Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

પંચમહાલ જિલ્લામાં તાજપુરાના નારાયણધામ ખાતે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને ૭૧માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસન્ટન્સિંગના ચુસ્ત પાલન સાથે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે વૃક્ષોની સંખ્યા વધારવાની ઝુંબેશમાં સામાન્યજનને સાંકળવાના ઉદેશ્યથી વર્તમાન વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનમહોત્સવની ઉજવણીને એક નવીનરૂપ આપ્યું તેમજ સાંસ્કૃતિક વનોના નિર્માણની પહેલ કરી હતી. આજે ગુજરાતમાં ૧૯ સાંસ્કૃતિક વન તૈયાર થઈ ચૂક્યા છે. આ ઉજવણીએ વનોના સંવર્ધન બાબતે લોકોને વધુ સંવેદનશીલ બનાવ્યા છે. રોપેલા છોડવાઓ મોટા બની વૃક્ષ બને ત્યારસુધી તેમને પાણી પીવડાવવા સહિતની વન માવજત કરવી પણ એટલી જ જરૂરી છે તેમ જણાવતા સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે તેમ ઉમેર્યું હતું. પાવાગઢ સહિતના વૃક્ષઆચ્છાદિત વિસ્તારો પંચમહાલ જિલ્લાને મળેલ આશીર્વાદ અને પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે ત્યારે આ કુદરતી સંપદાની જાળવણી કરવાની જવાબદારી સૌને ઉત્સાહથી ઉપાડી લેવા તેમણે હાકલ કરી હતી. કાર્યક્રમમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આર.કે. સુગુરે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં રક્ષણ મેળવવા માટે આપણે ઘણી બધી ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે માનવજાત માટે ઔષધીય વૃક્ષો અને આવા વૃક્ષો ધરાવતા ગાઢ જંગલોની સાચવણી અને સંભાળ એ ખરેખર તો માનવજાતની પોતાની જ સંભાળ લેવા બરાબર છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સાંપ્રત સમયમાં વનીકરણના મહત્વ વિશે વાત કરતા સામાજિક વનીકરણની પહેલો વધુ સફળ અને પરિણામલક્ષી બને તે માટે રોપાઓનું વિતરણ આ છોડવાઓને પાણી સહિતની કાળજીની જવાબદારી નિશ્ચિત કર્યા બાદ જ કરવાની અને જે-તે સંસ્થાઓ છોડવાઓ રોપવા માટેના ખાડા તૈયાર કર્યા બાદ જ રોપા આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. “આ અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વનસંરક્ષક એમ.સી. સોલંકીએ સામાજિક વનીકરણની કામગીરી બાબત વિગતો આપી હતી. નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) એ.એસ.પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેકનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરિયા કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ અને પંચાયતના પદાધિકારી અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક આર.કે. સુગુર, જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિત અધિકારી ઉપસ્થિત હતાં.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

हार्दिक के आगे झुकी कांग्रेस ८ समर्थकों को देगी टिकट

aapnugujarat

अहमदाबाद-मुंबई के बीच दौड़ सकती है तेजस ट्रेन

aapnugujarat

ગીતા જયંતિ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે થયેલ ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1