Aapnu Gujarat
ગુજરાત

મોસાળ સરસપુરમાં મામેરાંના દર્શન કરીને શ્રદ્ધાળુ રોમાંચિત

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજે ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતે લાખેણાં મામેરાંના દર્શન માટે હજારો શ્રધ્ધાળુ ભકતોએ રીતસરની પડાપડી કરી હતી. લાખેણાં મામેરામાં ભાણિ-ભાણિયાઓના સુંદર મુગટ, અંલકારિક વસ્ત્રો, સોના-ચાંદીના દાગીના, કુંડળ, હાર, મોજડી ઉપરાંત બહેન સુભદ્રા માટે ખાસ માંગ ટીકો, હાર, સાડી, નથણી, વિંછિંયા, પાયલ બુટ્ટી, બંગડી સહિતના અલંકારો અને આભૂષણો સાથેનો સાજ-શણગાર ભાવિકભકતોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભગવાનના મોસાળમાં એકબાજુ આજે ભવ્ય મામેરા દર્શનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી તો, બીજીબાજુ, જમાલપુર ખાતેના નિજમંદિરમાં ભગવાન પરત ફરવાની તેમના ભકતો અધીરા બનીને રાહ જોઇ રહ્યા છે. ભગવાન તા.૧૨મી જૂલાઇએ સરસપુર તેમના મોસાળમાંથી નિજમંદિરે પરત ફરશે, તેને લઇને નિજમંદિરમાં તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે આજે હજારો શ્રધ્ધાળુ ભકતો માટે લાખેણાં મામેરાંના દર્શન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમવાર વાંસનો વિશાળ ઘુમ્મટ બનાવાયો હતો તો, મામેરાના દર્શન માટે હજારો ભકતોની લાંબી લાઇન માટે વાંસના બંબુ ગોઠવી વિશેષ વ્યવસ્થા કરાઇ હતી કે, જેથી ધક્કામુક્કી કે કેઓસ ના સર્જાય. સાંજે ૪-૦૦થી ૮-૩૦ વાગ્યા સુધી ભાણિ-ભાણિયાઓના લાખેણાં મામેરાના દર્શન જાહેરજનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હજારો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના વિશેષ વાઘા, સુંદર અલંકારિક વસ્ત્રો, આભૂષણો, સોના-ચાંદીના દાગીના અને સાજ-શણગારના મામેરાના ભકિતભાવ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મામેરાના દર્શન પ્રસંગને લઇ જગન્નાથજી મંદિરથી ખાસ શણગારેલા ગજરાજોને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને તેમને પણ મામેરાના દર્શન કરાવાયા હતા. મામેરા દર્શનને લઇ આજે સરસપુર ખાતેના મોસાળમાં ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને ભજનમંડળી દ્વારા પ્રભુ ભજન અને કિર્તન સાથે જોરદાર જમાવટ કરી સમગ્ર માહોલ ભકિતમય બનાવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, તા.૧૪ જુલાઈના રોજ શહેરમાં નીકળનારી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા બપોરે જયારે સરસપુર ખાતેના મોસાળમાં પહોંચશે ત્યારે ત્યાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીનું રંગેચંગે અને વાજતેગાજતે મામેરું કરવામાં આવશે. મામેરું રથયાત્રામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે અને તેના માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે. આ વર્ષે ભગવાનનું મામેરું સરસપુરનો બારોટ પરિવાર કરશે. ભગવાનનું મોસાળ સરસપુર છે, ત્યારે સૌપ્રથમવાર સરસપુરવાસીઓને મામેરું કરવાનો લહાવો મળ્યો છે. યજમાન ધીરુભાઈ અને મીનાબહેન બારોટે એક વાતચીતમાં જણાવ્યું કે, ૧૮ વર્ષથી ભગવાનનું મામેરું કરવાની ઈચ્છા હતી. તે સમયે નાણાકીય સ્થિતિ એવી નહોતી કે મામેરું કરી શકાય. ભગવાન રણછોડરાયે ૧૮ વર્ષે ઈચ્છા પૂરી કરી એટલું જ નહીં, મામેરું કરવા જેટલાં આર્થિક રીતે સધ્ધર પણ બનાવ્યાં. ભગવાનના સ્વાગત માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. અમે પ્રભુના આભારી છીએ.

Related posts

રાહુલ ગાંધીએ મને જોઈએ તે જવાબદારી આપવાનું વચન આપ્યું : અલ્પેશ ઠાકોર

aapnugujarat

ખેડબ્રહ્મામાં માતાજીના મુખ્યમંત્રીએ દર્શન કર્યા

aapnugujarat

આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1