોતાના માતા-પિતાની સંભાળ રાખીએ.એમને રાજી રાખીએ તો ભારતમાતા પણ રાજી રહેશે.

Related posts

કર્ણાટકમાં ત્રિશંકુ કે બહુમતિ…..

aapnugujarat

डोनाल्ड ट्रंप बच गए लेकिन…

editor

સીબીઆઇ : શાખ પર સવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1