Aapnu Gujarat
બ્લોગ

સીબીઆઇ : શાખ પર સવાલ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ઉર્ફ સીબીઆઇ હાલમાં વિવાદોનાં વમળમાં ફસાયેલી જણાય છે.તેવામાં એ જાણવું રસપ્રદ છે કે આ એજન્સીની સ્થાપના ક્યારે થઇ અને તેનો ઇતિહાસ શું છે..આમ તો લોકોએ સીબીઆઇનું નામ સાંભળ્યું છે પણ તેના અંગે ઘણી વાતોથી લોકો અજાણ જ છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભ્રષ્ટાચાર અને લાંચની તપાસ માટે ભારતમાં રાજ કરી રહેલી બ્રિટીશ સરકારે ૧૯૪૧માં સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટની સ્થાપના કરી હતી.યુદ્ધ બાદ દિલ્હી સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ એકટ ૧૯૪૬ની જોગવાઇઓ અંતર્ગત આ એજન્સીનું સંચાલન થતું રહ્યું છે.આજે પણ આ જ કાયદા અંતર્ગત તેનું સંચાલન થાય છે.પહેલા સીબીઆઇ માત્ર ભ્રષ્ટાચારનાં મામલાઓની તપાસ કરતી હતી પણ ધીરેધીરે તેનાં દાયરો વધતો ગયો હતો.
૧૯૬૩માં ગૃહમંત્રાલયે એક પ્રસ્તાવ અંતર્ગત સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટને બદલે તેનું નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન એટલે કે સીબીઆઇ કર્યુ હતું.તેના સ્થાપક ડી.પી.કોહલી હતાં.તેઓ ૧૯૬૩થી ૧૯૬૮ સુધી સેવારત રહ્યાં હતા.ત્યારબાદનાં વર્ષોમાં સીબીઆઇને આર્થિક અપરાધો ઉપરાંત અન્ય અપરાધોની તપાસ પણ સોંપાવાની શરૂઆત થઇ હતી.મોટાભાગે છેતરપિંડી અને અપરાધનાં હાઇપ્રોફાઇલ કેસોમાં તપાસ સીબીઆઇને સોંપાતી હતી.તે સારી રીતે પોતાની કામગિરી કરી શકે તે માટે ૧૯૮૭માં તેની બે શાખાઓ રચાઇ હતી જેમાં એક હતી એન્ટી કરપ્શન અને બીજી સ્પેશિયલ ક્રાઇમ ડિવિઝન.ત્રણ સ્પેશિયલ ડાયરેકટર્સ સીબીઆઇનાં પ્રાદેશિક કાર્યાલયો પર નજર રાખે છે.જો કોઇ રાજ્ય સરકાર કોઇ કેસ માટે સીબીઆઇની મદદ માંગે તો સીબીઆઇને કેન્દ્રની મંજુરી લેવી પડે છે.ત્યારબાદ દિલ્હી સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ એકટ ૧૯૪૬ અનુસાર રાજ્ય કે કેન્દ્રસરકાર સહમતિની અધિસુચના જાહેર કરે તો સીબીઆઇ તપાસ હાથમાં લે છે.આ ઉપરાંત સુપ્રીમ કે હાઇકોર્ટો પણ સીબીઆઇને તપાસનાં આદેશ આપી શકે છે.
સીબીઆઇ ઇન્ટરપોલનાં યુનિટ તરીકે પણ કામ કરે છે.ટોચની પોલિસ એજન્સી હોવાને કારણે જ્યારે ઇન્ટરપોલ કે તેના સભ્ય દેશો આગ્રહ કરે તો સીબીઆઇ કોઇ મામલાની તપાસ કરે છે.સીબીઆઇનાં નિર્દેશકની નિયુક્તિ કમિટી દ્વારા કરાય છે.કમિટીમાં પીએમ, વિપક્ષનાં નેતા અને સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ કે તેમના દ્વારા ભલામણ કરાયેલ સુપ્રીમનાં કોઇ ન્યાયાધિશ સામેલ થાય છે.૧૯૯૭ પહેલા સીબીઆઇનાં નિર્દશકોને સરકાર પોતાની મરજીથી દુર કરી શકતી હતી અને ત્યારે એટલે જ તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતા ન હતા.આ સ્થિતિને જોતા સુપ્રીમે ૧૯૯૭માં વિનિત નારાયણ મામલા બાદ સીબીઆઇ નિર્દેશકનો કાર્યકાળ બે વર્ષનો કર્યો હતો જેથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકે.
