Aapnu Gujarat
બ્લોગ

વોરન બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે

૧૦૦ અબજથી વધુની સંપત્તિ સાથે દુનિયાના સાતમા સૌથી ધનિક વ્યક્તિ વોરન બફેટ આજે પોતાનો ૯૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનકુબેરની શ્રેણીમાં આવતા બફેટ આજે પણ એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે. ખાવાની બાબતમાં તેમને બાળક બનવામાં પણ ખચકાટ નથી થતો. વ્યક્તિ જ્યારે ધનિક બને ત્યારે તેની રહેણીકરણી અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. અબજોપતિ બને ત્યારે તેના પગ જમીન પર ભાગ્યે જ ટકે છે. પણ દુનિયાના ટોચના ધનિકોમાંથી એક એવા વોરન બફેટ માટે આ ઉક્તિ સાચી નથી ઠરતી. બફેટ અબજોપતિ હોવા છતા કોમનમેન છે. દિવસની કમાણી કરોડો ડોલરમાં હોવા છતા તે પોતાના માટે એક-એક ડોલરના ખર્ચનો હિસાબ રાખે છે. પોતાના માટે જ્યાં એક ડોલર બચતો હોય ત્યાં બચાવી લે છે, પણ અબજો રૂપિયાનું દાન કરવામાં પાછા નથી પડતા. અખૂટ સંપત્તિ વચ્ચે પણ બફેટ જળકમળવત્‌ રહી શકે છે. ઈનવેસ્ટમેન્ટ ફર્મ બર્કશાયર હેથવેના ચેરમેન બફેટના જીવનમાં શેરમાર્કેટ એટલી હદે વણાયેલું છે કે તેઓ સવારનો નાસ્તો માર્કેટની દિશા પ્રમાણે કરે છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે બફેટનો નાસ્તો સામાન્ય નાગરિક જેવો જ હોય છે, નહીં કે અબજોપતિઓ જેવો મોંઘોદાટ અને વૈવિધ્યસભર. વાત હાસ્યાસ્પદ લાગશે પણ હકીકત એ છે કે બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે. તેઓ ઓફિસ જતાં રસ્તામાં પહેલા મેક ડોનલ્ડસની સેન્ડવિચ ખાય છે. જો બજાર સારૂં હોય તો તે દિવસે તેઓ ચાર ડોલરની સેન્ડવિચ ખરીદીને પોતાને રાજા સમજે છે. બજાર જો ઘટાડા તરફી હોય તો ત્રણ ડોલરની અને જો બજારે ધબળકો વાળ્યો હોય તો અઢી ડોલરની પેટીસ ખાઈને બફેટ પોતાની ’ગરીબી’નો પરચો આપે છે. બફેટ નાસ્તા કે ભોજનમાં કેલરીની ચિંતા ક્યારેય નથી કરતા. હેમ્બર્ગર, કોક અને આઈસ ક્રીમના શોખીન બફેટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ૬ વર્ષના બાળકની જેમ ખાય છે. આ માટે તેમણે કારણ આપ્યું હતું કે સૌથી ઓછો મૃત્યુદર ૬ વર્ષના બાળકોમાં હોય છે, એટલે તેમની ખાવાની આદત બાળકો જેવી છે. સામાન્ય રીતે ફોન અને કોમ્પ્યુટરથી દૂર રહેતા બફેટ દિવસનો ૮૦ ટકા સમય વાંચન પાછળ આપે છે. દરરોજ પુસ્તકના ૫૦૦ પાના વાંચવાનો આગ્રહ રાખતા બફેટ માને છે કે જ્ઞાનનો સંચય કરવામાં અને તેના ઉપયોગમાં વાંચન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૨૦૨૦ સુધી, જ્યારે સ્માર્ટફોન સામાન્ય વ્યક્તિના હાથમાં પણ આવી ચૂક્યો હતો, ત્યાં સુધી બફેટ નોકિયાનો ૨૦ વર્ષ જૂનો ફ્લિપ ફોન વાપરતા હતા. ૨૦૨૦થી તેમના હાથમાં એપલનો આઈફોન આવ્યો, અને આ આઈફોન તેમણે ખરીદ્યો નહતો, પણ એપલના સીઈઓ ટીમ કૂકે તેમને ભેટ આપ્યો હતો. કેમ કે બફેટ પાસે એપલના ૫ ટકાથી વધુ શેર છે. આઈફોનનો ઉપયોગ પણ તેઓ ફક્ત કોલિંગ માટે કરે છે. બફેટ બહુ બધા શેરમાં રોકાણ કરવામાં નથી માનતા. તેઓ કંપનીના ફન્ડામેન્ટલ જોઈને અમુક શેર પસંદ કરે છે અને તેમાં મોટા પાયા પર લાંબા ગાળાનું રોકાણ કરે છે. રોકાણ માટેની તેમની મૂળ વ્યુહરચના એવી રહી કે એવી કંપનીઓમાં રોકાણ કરો કે જેની પ્રોડક્ટ કે સેવા વિના લોકોને ચાલે એમ ન હોય. રોકાણને તેઓ લગ્ન સાથે પણ સરખાવે છે. કેમ કે આપણે લગ્ન પૂરતી વિચારણા વિના નથી કરતા. બફેટ થોડા સમય પહેલા સુધી ટેક્નોલોજી કંપનીઓના શેરથી દૂર રહેતા હતા. આ માટે તેમનું માનવું હતું કે જે કંપનીઓની વૃદ્ધિના ભાવિનો અંદાજ માંડી ન શકાય, તેમાં રોકાણ કરવાથી દૂર રહો. અંગત જીવનમાં પણ બફેટ ટેક્નોલોજીનો લઘુત્તમ ઉપયોગ કરે છે. તેમની ઓફિસમાં તેમના ડેસ્ક પર આજે પણ લેપટોપ કે પીસી જોવા નહીં મળે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ટોચના રોકાણકાર બફેટે અત્યાર સુધી માત્ર એક ઈમેલ પોતાની જાતે સેન્ડ કર્યો છે. ટિ્‌વટર પર તેમના ૧૭ લાખ ફોલોઅર્સ છે, પણ તે કોઈને ફોલો નથી કરતા.તેમના એકાઉન્ટ પરથી માત્ર ૭ ટિ્‌વટ થયેલા છે. એ પણ તેમણે પોતે નથી કર્યા…૧૫ વર્ષમાં ૩૫ અબજ ડોલરનું દાન કરનાર બફેટ એ લોકો માટે આદર્શ છે, જેઓ આવકથી વધુ ખર્ચ કરે છે અને પછી તેની કિંમત પણ ચૂકવે છે.

Related posts

કપરા સમયે કોઈએ સાથ નહોતો આપ્યો ત્યારે ભારતે કરી હતી મદદ

aapnugujarat

વણજારા સંસ્કૃતિની જૂની જાહોજલાલી સાવ આથમી ગઈ

aapnugujarat

પશુપાલનની બકરા એકમ માટેની રૂા. ૧.૨૦ લાખની સરકારી સહાયે ઓરી ગામના ઉસ્મિતાબેનના જીવનના અંધેરા ઉલેચીને પાથર્યો પ્રકાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1