25 C
Ahmedabad
August 13, 2020
Gujarat

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે ગામ પસંદ કર્યા

Font Size

ગાંધીનગર લોકસભા ક્ષેત્ર મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ, મોડાસર અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર તથા ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામની ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ માટે પસંદ કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટેનું બીડુ ઝડપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ જયપ્રકાશ નારાયણની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પ્રત્યેક સાંસદ દ્વારા પોતાના લોકસભા ક્ષેત્રમાંથી પસંદ કરેલા ગામડાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેમાં જુદી-જુદી સરકારી યોજનાઓનો આ ગામડાઓમાં અમલ કરીને તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવે છે. આ પ્રક્રિયા અન્વયે ભૌતિક – માળખાગત સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ, આરોગ્ય સુવિધાઓ, પોતાના ઘરના ઘરથી વંચિત નાગરિકો માટે પાકા મકાનો જેવી વિવિધ પ્રકારની સવલતોનો સમાવેશ થાય છે. આ હેતુસર સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું માણકોલ ગામ નળસરોવર રોડ પર આવેલ પ્રથમ ગામ હોવાથી તે નળ સરોવરનું ‘પ્રવેશદ્વાર’ ગણાય છે. ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલા વસેલું આ માણકોલ ગામ સાણંદથી ૧૮ કિ.મી. ના અંતરે સ્થિત છે અને ૫૮૬૨ની વસ્તી ધરાવે છે. માણકોલ ગામ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈનું વતન હોવાથી ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા.અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.)ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક થઈ હતી. નળ સરોવર અને સાણંદ શહેરને જોડતું આ ગામ મીની વેપારી મથક તરીકે પ્રચલિત છે. આ ગામમાં નવરાત્રીનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. અહીં સ્થિત મા બુટભવાનીના મંદિરે ત્રીજા નોરતે આયોજિત થતાં નવચંડી યજ્ઞમાં હજારો ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ મેળવે છે. આ ઉપરાંત સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું મોડાસર ગામ પૌરાણિક વારસો ધરાવે છે. મોડાસર ગામ સાણંદથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ છે અને ૨૦૧૯ની સ્થિતિએ ૫૪૧૦ લોકોની વસ્તી ધરાવે છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના કલોલ તાલુકાના પસંદ કરેલ બિલેશ્વરપુરા ગામ કલોલ થી ૮ કિમી.ના અંતરે આવેલ છે, આ ગામનું નામ ગામમાં સ્થિત સ્વ્યંભુ શિવલીગ બિલેશ્વર મહાદેવ પરથી આવેલ છે. બિલેશ્વરપૂરા ગામમાં જોવાલાયક રામજી મંદિર અને મહાકાળી માતાજીનાં મંદિરો આવેલા છે. બિલેશ્વરપુરાની વસ્તી ૨૦૭૧ નોંધાયેલ છે. કલોલ તાલુકાનું જ અન્ય પસંદ કરાયેલ રામનગર કલોલથી ૬ કિલોમીટરના અંતરે સ્થિત છે જેમાં ૨૦૧૯ની સ્થિતિએ રામનગર વસ્તી ૨૦૩૮ નોંધાયેલ છે. અહીં નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૮-૦૯માં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ‘ગ્રામ પંચાયત નિર્મળ ગામ’ પુરસ્કાર, વર્ષ ૨૦૧૦-૧૧માં ‘સ્વર્ણિમ ગ્રામ’પુરસ્કાર અને તાજેતરમાં ગામની જળ સ્વચ્છ સમિતિને વાસમો દ્વારા રૂ. ૫૦,૦૦૦નો પુરસ્કાર રામનગર ગામે મેળવેલ છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકા અને જિલ્લામાં પસંદ કરાયેલું રૂપાલ ગામ સમગ્ર વિશ્વમાં ત્યાં યોજાતી “પલ્લી યાત્રા” માટે આગવી ખ્યાતિ ધરાવે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૨ કિ.મી.ના અંતરે સ્થિત રૂપાલ ગામ ખાતે મહાભારત કાળનું પાંડવોના અજ્ઞાતવાસના સમયનું વિશ્વવિખ્યાત વરદાયીની માતાનું પવિત્ર મંદિર સ્થિત છે જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાય છે. રૂપાલ ગામ ૬૫૮૭ જેટલી વસ્તી ધરાવે છે. અત્રે સર્વ વિદિત છે કે માનનીય સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રની સતત ખેવના કરીને તમામ નાગરિકોની સુખાકારી માટે આવશ્યક બહુઆયામી પગલાઓ લેવાતા રહ્યા છે. આમ સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત માણકોલ, મોડાસર, બિલેશ્વરપુરા, રામનગર અને રૂપાલ ગામની પશ્ચાદભૂમિને અને સ્થાનિક રીતે તેમના મહત્વને ધ્યાનમાં રાખીને તમામ માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક સુવિધા ઉપલબ્ધ બને અને આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે અમિત શાહ દ્વારા મક્કમ અને સાતત્યપૂર્ણ પગલાં લેવાઇ રહ્યાં છે.

Related posts

नर्मदा बांध ओवरफ्लो होने पर गुजरात को दो वर्ष पानी मिलेगा

aapnugujarat

સમાજ કલ્યાણ વિભાગની ૧૩ યોજના ઓનલાઈન કરાઈ

aapnugujarat

HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત ત્રણ મહિના વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1