સીબીઆઇ ડાયરેકટર ઇન્સપેટર રેન્કની ઉપરનાં અધિકારીઓ જેમ કે ડીએસપી, એએસપી, ડીઆઇજી, આઇજી અને એડિશનલ ડાયરેકટરને પોતે ટ્રાંસફર કરી શકતા નથી.સીબીઆઇ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ વિભાગનાં વહીવટ અંતર્ગત કામ કરે છે જો કે મજાની વાત એ છે કે સીબીઆઇમાં કોઇ આઇએએસ અધિકારી ન હોવા છતાં તે ડીઓપીટી અંતર્ગત કામ કરે છે.આ એવી એજન્સી છે જેનો યુનિફોર્મ નથી.દિલ્હી સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ એકટમાં સીબીઆઇનાં નામનો કોઇ ઉલ્લેખ નથી પણ તેનું સંચાલન આ કાયદા અંતર્ગત જ થાય છે.૧૯૬૩માં ગૃહમંત્રાલયે એક પ્રસ્તાવ અંતર્ગત તેની સ્થાપના કરી હતી.
જો કે હાલમાં સીબીઆઇની શુચિતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.તેનાં બે ટોચનાં અધિકારીઓ આલોક વર્મા અને અસ્થાના વચ્ચે છેડાયેલા યુદ્ધને કારણે તેની ઇજ્જતનાં ધજાગરા ઉડ્યા છે અને જે કામગિરી થઇ છે તે એક સંસ્થાનાં ગળાને દબાવવા સમાન છે.સીબીઆઇ ભારતની ગૌરવશાળી બંધારણીય સંસ્થા છે જેનું કામ જ પારદર્શકતા અને શુચિતા સ્થાપવાનું છે.પણ જે રીતે હાલમાં વિવાદોનાં વંટોળ પેદા થયા છે તેણે આ સંસ્થાની શાખ પર સવાલ પેદા કર્યા છે.મામલો ત્યાં સુધી બિચક્યો કે પીએમઓએ દરમિયાનગિરી કરવી પડી હતી.જો કે એક સમયે તેની કામગીરીને કારણે સર્વશ્રેષ્ઠ સંસ્થા સાબિત થનાર સીબીઆઇ ભલે સ્વાયત્ત કહેવાતી હોય પણ તેને સરકારનાં દબાણ અંતર્ગત કામ કરવાની ફરજ પડી છે અને તેના પર અનેક પ્રકારનાં આરોપ લાગતા રહ્યાં છે.જો કે આ આરોપ હાલનાં વિવાદોને કારણે યોગ્ય હોવાનું લાગી રહ્યું છે.સીબીઆઇએ પોતાના જ એક અધિકારીનાં કાર્યાલયની તપાસ કરી એટલુ જ નહી ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરવી પડી હતી.લોકતંત્રમાં બંધારણીય સંસ્થાઓ માટે આ ઘોર સંકટ છે.એ સાબિત થઇ રહ્યું છે કે દેશની જાહેર સંસ્થાઓ પોતાનો વિશ્વાસ અને શુચિતા જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ પોતાના જ બીજા દરજ્જાનાં અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ બે કરોડની લાંચની ફરિયાદ નોંધાવી અને આ આરોપ સાથે સંકળાયેલા સીબીઆઇનાં ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરી હતી.અસ્થાના પર આરોપ છે કે તે હૈદરાબાદનાં માંસનાં વ્યાપારી મોઇન કુરેશી વિરૂદ્ધ તપાસ કરી રહ્યાં હતા તેમણે એક વચેટિયા મારફતે દુબઇમાં બે કરોડની લાંચ લીધી હતી.આ વ્યકિતની સીબીઆઇએ ધરપકડ કરી છે.આ ફરિયાદ હૈદરાબાદનાં વ્યાપારી સતીશ શનાએ સીબીઆઇનાં પ્રમુખને કરી હતી.