Aapnu Gujarat
ગુજરાત

દ. ગુજરાતમાં વરસાદ જારી : ઉમરગામમાં ૬ ઇંચ

અમદાવાદમાં હજુય ગરમી અને બાફની સ્થિતિ : લોકો ત્રાહિમામ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ યથાવતરીતે જારી રહેતા જળબંબાકાર અને સર્વત્ર પાણી પાણી કરતી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ગઇકાલે ૧૪ ઇઁચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકયા બાદ આજે પણ મેઘરાજાએ ઉમરગામ સહિતના પંથકોમાં પાંચ થી છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસાવ્યો હતો. જેને કારણે સ્થાનિક પ્રજાજોની હાલાકી અને મુશ્કેલીમાં ખૂબ વધારો નોંધાયો હતો. ઉમરગામ સહિતના પંથકોમાં ગઇકાલના વરસાદી પાણી ઉતર્યા ન હતા ત્યાં આજે ફરી પડેલા વરસાદને લઇ લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. તો બીજીબાજુ, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ સ્થાનિક તંત્ર, એનડીઆરએફ, પોલીસ, મેડિકલ અને રાહત-બચાવની ટીમોને અહીં ઉતારી દેવાઇ હતી અને ભારે અસરકારકતા સાથે કામે લગાડી દેવાઇ હતી. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે, જયારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ગઇકાલે મેઘરાજાએ જોરદાર ધડબટાડી બોલાવી હતી. ખાસ કરીને ઉમરગામ, ધરમપુર સહિતના પંથકોમાં તો સાંબેલાધાર અનારાધાર વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં તો ૧૫ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયુ હતું. ટીંભી ગામનું તળાવ ફાટતાં રસ્તાઓ, ખેતરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ધરમપુરમાં પણ સાત ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં સમગ્ર પંથક પાણીમાં ગરકાવ બન્યો હતો. ઉમરગામ અને ધરમપુર સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદને પગલે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, રોહિતવાસ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાંથી સેંકડો લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાનમાં જોતરાઇ હતી. ગણતરીના કલાકોમાં ૧૪ ઇઁચ જેટલા અતિભારે વરસાદથી ઉમરગામ જાણે બેટમાં ફેરવાયું હતું. આજે સતત બીજા દિવસે ઉમરગામ સહિતના પંથકોમાં મેઘરાજાએ તોફાની બેટીંગ જારી રાખી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ પાંચથી છ ઇંચ વરસાદ ખાબકતાં ફરી એકવાર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. લોકોના ઘરો-દુકાનો અને કોમ્પલેક્ષોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તો, સમગ્ર વિસ્તારમાં કમર સુધીના ઉંડા પાણી ભરાઇ ગયા હતા. લોકોના ઘરોમાં ઘરવખરીનો સામાન, ફર્નિચર સહિતનો કિંમતી માલસામાન અને અનાજ-કરિયાણું અને અનેક ચીજવસ્તુઓ પાણીમાં ગરકાવ બનીને બગડી ગયા હતા, જેને લઇને લોકોની હાલત કફોડી બની હતી. ઉમરગામ તાલુકામાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ઈંચ છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૫૫ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં માત્ર ૧૫ દિવસમાં જ તાલુકાની વરસાદની અડધી સીઝન પૂરી થઈ ગઈ છે. મધુબન ડેમમાં ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે મધુબન ડેમની જળ સપાટી ૭૪.૫૦ મીટરે પહોંચતા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે દમણગંગા નદી ગાંડીતૂર બની છે. દક્ષિણ ગુજરાતની જેમ સૌરાષ્ટ્રમાં અમરેલીમાં પણ ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. અમરેલીના ધારી, રાજુલા, જાફરાબાદ, વિકટર તથા સાવરકુંડલાના નવાગામ,દાધિયા, મેરિયાણા, વીજપડી ઉપરાંત, રાજકોટના કોટડટા સાંગાણી સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસતાં લોકો ખુશખુશાલ બન્યા હતા.ગોંડલ પંથકમાં પણ આજે સારો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં પણ આજે સતત બીજા દિવસે પણ મેઘમહેર જારી રહી હતી.દક્ષિણ ગુજરાત ઉપર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ હજુ પણ પડી શકે છે. આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો નથી. વરસાદી માહોલ પણ સર્જાઈ રહ્યો નથી. બાફની સ્થિતિ વચ્ચે ગરમીથી લોકો ફરીવાર પરેશાન થયેલા છે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૬.૧ અને લઘુત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અકબંધ રાખવામાં આવી હોવા છતાં વરસાદ થઇ રહ્યો નથી. લોકો પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

Related posts

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

editor

स्थायी डीजीपी की कुछ समय में ही नियुक्ति हो सकती है : सरकार

aapnugujarat

ભરૂચના આમોદ કાનમ પ્રદેશ મા કપાસ મબલત પાકનો ઉતારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1