અસ્થાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી અને વિજય માલ્યા સાથે સંકળાયેલા મામલાઓની તપાસ કરતા હતા.આ આખી બાબત જ દર્શાવે છે કે સીબીઆઇમાં બધુ બરાબર નથી.અધિકારીઓ સંસ્થાની ગરિમાને બદલે પોતાના અહમ અને કેડરને વધારે મહત્વ આપી રહ્યાં છે.આમ તો અસ્થાનાએ આલોક વર્મા પર પણ રિશ્વતખોરીનાં આરોપ લગાવ્યા છે અને કેબિનેટ સચિવને તેમણે ફરિયાદ પણ કરી હતી.જો કે આ આખા પ્રકરણમાં સીબીઆઇની શાખ પર કલંક લાગ્યું છે કારણકે તેનાથી સંદેશ એ જ ગયો છે કે આ સંસ્થા રિશ્વત લઇને દોલતમંદોને ફાયદો કરાવી રહી છે અને નાણાં ફેંકીને આ સંસ્થા પાસે ગમે તે કાર્ય કરાવી શકાય છે.જો કે આ સંસ્થા પર સવાલો તો પહેલા પણ ઉઠ્યા છે.જો કે સવાલ એ છે કે આખરે આ અધિકારીઓ વચ્ચે યુદ્ધ છેડાયું કેમ છે.તેનું કારણ એ છે કે રાકેશ અસ્થાના ગુજરાત કેડરનાં અધિકારી છે અને આલોક વર્મા સાથે તેમને પહેલેથી જ છત્તીસનો આંકડો છે.૨૦૧૬માં જ્યારે કર્ણાટક કેડેરનાં અધિકારી આર કે દત્તાની ટ્રાંસફર ગૃહમંત્રાલયમાં કરાઇ હતી જો કે સિનિયોરિટીનાં હિસાબે તે સીબીઆઇનાં પ્રમુખ બની શકતા હતા.જો કે ત્યારે સીબીઆઇ પ્રમુખ રિટાયર થવાનાં હતા બાદમાં રાકેશ અસ્થાનાને સીબીઆઇનાં વચગાળાનાં નિર્દેશક તરીકે નિયુક્ત કરાયા હતા તે ત્યારે જ ચીફ બની જાત પણ તેમની ઇમેજ પર સવાલો કરાતા તેમનાં સ્થાને આલોક વર્માને પદ સોંપાયું હતું.
આમ તો સીબીઆઇની છાપ સરકારની કઠપુતલીની જ છે તેની સ્થાપના ભલે ભ્રષ્ટાચારને રોકવા માટે કરાઇ હોય પણ તે સરકાર વિરોધીઓને ચુપ કરાવવાનું હથિયાર બની રહી છે.આ આરોપ માત્ર લોકો કરી રહ્યાં છે તેવું નથી પાંચ વર્ષ પહેલા ખુદ સુપ્રીમે તેને પિંજરાનો પોપટ ગણાવી હતી.સુપ્રીમે કહ્યું હતું કે સીબીઆઇ પિંજરાનાં પોપટ સમાન છે જે તેનો માલિક તેને શીખવાડે છે તે જ તે બોલે છે.આ આખી પરિસ્થિતિથી બચવા માટે તેની સ્વાયત્તતાને બરકરાર રાખવી જરૂરી છે. આ વિવાદને ઠંડો પાડવા માટે સરકારે મોટું પગલુ ઉઠાવ્યું પણ તેના કારણે મામલો વધારે ગુંચવાઇ ગયો છે.સરકારે આલોક વર્મા અને અસ્થાનાને રજા પર મોકલી દીધા છે અને એમ.નાગેશ્વરરાવને વચગાળાનાં નિર્દેશકની જવાબદારી સોંપી છે.
જો કે આલોક વર્માએ સુપ્રીમનો સહારો લીધો છે અને તેમની યાચિકાને સુપ્રીમે સ્વીકારી છે.આ દરમિયાન પ્રશાંત ભષણે નાગેશ્વરરાવને વચગાળાનાં નિર્દેશક બનાવવાની વાતની આકરી ટીકા કરી છે.આમ હાલમાં સીબીઆઇ ભ્રષ્ટાચાર, ઝઘડાઓ અને ઝમેલાઓનો અડ્ડો બની ગઇ છે.

Related posts

ભ્રષ્ટાચાર : ભારતને લાગુ પડેલો જીવલેણ રોગ

aapnugujarat

નોકરી-પગારને લઈ આશાવાદી થયા ભારતીયો : આરબીઆઈ સર્વે

aapnugujarat

વોરન બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1